ભારત સરકાર.. સાવધાન….!!!

જલ્લીકટ્ટુ: આઘાત-પ્રત્યાઘાત 
(સાંસ્કૃતિક વિરાસત તથા પ્રાદેશિક અસ્મિતાનો મધપુડો છંછેડાયો)
ભારતમાં તામિલ લોકોને બાદ કરતા કેટલાં લોકોને જલ્લીકટ્ટુની રમત વિષે ખબર હતી? આવી અઢી હજાર વર્ષથી ચાલી આવતી સાંસ્કૃતિક પરંપરા જલ્લીકટ્ટુ ઉપર પ્રતિબંધ આવી ગયો. સર્વોચ્ચ અદાલતે તેના ઉપર નિર્દેશો આપવાનું નક્કી કર્યું હતું. આખરે તેને ચાલુ રાખવા માટે રાતોરાત વટહુકમ લાવવો પડ્યો અને તામિલનાડુની સરકારે વિધાનસભામાં અસાધારણ સત્ર બોલાવીને કાયદો પસાર કરવો પડ્યો. ભવિષ્યમાં ભારત સરકારે “તમિલ અસ્મિતા”નો પ્રશ્ન ઉભો ન થાય તે અંગે સાવધાન રહેવું પડશે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં યોજાતી બળદગાડાની હરીફાઈ અને કર્ણાટક અને ગોવામાં યોજાતી બળદો તથા આખલાઓની સ્પર્ધાને પણ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રતિબંધિત કરી દીધી છે. ન્યાયતંત્રની વધારે પડતી દખલગીરી દેશને અંધાધુંધીમાં ધકેલી દેશે. 
હજારો વર્ષોથી ચાલી આવતી આવી કેટલીય સાંસ્કૃતિક વિરાસત અને પ્રાદેશિક પરંપરા છેલ્લા પાંચ વર્ષથી વિવાદમાં આવી છે. તેની પાછળ બહુ ઊંડું અને આયોજનબદ્ધ ષડ્યંત્ર હોય તેમ લાગી રહ્યું છે. (આખો લેખ છેલ્લા શબ્દ સુધી વાંચીને પછી તમારી કોમેન્ટ લખજો)
છેલ્લા બે-ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જન્માષ્ટમી નિમિત્તે થતી “દહીં-હાંડી” ઉપર પ્રતિબંધ મુકવાનો અથવા તેને મર્યાદિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. “દહીં-હાંડી” કેવી રીતે કરવી તેના ઉપર ભારતની સર્વોચ્ચ અદાલતે નિયમો ઘડ્યા. તેની પાછળ તર્ક લગાવ્યો છે કે દહીં-હાંડીના કારણે સૌથી નીચે રહેલ તથા સૌથી ઉપર રહેલ વ્યક્તિઓને ઈજા થાય છે. દહીંહાંડીમાં જે માનવ પિરામીડની રચના થાય છે તે માત્ર ૨૦ ફૂટની હોવી જોઈએ તેવું ભારતની સર્વોચ્ચ અદાલતે કહ્યું. સર્વોચ્ચ અદાલતે દહીંહાંડીને “ભયજનક અભિનય” ગણાવ્યો…!!! હજારો વર્ષોથી ચાલતી આવતી “દહીંહાંડી”ની પરંપરાને અટકાવવામાં આવી. તેની સામે સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ થયો. ભવિષ્યમાં “મરાઠી અસ્મિતા”નો પ્રશ્ન ઉદ્ભવે તો કોઈ નવાઈ નહિ. જો દહીંહાંડી અંગે હકારાત્મક રીતે વિચારવામાં નહિ આવે તો આવતી જન્માષ્ટમીએ છેલ્લા ત્રણ દિવસથી જે તામિલનાડુમાં જોવા મળ્યું તે મહારાષ્ટ્રમાં જોવા મળે તો કોઈ નવાઈ પામશો નહિ. 
તેવી જ રીતે ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતનો એક મુખ્ય તહેવાર ધૂળેટીમાં પુષ્કળ પાણીનો ઉપયોગ થાય છે તેવું દર્શાવી પાણીના કુદરતી સ્રોતને નુકશાન ન પહોંચાડવા માટે “સુકી હોળી” રમવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં ઉજવાતો પતંગોત્સવ પણ હવે આ ષડ્યંત્રકારીઓના હાથમાં આવ્યો છે. પતંગની કાચ પાયેલી દોરીથી પક્ષીઓ મરી જાય છે અને તેને કારણે કેટલાંક વ્યક્તિઓ મોતને ભેટે છે તેમ કહીને ગુજરાત હાઈકોર્ટમાં આ વર્ષે કેસ કરવામાં આવ્યો હતો. ગુજરાતની હજારો વર્ષની પરંપરા “ગરબા”ને નવરાત્રી દરમિયાન કેટલાયે પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. રાત્રે દસ પછી માઈક વાગે તો અવાજનું પ્રદુષણ થાય છે અને દર્દીઓ તથા વિદ્યાર્થીઓને ખલેલ પડે છે. મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણી નિમિત્તે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તથા પાણીના સ્રોતોને ટકાવી રાખવા માટે ગણેશોત્સવ કેવી રીતે ઉજવવો તેના નિયમો બનાવવામાં આવ્યા છે. 
આવી સાંસ્કૃતિક અને પ્રાદેશિક પરંપરાઓને પ્રતિબંધિત કરવા પાછળ શું કારણ છે તે અંગે સંશોધન કરતા ખુબ જ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આવો…વિગતે ચકાસીએ.
શરૂઆત બળદો અને આખલાઓની રમતોથી કરીએ. ભારતમાં હજારો વર્ષોથી બળદનો ઉપયોગ ખેતીકામ માટે થાય છે અને હજુ પણ કેટલાયે વિસ્તારોમાં થઇ રહ્યો છે. ટ્રેક્ટર દરેક જગ્યાએ પહોંચ્યા નથી. આથી બળદ તો ઉપયોગમાં આવે જ છે. બળદ સાચવવા પણ સહેલા છે. પરંતુ આખલાને સાચવવા ખુબ જ અઘરા છે. હજારો વર્ષોથી આખલા સાથે રમતો રમાય છે અને તેના દાખલા વૈદિક સમયમાં તથા મહાભારતના સમયમાં પણ જોવા મળે છે. ભારતમાં ગાય માતા તરીકે પૂજાય છે અને ગાયનું એક આગવું વિશિષ્ટ સ્થાન છે. જો ગાયને ટકાવવી હોય તો આખલા જરૂરી છે. આખલાને લોકો ખવડાવી-પીવડાવીને મજબુત રાખે તો જ આખલો ઉચ્ચ કોટિનું વીર્યદાન કરીને ગાયના વંશને જાળવી શકે. આખલાનું આમ તો કોઈ અન્ય કામ ન હોવાથી આખલાને લોકો તાજોમાજો રાખે એટલા માટે જ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અને સાંસ્કૃતિક વિરાસતમાં આખલાઓની રમતો સામેલ થયેલ છે. તે બહાને લોકો આખલાને જાળવી રાખે. 

એક ઉદાહરણ હું તમને જણાવી રહ્યો છું તેને વાંચીને તમે સૌ ચોંકી જશો. ગુજરાત સરકારે ગુજરાતની પોતાની શાન ગણાતી ગીરની ગાયને બચાવવા માટે ગુજરાત અને પંજાબ સરકારે બ્રાઝિલથી ૧૦,૦૦૦ ડોઝ ગીર ગાયના આખલાની વીર્ય મંગાવવાનું ગયા વર્ષે (ફેબ્રુઆરી ૨૦૧૬) નક્કી કરેલ છે. બ્રાઝિલને ભાવનગરના મહારાજાએ ગીર ગાય અને આખલાઓ આઝાદી પહેલા ગીફ્ટ આપ્યા હતા તેના કારણે બ્રાઝિલ પાસે આપણી ગીર પ્રજાતિની ગાયોના સર્વશ્રેષ્ઠ આખલાઓ છે. આ આખલાઓને આપણે બચાવી ન શક્યા. આપણા માટે આ શરમજનક કહેવાય કે આપણી પોતાની ગાયની પ્રજાતિને બચાવવા માટે આપણે બ્રાઝિલ પાસે ભિખારીની જેમ હાથ લંબાવવો પડે. (સત્યતા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફેબ્રુઆરી ૧૬, ૨૦૧૬ જુઓ). આવું જ કેરળની મૂળ પ્રજાતિ ગણાતી વેચુર ગાયમાં થયું છે. આખલા ન હોવાના કારણે વેચુર ગાયનું જર્સી અને સ્વીસ સાથે ક્રોસ બ્રીડીંગ કરાવવામાં આવતા કેરળની મૂળ પ્રજાતિ ગણાતી વેચુર ગાય લુપ્ત થવાના આરે છે. તેવી જ રીતે દેવની પ્રજાતિની મહારાષ્ટ્ર અને કર્ણાટકની ગાયો પણ આખલાના અભાવે લુપ્ત થવા પર છે. આવા ઘણા ઉદાહરણો હું આપી શકું છું. પરંતુ આટલા ઉદાહરણો પૂરતા છે. 
હવે ષડ્યંત્ર ક્યાં છે તે જોઈએ. જો આખલા જ ન રહે તો ભારતની મૂળ દેશી ગાયો જ નષ્ટ થઇ જાય. તે અંગેનું આ આયોજનબદ્ધ ષડ્યંત્ર છે. ગુજરાતની ગીર તથા કાંકરેજી ગાય, રાજસ્થાનની રતિ, મધ્યપ્રદેશની નીમારી, ઉત્તરપ્રદેશની પુનવાર, કેરળની વેચુર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની દેવની જેવી ગાયો ભારતની સર્વશ્રેષ્ઠ વીસ પ્રજાતિની ગાયો છે. આ ગાયો “એ-૨” પ્રકારનું સર્વશ્રેષ્ઠ દૂધ આપે છે. ગાયોની આ પ્રજાતિઓને જાળવવા માટે આખલા જાળવવા જરૂરી છે. આ વીસ પ્રજાતિઓમાંથી કેટલીક પ્રજાતિઓ લગભગ લુપ્ત થવાના આરે છે તેનું કારણ આખલા છે. આપણે ત્યાં આખલાઓની રમત હજારો વર્ષો પહેલા આના  કારણે જ શરુ થઇ હતી. લોકો આખલાને ખાલી ખાલી તો પોષણ આપે નહિ. રમતો હોય તો આખલાને તેમાં મોકલવા માટે તાજોમાજો રાખવો પડે. તાજોમાજો આખલો ગાયને ઉત્કૃષ્ટ વીર્ય આપીને ભારતીય પ્રજાતિની ગાયોની શ્રેષ્ઠતા જાળવી રાખે. 
હવે ભારતમાં જર્સી ગાયો વસાવવાનું વધી રહ્યું છે. વળી જર્સી ગાય દૂધ ખુબ વધારે આપે છે. પરંતુ જર્સી ગાયનું દૂધ “એ-૧” પ્રકારનું હોય છે જે ભારતની સર્વશ્રેષ્ઠ વીસ પ્રજાતિ ગાયોના “એ-૨” દૂધ કરતા ખરાબ છે. આવું લેબોરેટરીમાં ચકાસણી અને પુરાવાઓના આધારે વિજ્ઞાન કહે છે. ડૉ. કિથ વુડફોર્ડ તેમના પુસ્તક ‘Devil in the Milk: Illness, Health and the Politics of A1 and A2 Milk’માં આ વિષે વિગતે જણાવે છે. તેઓ લખે છે “A1 and A2 beta-casein are basically two types of proteins found in different milk varieties. BCM-7 is an opioid peptide that is released during the digestion of the protein found in A1 milk. Since it is not absorbed well by the human body, it may trigger adverse health effects”.
હવે તમને ખબર પડી કે શાથી આખલાઓની રમતો ઉપર પ્રતિબંધ આવી રહ્યા છે? જો આખલા જ ન રહે તો ભારતની સર્વશ્રેષ્ઠ વીસ પ્રજાતિની ગાયો સંપૂર્ણપણે નષ્ટ થઇ જાય. અને જો તેમ થાય તો જર્સી ગાયથી જ ચલાવવું પડે. જર્સી ગાયના બ્રીડીંગ માટે આપણે અમેરિકા અને યુરોપની કંપનીઓ ઉપર આધાર રાખવો પડે. જર્સી ગાયોના બ્રીડીંગ માટે વીર્ય વિદેશથી મંગાવવું પડે. વીર્ય માટે જેટલા પૈસા માગે તેટલા આપવા પડે. કિંમતી વિદેશી હુંડીયામણ વપરાતું થઇ જાય. હવે તમને આ આયોજનબદ્ધ ષડ્યંત્રની સમજ પડી ને?
જલ્લીકટ્ટુ અને આખલાઓની રમત ઉપર પ્રતિબંધ મુકવામાં અગ્રણી ભાગ ભજવનાર PETA એટલે કે People for Ethical Treatment of Animals નામની સંસ્થા દુનિયાભરમાં બદનામ થયેલ છે. અનેક વિવાદમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરફથી વર્ષે લગભગ ૩૦૦ કરોડ રૂપિયા મળે છે. આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ્ય માનવજાત દ્વારા કરવામાં આવી રહેલા પ્રાણીઓના તમામ પ્રકારના ઉપયોગનો વિરોધ છે. પરંતુ આ જ સંસ્થા ક્રુરતા વગર પ્રાણીઓની કતલ કરવામાં આવે તો તેનો તે વિરોધ કરતી નથી. આમ તેના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. હવે આ સંસ્થાએ ભારતમાં ચામડાની બનાવટો બનાવવા ઉપર વિરોધ શરુ કર્યો છે. ભારતમાં હજારો વર્ષોથી ચામડાના ઉદ્યોગ દ્વારા લાખો લોકો રોજગારી મેળવે છે. હાલમાં ભારત આશરે ૭,૦૦૦ કરોડ રૂપિયાના ચામડાની નિકાસ કરે છે. આ સંસ્થાનું કહેવું છે કે ભારતમાં પ્રાણીઓ ઉપર ક્રુરતા આચરીને કતલ કરવામાં આવે છે માટે ભારતનું ચામડું ખરીદવું નહિ. હકીકતમાં આ સંસ્થા કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓનો હાથો બનેલી છે. આ સંસ્થાના કાર્યકરો આતંક્વાદની કક્ષાએ પહોંચી ચુક્યા છે. અમેરિકાની એફબીઆઈ દ્વારા આ સંસ્થા દ્વારા ચલાવતા કેટલાંક જૂથોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકામાં લેબોરેટરીમાં પ્રાણીઓ ઉપર પ્રયોગ કરતી પ્રયોગશાળાને બળી નાખવામાં આવી ત્યારે તેને સળગાવી નાખનારને આ સંસ્થા દ્વારા ૭૦,૦૦૦ ડોલરની મદદ કરવામાં આવી હતી. 
ભારત સરકાર જો હજી નહિ ચેતે અને જો ભારતની હજારો વર્ષોથી ચાલી આવતી આવી કેટલીય સાંસ્કૃતિક વિરાસત અને પ્રાદેશિક પરંપરાને છિન્નભિન્ન કરવાના પ્રયાસ સામે આકરા પગલા નહિ લે અને ન્યાયતંત્રને કાબુમાં નહિ રાખી શકે  તો ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક અસ્મિતા અને પ્રાદેશિક ઓળખ તથા સાંસ્કૃતિક ઓળખના મુદ્દે અંધાધુંધી ફેલાઈ શકે છે. ભારત સરકારે સાવધ રહેવાનો સમય હવે પાકી ગયો છે. 
આફતને હંમેશા અવસરમાં પલટી નાખવામાં માહેર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ અંગે કોઈ પગલા લેશે એ અપેક્ષા અસ્થાને નહિ લેખાય.

© જયેશ શાહ

3 thoughts on “ભારત સરકાર.. સાવધાન….!!!

 1. “ભારત સરકાર જો હજી નહિ ચેતે અને જો ભારતની હજારો વર્ષોથી ચાલી આવતી આવી કેટલીય સાંસ્કૃતિક વિરાસત અને પ્રાદેશિક પરંપરાને છિન્નભિન્ન કરવાના પ્રયાસ સામે આકરા પગલા નહિ લે અને ન્યાયતંત્રને કાબુમાં નહિ રાખી શકે  તો ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક અસ્મિતા અને પ્રાદેશિક ઓળખ તથા સાંસ્કૃતિક ઓળખના મુદ્દે અંધાધુંધી ફેલાઈ શકે છે. ભારત સરકારે સાવધ રહેવાનો સમય હવે પાકી ગયો છે. ”
  બહુ સાચી વાત છે.આ અંગે “કુરુક્ક્ષેત્ર”બ્લોગ પરની પોષ્ટ જરૂર સમજવા જેવી છે.

  Liked by 1 person

 2. જયેશભાઈની વાત સંપુર્ણ સાચી હશે. પણ ગીર ગાયો અંગે ગુજરાતમાં થતું કાર્ય તેમણે ધ્યાનમાં નથી લીધું. અત્યારે ઘણી ગૌશાળા આ દિશામાં કાર્યરત છે. સરકારી ભ્રષ્ટાચારને પહોંચી શકાતું નથી, ન્યાયતંત્રે ત્યાં ધ્યાન દેવું જરુરી છે. વર્ષો પહેલા ગોબર ઇમ્પોર્ટ કરવાના સમાચાર વાંચ્યા હતા. ડૉ. કુરીયનની વાત કોઈ છેડતું નથી તેમણે દુધની ક્વોલીટીનો આધાર ‘ફેટ’ બનાવી ગૌપાલન બંધ કરાવ્યું તેમાં કોઈને ષડયંત્ર દેખાતું નથી ?
  ગરબાની વાત કરીએ તો ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત શેરી ગરબાની હશે. આજના ગરબામાં ક્યાં આ મર્યાદાઓ જળવાય છે ? અત્યારના ગરબા (?)માં જે સાઊન્ડ સીસ્ટમો વપરાય છે તે સો ટકા માણસોને નુકસાન કર્તા છે જ.
  કોઈપણ વિષયની વિચારણા લખતી વખતે સમગ્ર પરિસ્થિતીને વિચારણામાં લેવી જોઈએ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s