Archives

વિચારસરણી

મુંબઈમાં રહેતા એક ગુજરાતી કુટુંબનો કિસ્સો શૅર કરું છું…. સત્યઘટના છે.

દિકરાએ લવ મૅરેજ કર્યું.
બંને સાથે એક જ ઑફિસમાં નોકરી કરતાં હતાં.
છોકરીએ લગ્ન પહેલાં જ કહી દીધું હતું કે, તે સાવ સાધારણ કુટુંબની છે. લગ્ન પછી પણ એ પોતાનો પગાર માબાપને આપશે. (એના પપ્પાને કોઈ મોટી બિમારી હોય નોકરી છોડી દેવી પડી. દિકરીના પગાર પર ઘર ચાલે.)
છોકરાએ હા પાડી પણ આ વાત પોતાના કુટુંબથી છૂપાવી.

વહુનો પગાર ઘરમાં જમા ન થતાં સમાજની વહુને મેણાંટોણા મારવાની રૂઢિગત આદત તો છે જ… બસ ચાલુ…

દિકરો ચુપ જ રહ્યો… હજુ પણ આ બાબતે ચુપ જ છે.
બે વર્ષ પછી સંયુક્ત કુટુંબ વિખેરાઈ ગયું.

અમે બંને પક્ષે કુટુંબીજનોને ઓળખતા હોય જાણ થતાં દિકરાના માબાપને સમજાવી, સાચી હકીકત જણાવી.

આર્થિક જરૂરિયાત હોવા છતાં, વહુની ભાવના નેક હોવા છતાં પણ દિકરાના માબાપને સમજાવતાં ૪ વર્ષ લાગ્યા.

આ દરમિયાન બિમારીને કારણે વહુના માબાપનું અવસાન થયું ને વહુનો પગાર આપોઆપ ઘરમાં જમા થવા લાગ્યો એવી જાણ થઈ એટલે વડિલોએ ફરી દિકરાને વહુ અને પૌત્ર સાથે ઘરે તેડાવી લીધા.

હવે સંયુક્ત કુટુંબ છે. વહુ સાસુ સસરાનું ધ્યાન રાખે છે. પણ દિલથી નહીં..

વાંક કોનો?
કોને બદલાવાની જરૂર છે?!

માત્ર ને માત્ર..
આપણી રૂઢિચુસ્ત માન્યતા..
આપણી રૂઢિગત વિચારધારા..

વહુ બનતા પહેલાં એ સ્ત્રી છે.. એક કુટુંબની દિકરી છે..

એ પોતાનું બધું જ છોડી તમારા ઘરમાં આવે ત્યારે તમે તમારી માન્યતાઓ.. વિચારસરણી થોડી ઉદાર કરશો તો.. આપોઆપ દરેક સમસ્યાઓના ઉકેલ આવી જશે.
જે પોતાનું બધું જ છોડીને તમારા કુટુંબમાં આવી તેના પ્રત્યે તમે પોતે તો પોતાનો એક રૂઢિગત વિચાર પણ છોડી શકતા નથી.

શાંત મનથી વિચારજો…
સંયુક્ત કુટુંબ પ્રથા આપણી રૂઢિચુસ્ત વિચારસરણીને લીધે જ લુપ્ત થઈ રહી છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

©આરતી પરીખ ૧૦.૩.૨૦૧૯

સ્મરણે સંબંધની મીઠાશ

એક સમય હતો કે,

આપણે યુવાનીમાં ડગ સાથે સાથે જ માંડેલા…

 

ને હવે,

 

દુનિયાના સાવ અલગ ખૂણે આપણે જીવી રહ્યાં છીએ.

કદાચ તું ક્યારેક વિચારતો પણ હોઈશ કે,
હું તને ભૂલી ગઈ છું.

વેકેશનમાં ગામમાં આવે તોય મળ્યાં વગર જ જતી રહું છું.

 

તને કેમ કરી સમજાવું કે………..

 

સ્મરણોમાં..શ્વાસોમાં

હજીય તું,
સપરિવાર અચાનક ધબકી જાય છે…

ડગમગતી જિંદગીને ધબકાવી ધક્કો મારતો જાય છે….

 

વનપ્રસ્થાને પહોંચું પહોંચું ત્યાં મારો દિપક
અચાનક ઘડપણ આવી ગ્યું હોય એવું અનુભવ્યું.

પણ,

તારી યાદોએ.. વાતોએ..

યુવાનીને પંપાળીને દિલના એક ખૂણે જીવંત રાખી છે.


ઉંમર છોને વધી પણ,

હુંય અમેરિકામાં રહી;

અમેરિકનોની જેમ જ મોટી ઉંમરે પણ કામ કરી રહી છું.

થાકીને લોથપોથ સાંજે ઘરે આવું..

ત્યારે,

ઘણીવાર..

માંનો અવાજ પડઘાય છે…

બેટા, આવી જ છો તો જમીને કોલેજ જજે… રસોઈ તૈયાર જ છે….

હોસ્ટેલની કેન્ટીનમાં તારી માંના હાથનો સ્વાદ નહિ મળે…

હું સમીરની માં છું તો, તારી માં સમી_માસી માનજે…”

 

સમયના વહાણે વહેતાં…

માં નો ચહેરો ધૂંધળો થઇ ગયો છે.

પણ, માયા હજી છૂટી નથી.

અન્ન તો,

હું જાતે રાંધીશ ત્યારે મળશે.

પણ,

ઓડકાર તો માં ની યાદ માત્રથી જ આવી જાય છે!!

 

ભારત છૂટ્યુંબાળપણ વીત્યું…

પણ,

બરાડા પાડીને બોલવાની આદત હજીય છૂટી નથી.


ક્યારેક ઘરમાં મોટેથી બોલી જવાય તો,

અલ્યાવ, ભરબપોરે તો ઘાંટા બંધ કરો… ઘરમાં બધાં સુતા છે….

 

તારી…ના ના

આપણી વ્હાલી દીદીનો અવાજ

આજેય યાદોમાં પડઘાય…..

ને ટોકી જાય છે.

 

મને હજીય યાદ છે..


આપણે કોલેજમાંથી ૧-૨ પીરીયડ બંગ કરીને,

ભર બપ્પોરે

તારા ઘરના ઓટલે

લીમડાની છાંવમાં મંડળી જમાવતાં.

એમાંય…

ઓટલાની બંને બાજુની થાંભલીઓ મારી પ્રિય..

એક્ટીવાને તું બ્રેક મારે,

એ પહેલાં જ….

ચાલુ ગાડીએ કૂદકો મારી,

હરણફાળે

મારું એ થાંભલીને આલિંગવું…

 

જો,

સંજુડો

હાસ્તો..તારો મોટો ભાઈ..વડીલબંધુ..સંજય

ઘરમાં હાજર હોય તો…

 

जानेमन एक नज़र इधर भी……

હાઈઈ…ક્યારેક આ બાજુય નજર કરો.. અમેય ઉભા છીએ…

એ થાંભલી તને ક્યારેય બાથમાં નઈ લે…

ને

હું……


કહેતો….

એ આંખો આંખોમાં કેટકેટલુંય કહી જતો…

અગન લગાવી જતો….

 

ને,

આ કમબખ્ત દિલ બોલી ઉઠતું..

વારી જાઉં…..

હાં,

જીંદગીમાં કોઈ છેલછબીલાની છેડતી ગમતીલી હતી,

તો,

એ માત્ર ને માત્ર તારા વડીલબંધુ સંજયની જ !!

 

મારાં પપ્પાને તો મેં દીવાલે ટીંગાતી ફોટોફ્રેમમાં જ જોયાં છે.

પણ,

તારા લીવીંગરૂમમાં

કાર્પેટ પર પગ લંબાવી…

સોફાની ગાદી પર માથું ટેકવી,  

પાછલા દરવાજામાંથી

ધૂળ ખાતી તમારી ખટારા ફિયાટને એકીટશે જોતી,

ઝોલે ચડું…

 

ત્યારે,

તારા પપ્પાનો પ્રેમાળ હાથ અચૂક મારાં માથે ફર્યો જ છે.

 

બેટા, તું એ ગાંડિયાની રાહ જોતી બેઠી છો,

ને

એ તો કોઈ છોરીને એક્ટીવા પર ફેરવતો હશે…

 

પપ્પા પણ જાણતાં કે,
બંને દીકરાઓ કોલેજમાંરોમિયોતરીકે પંકાયેલા છે.

છતાંય,

ઘરમાં
આખા પરીવાર સાથે
બેરોકટોકપણે

સખી-સાહેલીઓની

પ્રેમાળ અવરજવરથી જ

દીકરાઓ પર અતૂટ વિશ્વાસ..

એ પપ્પાની આંખોમાં..અવાજમાં ઉભરી આવતું.

એક દિભરબપોરે લેક્ચર બંગ કરી તને મળવા આવીતી.

તું તો ન મળ્યો પણ…

 

સંજય..

હાં,

થાંભલે માથું ટેકવી ઓટલે બેઠી હતી

ને,

સંજુએ અચાનક મારો હાથ પકડી લીધો.

બળબળતી બપોરે..

લીમડાની છાંવમાં..

એનાં ગરમાંગરમ શ્વાસ મારાં ગાલે અથડાવા લાગ્યાં.

 

સાવ સાચ્ચું કહું ?!!

એ પળે લાગ્યું કે,

જવાનીએ મને ચુંમી લીધી છે!!

હું ખરેખર જવાન થઇ ગઈ છું!!

મારી હસ્તરેખાઓ પર એનાં ટેરવાં ફરતાં રહ્યાં….

પળ બેપળમાં,

એકીટશે,

આંખો આંખોમાં જ…

કેટકેટલીય વાતો થઇ ગઈ….

અચાનક ખિસ્સામાંથી બોલપેન કાઢી,

સંજુએ

મારી હથેળીમાં લખ્યું,

Mrs Jyoti Sanjay Ambani

 

ચલ હટ…સપનાં જો સપનાં….

 

હાથમાંથી હાથ ખેંચી,

વાસ્તવિક ધરતી પર પગ મૂકતી હોઉં એમ,

ઓટલેથી નીચે ઊતરી સડસડાટ હોસ્ટેલ ભણી રવાના થઇ….

આ અવિસ્મરણીય પ્રસંગ પછી,
ક્યારેય સંજુને મળી જ નથી.
_
એ પણ જીવનમાં એટલી જ મહત્વની વાત છે.

 

પરંતુ,

આજેય

જયારે જયારે

મીસીસ અંબાણીતરીકે મારો પરિચય આપું છું,

ત્યારે

વડીલબંધુ (તારો..મારો નહિ જ) અચૂક દિલમાં ચમકારો આપી જાય છે…….

 

जानेमन एक नज़र इधर भी……”

 

ને,

ફરી બુઢાપો ૫-૭ વર્ષ પાછળ ઠેલાય જાય છે.

મારી યાદોમાં…

વાતોમાં…

તને સપરિવાર મળતી જ રહી છું ને જીવનપર્યત મળતી રહીશ….

અને

હાં,

અહીં અચૂક કહેવું રહ્યું કે,

 

વર્ષોથી સ્મરણે સેવેલાં,
મીઠાં સંબંધોમાં ખારાશ ભળે,
ને
આ દ્રશ્યો બદલાય,
એ મને સ્હેજેય નહિ પરવડે.

હવે
સમીર,
તું જ કે

આપણું રૂબરૂ મળવું જરૂરી છે?!

~આરતી બિમલ પરીખ

વાંઝણા વિચાર

સંતોક એક ખૂબ જ લાગણીશીલ સ્ત્રી. પ્રેમાળ આંખો, ભાવ ભીનો અવાજ, શ્યામવર્ણ નમણો ચહેરો. પહેલી જ નજરે કઠોરમાં કઠોર પુરૂષના મનમાં પણ પ્રેમના અંકુર ફૂંટે એવી સ્ત્રી. જે કોઈ એને નજીકથી જાણતું થયું, એ દરેક વ્યક્તિની એ પ્રિય પાત્ર બની ગઈ છે. પરંતુ, એનાં ઘરમાં ?  સાસરી અને પિયર, બન્ને પક્ષે સંતોકને “વાંઝણી” કહી હંમેશા તુચ્છકારી જ છે. તેમ છતાં, સદા હસતો-રમતો ચહેરો !

દર વર્ષે ઉનાળુ વેકેશનમાં તો ભારતમાં જ રહેવું પસંદ કરીએ. વેકેશનમાં વડોદરા આવીએ ત્યારે, સંતોક અને હું ખાસ્સો સમય સાથે ગાળીએ. સ્વભાવે મજાની મળતાવડી અને હોંશીલી પણ એટલી જ. એટલે જ તો, અમને બંનેને સારું ફાવી ગયેલું. હું અને સંતોક એક જ સોસાયટીમાં રહેતાં હોવાથી, સમાજમાં થતી ગણગણથી હું સંતોક વિષે ઘણું ખરું જાણતી. પણ, પંચાતથી દૂર રહેવાની ટેવને લીધે કદી એ ગણગણાટમાં ઊંડી ઊતરી ન હતી.

ગઈકાલે મોડીરાતે અચાનક દાદીમાની તબિયત બગડી. આ સમયે દાદીમાને હોસ્પિટલ લઇ જવામાં સંતોક અને એમના પતિ મોહનભાઈ સૌથી પહેલાં મદદે આવી પહોંચ્યાં. આખી રાત હોસ્પિટલમાં સાથે રહેતાં, બંનેને નજીકથી જાણવા-સમજવાનો મોકો મળ્યો. મોહનભાઈ સંતોકથી ૧૮ વર્ષ મોટા_કંઇક વિચિત્ર લાગ્યું. મોહનભાઈ કોઈક “નીચલી જાતિ”ની વ્યક્તિ અને એમના સમાજમાં એક માત્ર ઉચ્ચ-શિક્ષણ લઇ શહેરમાં આવી વસનાર વ્યક્તિ. “નીચલી જાતિ” ખૂંચ્યું ને ?! હા, મને’ય કદીક ખૂબ ખુંચેલું. એથી જ તો મેં અહીં જાણી જોઈને લખ્યું. આજની તારીખે’ય સામાજિક ઊંચ-નીંચના વાડા થોડાઘણાં અંશે નડે છે. એટલે જ મેં સંતોક સાથે ઓળખાણ થઇ એ સમયે કુતુહલ દબાવીને ચુપ રહેવું પસંદ કરેલું.

હશે…હવે, મારે શું?!”  એવાં ઉદગાર મનોમન નીકળ્યાં હતાં એ આજે પણ યાદ છે.

પણ, કુતુહલને કેટલાં વર્ષો દબાવી શકો ?! આજે મોકો મળી જ ગયો. આ પંચાતિયો સ્વભાવ નથી પણ માનવસહજ છે. વેકેશન દરમિયાનની મારી સૌથી નજીકની મિત્ર એટલે સંતોક. કદી એકબીજાની અંગત વાતોમાં દખલ કરી નથી. પણ, આજે એકદમ નજીકથી જોયું કે, મોહનભાઈ સંતોકને નાની બાળકીની જેમ જ…….. એ બંને વચ્ચે પતિ-પત્નીના સંબંધને બદલે કંઇક વિચિત્ર જ અનુભવ્યું. એક તરફ દાદીમાની લથડતી તબિયતને લીધે ચિંતા અને બીજી બાજુ, બાજુમાં જ બેઠેલાં આ યુગલના વિચિત્ર સંબંધનું કૌતુક.

આજે મારી આંખો..મન..આ જોડીને પતિ-પત્ની માનવા તૈયાર જ નથી. પણ, હકીકત તો એ જ છે. કદાચ, સંતોક મારી આંખોનું કુતુહલ વાંચી ગઈ હશે. થોડી થોડી વારે અનુભવ્યું કે, સંતોક મારી સાથે વાત કરવાની કોઈ તક છોડતી નથી. પણ, સ્હેજ કૈક વાત કરીએ ને કોઈ ને કોઈ કારણોસર વાત અધૂરી અટકી પડે.

સંતોકને ઘણી વખત ગણગણતી જોઈ છે પણ કદી ખાસ ધ્યાન આપ્યું ન હતું કે એ શું ગણગણતી હોય છે. આજે તો કુતુહલ હદ પાર કરી ગયું’તું એટલે કાન માંડી સંભાળવાની કોશિષ કરેલી.

“કોઈ દેશી હમારા હોય…….તો દલની કહીએ………..જો આવો હમારે સાથ…નિજ ભોવન જઈએ…”

 

“ઓહ્હ….આ તો ગણપતરામનું પદ..” મનોમન હું મારી જ સાથે વાતોએ ચડી.હું આજ સુધી એની નજીક હોવા છતાં એની મૈત્રીઆશને સમજી ન શકી…ગણગણાટ માનીને અલિપ્ત કેમ રહી ?!”

વહેલી સવારે દાદીમાની તબિયત થોડી સ્થિર થતાં, કેન્ટીનમાં બેસી ચાની ચુસકી સાથે અમે નિરાંતનો શ્વાસ લીધો. મોહનભાઈ ચા-નાસ્તો કરી ઘરે જવા નીકળ્યાં. પણ, સંતોક મારી પડખે જ..આમે’ય એને ક્યાં બાળકોની ચિંતા છે !!

અચાનક લાગ મળતાં, સંતોક મારો હાથ પકડી મને એક ખૂણામાં લઇ ગઈ. એને’ય કશુંક કહી મન હળવું કરવાની ઊતાવળ હોય એવું લાગ્યું.

દીદી………. બહુ આશ્ચર્ય થાય છે ને ?!  મને ને મોહનને જોઈને ?!……

હું કશું વિચારું, જવાબ આપું એ પહેલાં તો સંતોકની આપવીતી ચાલુ થઇ ગઈ.

“દીદી, આજ સુધી ચુપ રહી બધું જ સાંભળતી આવી છું. તમને મળીને એવું લાગ્યું કે, તમે અમને બંનેને સમજી શકશો એટલે જ મોં ખોલી રહી છું. લગ્નને ૧૫ વર્ષ થશે. દીદી, તમે તો જાણો જ છો કે, અમારી પાછળ આપણી સોસાયટીના લોકો.. અરે આ સમાજ પણ અમને “નીચલી જાત”ના જ સાલ્લા… કહે છે. અમને બંનેને હકીકતથી અજાણ રાખી વડીલોએ અમારાં લગ્ન કરાવ્યાં. મને લગ્ન સમયે સહેજેય જાણ ન હતી કે, મોહન વિધુર છે અને મારાથી ઘણાં મોટા પણ છે. મોહન પણ અજાણ જ હતાં કે હું એમનાથી ૧૮ વર્ષ નાની છું. લગ્ન સમયે મારી ઉંમર ૧૬ ને એ ૩૪ના. શરૂશરૂમાં મોહન કદી મને એની પત્ની તરીકે સ્વીકારી શક્યાં જ નહિ. એક તો એ એમની પહેલી પત્નીને ખૂબ જ ચાહતા હતાં ને બીજું ખાસ કારણ એ પણ હતું કે, હું ઉંમરમાં એમનાથી ઘણી નાની……મારી ઉંમર કરતાં અમારી ઉંમરનો તફાવત મોટો…” (એક તુચ્છ હાસ્ય એનાં ચહેરે ઉપસી આવ્યું.)

હું ઘણાં વર્ષોથી સંતોકને ઓળખું છું. પણ એની ભાષા-શુદ્ધિ, એનું ભાષા પરનું પ્રભુત્વ તો આજે જ  જાણ્યું. એ તો દિલની વાત વહાવી રહી,

“એમનું ઉચ્ચ-શિક્ષણ અને એનાથી પણ ઉત્તમ એમના વિચારો…લગ્નના થોડાં વર્ષો સુધી તો, એમના માટે હું નાની બાળકી જ હતી…..મને ખૂબ પ્રેમ કરે…મારી નાની નાની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે. મારી સારી સંભાળ રાખે. હંમેશા મને ખુશહાલ રાખવા પ્રયત્ન કરે. પણ, દીદી….

 

એ પ્રેમમાં પતિનહિ પણ એક વડીલ-મિત્રની લાગણી. “

આસપાસ અરીસો હોત તો, આજે સતત બદલાતાં મારા ચહેરાના ભાવ ઝીલવામાં એ પણ હાંફવા લાગ્યો હોત. સંતોક તો બોલ્યે જાય છે,

“એ સમયે તો, આખી દુનિયા માટે અમે પતિ-પત્ની હતાં પરંતુ, અમારાં અંગત સંબંધ મિત્રતા ભર્યા જ રહ્યાં. ૨ વર્ષ પછી અમે ગામડેથી આ શહેરમાં આવ્યાં. અહીં આવીને સૌથી પહેલાં તો, એમણે મારું ભણતર ફરી ચાલુ કરાવ્યું. જોતજોતામાં હું, ગામડાની ગમાર મટી શહેરની ડબલ ગ્રેજ્યુએટ સન્નારી બની ગઈ. અહીના સમાજમાં કેમ વર્તવું એ હું એમની પાસેથી જ શીખી છું. મારા વડીલ કહો, શિક્ષક કહો, મિત્ર કહો કે પછી પતિદેવ કહો..મારું સર્વસ્વ મોહન જ છે. આજે મારી ગણતરી સમાજની પ્રતિષ્ઠિત સમાજસેવિકામાં થાય છે તો એનાં ખરા હક્કદાર મોહન જ છે. એમણે જ મને સ્ત્રી ઉદ્ધાર, બાળવિવાહ અને બાળમજુરી વિરુદ્ધ સંસ્થાઓમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું છે.

લગ્ન પછીના ૮ વર્ષ તો આમ જ પસાર થઇ ગયાં. અને અમારાં સમાજના લોકોએ મને ‘વાંઝણી’ કહેવાનું ચાલુ કરી દીધું. ગામડે જઈએ ત્યારે મોહનને બીજા લગ્ન કરવા સમજાવવા લાગ્યાં. આ સમયે મારાથી વધુ દુઃખ મોહનને થતું હતું.

હા દીદી, જીવનમાં એ દિવસો પણ આવ્યાં કે જ્યારે અમારાં વચ્ચે શારીરિક સંબંધની શરૂઆત થઇ. પરંતુ, અમારું લગ્ન-જીવન એકદમ નિર્મળ પ્રેમથી શરૂ થયેલું. એટલે આ નવા સંબંધથી અમારું બંધન અતૂટ બની ગયું. હવે સમાજના મેણાં-ટોણાથી અલગ થઈએ એવાં અશક્ત અમે ન હતાં. મોહનની ઢળતી ઉંમરનો વિચાર કરતાં બાળક માટે વિચારવું એ એક ગાંડપણ જેવું લાગ્યું.

સમાજમાં સમજદાર કેટલાં ?! એટલે જ, ચુપ રહેવામાં જ સમજદારી” વિચારી અમે બન્ને મૂંગે મોઢે મેણાં સહન કરીએ છીએ.

મારા સગાં માં-બાપે મને ધોકો આપ્યો. એ સમયે તો હું કમોતે મરી હોઉં એવું અનુભવેલું. પણ, મોહનના પ્રેમાળ સ્વભાવે મને ખુશહાલ જીવંત રાખી છે. લગ્ન થકી સમાજની દ્રષ્ટિએ હું પરિણીતા બની. પણ મારી દ્રષ્ટિએ, મારો પુનર્જન્મ થયો…

“મોહનની રાધા કહો..મીરાં કહો… કે રુકમણી કહો...

દીદી, મોહનની રાધા-મીરાં-રૂકમણીને ‘વાંઝણી’ કહેનારના “વાંઝણા વિચાર” પર મને તરસ આવે છે.”

હું અપલક….. અવાચક…… સંતોકને સાંભળી રહી.

……………………………………………………………………………..  _આરતી પરીખ (૧૫.૩.૨૦૧૩)

(ખોબર, સાઉદી અરેબિયા)

“મારી સંવેદના ને સાચા અર્થે સમજનાર ને”…

બકુલ મહેતા ની વસિયત નો  વારસદાર કોણ..? ..સૌ ના મનમાં એક જ સવાલ છે.

બીના ધીર ગંભીર રહી સૌ સગા-સ્નેહીઓ ને નિહાળી રહી છે. હજી તો ગઈ કાલે સમી સાંજે બકુલે અંતિમ શ્વાસ …ને આજે હજી સાંજ પણ ઢળી નથી ને, સૌ ને વસિયત ની ઉતાવળ….વકીલ ને પણ ઉતાવળ છે, જલ્દી ઘરે પહોંચી..તૈયાર થઇ.. બર્થડે પાર્ટી માં જવાનું છે.

ને સૌની આતુરતા નો અંત આવ્યો…

“શ્રી બકુલ મહેતા ના અવસાન પછી એમની મિલકત એમની પત્ની બીના ..ને  જો બીના મહેતા નું અવસાન થાય તો સઘળી મિલકત….

“મારી સંવેદના ને સાચા અર્થે સમજનાર ને”…..લી. બકુલ મહેતા 

સૌ દંગ રહી ગયા…ને, બીનાની નજર સમક્ષ એક આકૃતિ ઉપસી આવી…ઘઉંવર્ણી, ઉમર ૧૮ વર્ષ..સુડોળ કાયા..નટખટ આંખો ને નિર્દોષ હાસ્ય…ને કાને સાંભળ્યું…

…”બીના, આ મારી ‘જ્વાળા’…ઓહ..I mean..જ્યોતિ.આપણાં રમીલાભાભીના મોટાભાઈની દીકરી છે. આપણાં ઘરે રહી ને જ મોટી થઇ..ભણી છે…હવે B.E.(civil) માં બીજા સેમિસ્ટર માં છે તો હોસ્ટેલ માં રહે છે. ને, બીજી એક ખાસ વાત એ કે ….આપણાં લગ્ન માટે એ જ જવાબદાર છે. એડમીશન મળી ગયું પણ, એક જ જિદ્દ લઈને બેઠેલી. “ફૈબા, મારા ચાંચીયા ને પરણાવો તો જ આગળ ભણીશ ને પરણીશ.” અરે…હા, મને જાહેરમાં ભલે ‘ચાચુ’ કહેતી હોય પણ ઘરમાં તો મને કાયમ ‘ચાંચીયો’ જ કહે છે. એની પ્રેમાળ જિદ્દ પાસે ઘરમાં કદી કોઈનુંય ચાલ્યું નથી. જો ને, ૩૮ વર્ષનો થયો ત્યાં સુધી ઘરમાં કોઈને’ય ન સુજ્યું કે મને પરણાવવો જોઈએ..મને’ય પ્રેમ..રોમાંસ કરવાની ઈચ્છા થાય..પણ, મારી આ ટપુકડી જ્વાળા  મને પરણાવી ગઈ..એને તારી દોસ્ત બનાવી દે જે. ખુબ જ સંવેદનશીલ છોકરી છે.”

………..બીનાની આંખો અશ્રુઓ સાથે ભૂતકાળના સ્મરણો વહાવી રહી હતી…

બીના પણ ખુબ જ પ્રેમાળ…ગરીબ ઘરની માં-બાપ વિહોણી.. પડોશીઓના પ્રેમથી ઉછરેલી..રસ્તે રઝળતાં કુતરા પણ એને વ્હાલા લાગે.. તો, આ તો “પ્રેમજ્યોતિ”….જ જોઈ લો..પલકમાં બીના ને જ્યોતિ મિત્રતાના બંધને બંધાઈ ગયા. જ્યોતિ વેકેશનમાં ઘરે આવે ને, “જ્વાળા” ને “ચાંચીયા”…થી ઘર ગુંજી ઉઠતું.

જ્યોતિના લગ્નની જવાબદારી બકુલે જ નિભાવેલી. જ્યોતિના માં-બાપે ઘણી વિનંતી કરી કે, “તમે જ ઉછેરીને મોટી કરી છે તો કન્યાદાન પણ તમે જ કરો.”પણ, બકુલે ચોખ્ખાં શબ્દોમાં ના કહી’તી. બીનાની નજરે આ સંબંધ હંમેશા નિર્દોષ ને પવિત્ર જ હતો એટલે શંકા ને કોઈ સ્થાન ન જ મળ્યું……

બીનાને જ્યોતિની ખોટ વરતાઈ રહી હતી…એણે ઘડિયાળ સામે જોયું. રાતના ૧.૧૫ થયા’તા…’જ્યોતિનું પ્લેન લેન્ડ થઇ ગયું જ હશે. ડ્રાયવર ને એરપોર્ટ મોકલ્યો જ છે. થોડા સમયમાં તો ઘરે પહોંચી જ જશે..’ મનોમન બોલી રહી ને ભૂતકાળ ની યાદોથી મન હળવું થયું હશે તો બીના ઝોંકે ચડી…..

~~~~~

આજે અ’વાદમાં બહુ સમયે ફ્લાઈટ સમયસર પહીચી. ને, જ્યોતિને પણ જલ્દી ઘરે જવાની ઉતાવળ હતી. લગ્ન પછી પગફેરાની વિધિ માટે ઘરે આવેલી ને બીજા જ દિવસે લંડન જવા નીકળી ગયેલી…૧૦ વર્ષે ઘરે…પિયરે આવી રહી હતી…ને, બકુલના અવસાનનું અસહ્ય દુઃખ….પણ, રડી ન હતી..દિલથી અપાર વેદના અનુભવી રહી ને આંખો સાવ કોરીકટ…

ડ્રાઈવરે ગાડી ચાલુ કરી…ને, જ્યોતિ યાદોની સફરે…પવન ને લીધે જ્યોતિના વાળની લટ વારંવાર મો પર આવવા લાગી..ને, અચનાક ડૂસકું આવી ગયું…એ કારમાં હતી કે ટ્રેનમાં..??!!?……..જ્યોતિ અને બકુલ ના જીવનની અવિસ્મરણીય સફર……

~~~~~

રમીલાફૈબાના ૨૩ વર્ષીય સંદીપ..જ્યોતિ નો લાડલો ભાઈ..પ્રેમમાં પડ્યો ને પરણી રહ્યો છે…બધા એની સગાઇ માટે અ’વાદ થી સુરત ટ્રેનમાં જઈ રહ્યા છે…અંતાક્ષરી જોરદાર જામી છે…અચાનક જ્યોતિને દેખાયું કે ચાચુ ગાયબ છે…એ તો ગીતો ગાવાના શોખીન… તરત ઉભી થઇ ને એના પ્યારા ચાચુ…ચાંચીયા ને શોધવા ચાલી…જોયું તો, ડબ્બાનો દરવાજો ખોલી પગ લટકાવી બેઠા છે. ૧૪ વર્ષીય હરણી દોડી……

“એય્ય્ય …એ..એય્ય્ય..ચાંચીયા…મને’ય બેસાડ ને…”

“ના, જ્વાળા…તું નાની છો. જો..બરાબર પકડીને ન બેસે તો પડી જવાય…”

“પણ, ચાંચીયા…તમે છો’ને..મને શું ચિંતા…મને કમરથી પકડી રાખજો…”

ને, જ્યોતિની બાળહઠ પાસે બકુલનું કોઈ ગજું ??!!?? બેસી જ ગઈ..બે હાથે હેન્ડલ પકડી લીધું ને બકુલ સામે જોઈ કમર હલાવવા લાગી….બકુલે તરત જ જ્યોતિની કમરેથી પકડી ને થોડી ઉપર ખેચી વ્યવસ્થિત બેસાડી દીધી કે જેથી સરકી ને પડી ન જાય…

એવું ન હતું કે જ્યોતિ પહેલીવાર બકુલની સમીપ આવી હોય..એ તો બકુલના ખભ્ભે ચડીને રમતી ને ફાંદ પર કુદકા મારતી પા પા પગલી ભરતાં શીખી છે..હજી ગઈ કાલે રાત્રે…ઘરે અંતાક્ષરી ચાલુ થઇ તો ગીતો ગાતા બકુલની ફાંદે જ તબલા ની ખોટ પૂરેલી…!!

…પવનના સુસવાટા શરૂમાં તો જ્યોતિને ખુબ પ્યારા લાગ્યા પણ, એના વાળ વિખાઈ ગયા…૨-૪ લટ થોડી થોડી વારે મો પર આવી જતી..ને સ્વભાવગત..નટખટ.. નખરાળી… ઉભરતા યૌવનના પ્રથમ પગથીયે પહોચેલી…ઓલ્યા સમીર સાથે મસ્તીએ ચડી…જેવી લટ મો પર આવે કે જોરથી ફૂંક મારી ઉડાડે…જાહ્ને કુદરતને’ય સામો પડકાર ફેંકી રહી હોય…”કોણ વધુ ઉંચે ઉડાડે..તું કે હું..??!!”

ને, આ નખરાળીની મસ્તી… શાંત ચિત્તે નિહાળતા બકુલના શરીરને’ય સ્પર્શી ગઈ…ધીમી ધ્રુજારી…ને, એણે કમર ફરતે પકડ મજબુત કરી…

“એય ..ચાંચીયા..હું હવે ફૂંક મારી થાકી..મારા વાળ સરખા કરો ને..”

….બકુલે હેન્ડલ પર થી હાથ લઇ વાળની લટો સરખી કરવાં કોશિશ કરી..ને એમાં એના હોંઠ જ્યોતિના ગાલને સ્પર્શી ગયા…ફરી એક ધ્રુજારી આખા શરીરે ફરી વળી..આ વખતે બકુલ એના શરીર પરનો કાબુ ગુમાવી બેઠો..જ્યોતિને જોરથી પકડી ને કાન નીચે ચૂમી લીધી…જ્યોતિ પણ ધ્રુજી ઉઠી…

“ચાંચીયા..શું કરો છો..?????….ગલીગલી થાય છે…છોડો ને…”….”ગમે છે પણ ….કંઈક થાય છે….”

ને, બકુલ સફાળો જાગી ગયો…ડૂસકું ભરાઈ ગયું…જ્યોતિ ને સંભાળી ને ઉભી કરી હાથ પકડી રમીલાભાભી પાસે બેસાડી આવ્યો. ને ફરી ડબ્બાના દરવાજે બેસી આકાશે નજર માંડી..

મનોમન ઈશ્વર પાસે માફી માગી…એ ક્ષણ ને સદા માટે જીવનમાંથી ભૂંસી નાખવા આજીજી કરી..

~~~~~

…અચાનક બ્રેક વાગી..જ્યોતિ એ આંખો ખોલી જોયું તો ઘર આંગણે પહોંચી ગઈ’તી…

બીના રાહ જોતી ઉભી હતી..બંને એકબીજાને ભેટી પડ્યા…રોકી રાખેલા આંસુ સરી પડ્યા….બીનાએ જ્યોતિના માથે હાથ ફેરવ્યો…

ને, નજરોથી જ વાત થઇ ગઈ…..

…..”જ્યોતિ, મારું મન કહે છે એ સાચું છે ને ?”

…….”ને, બીનાદી…મારી લાગણી તમે જ….”

~~~~~

બકુલ આજે પણ જીવંત છે….

બીનાના દિલમાં પ્રેમાળ પતિ..મિત્ર ને જ્યોતિના દિલમાં…???………….ઈશ્વર પણ વિચાર…….

………………………………………………………………………………………આરતી (૨૦.૪.૨૦૧૧)

ક્ષમા …સ્ત્રી નું પર્યાયવાચી ???!!!

“હેલો, જ્યોતિ..કેમ છો ? તારું ખાસ કામ છે. આજે દિલ ખોલીને તારી સાથે વાત કરવી છે.પપ્પાની તબિયત બગડતી જાય છે. કંઈ કહી ન શકાય કે કેટલો સમય કાઢશે…ક્યારેક તો લાગે છે કે છૂટી જાય તો સારું…ખુબ રિબાય છે…એમાય આ છેલ્લા ૪ વર્ષની એમની પીડાએ તો હદ પાર કરી છે…મને દીકરી થઇ ને પણ હવે એમ થાય છે કે ભગવાન એને તું ઉઠાવી લે..હવે છુટકારો આપ…ક્યારેક લાગે છે કે ..કૈક એવું છે કે એમનો જીવ અટકી રહ્યો છે……….”

જ્યોતિ શાંતિથી સાંભળી રહી હતી..એની સૌથી જૂની ને પ્રિય મિત્ર સપનાનો ફોન હતો.

ફોન પર તો સપનાને સાંત્વના આપી પણ એને પોતાને શું થયું ?????

“જીવ અટકી રહ્યો છે..” જ્યોતિના મગજમાંથી ખસતું જ ન હતું…..

કેટકેટલી કોશિશ કરી પણ,… હવે તો… એ બાળપણના દિવસો આંખ સામે તરવરવા લાગ્યા…સ્કૂલ ચાલુ હોય ત્યારે તો ખાસ સમય ન મળે પણ, વેકેશન ચાલુ થતા જ બંને બહેનપણીઓ આખો દિવસ સાથે ને સાથે પસાર કરતી…બંનેના શોખ ને ઉછેરમાં આસમાન-જમીન નું અંતર પણ દિલથી તો જાણે બંને જોડિયા બહેનો જ..

ભૂતકાળ ના દિવસો એના માનસપટ પર પ્રભુત્વ જમાવવા લાગ્યા…

“જ્યોતિ, હું તો કાલે ભરૂચ જઈશ..ને ૧૫ દિવસ પછી આવીશ..તું મારા વિના શું કરીશ ?..અરે હા.. પપ્પા ને કાકા આવવાના નથી. તું એમનું ધ્યાન રાખજે હો..ખાસ તો પપ્પા જમવા બેસે ત્યારે એમને પીરસવા આવી જજે…તું તો જાણે જ છે કે પપ્પા કેવો ગુસ્સો કરે..કંઈ થયું તો મમ્મીને બીજીવાર ક્યાંય જવા નહિ દે…સંભાળી લેજે હો..”…….૯ વર્ષની ઉમર..ને કેવી પાકટ વાતો..!!!

બધા જ એવું કહેતા કે એના પપ્પાના સ્વભાવને લીધે સપના ઉમર કરતા જલ્દી મોટી થતી જાય છે….

“તું તારે જા….હું કાકાનું ધ્યાન રાખીશ….પણ તું મને રોજ યાદ કરજે હો..મને તારા વિના ગમશે નહિ…”….જ્યોતિ એના શબ્દો યાદ કરી રહી….ને અચાનક એનો ચહેરો લાલઘૂમ થઈ ગયો…આખું શરીર ગુસ્સાથી કંપવા લાગ્યું….યાદોના વમળમાં ફસાવા લાગી….

સપના ને એના કુટુંબીજન ગયા ત્યારથી એના પપ્પા અને કાકાને સમયસર પીરસી ને જમાડવાની જવાબદારી જ્યોતિના માથે આવી…શરુ ના ૧-૨ દિવસ તો બંને જ્યોતિના ઘરે જ જમવા આવે…પણ પછી સપનાના કાકાને પણ ધંધાના કામે બહારગામ જવાનું થયું…ને એના પપ્પાનો કોઈ સમય નક્કી નહિ… એટલે રાતે ટીફીન લઇને જ્યોતિએ એમના જ ઘરે જઈ ને પીરસી ને જમાડી આવવાનું નક્કી થયું.

જ્યોતિ રમણકાકાની થાળી પીરસી રહી હતી ને કાકાએ એને પકડી ને ખોળામાં બેસાડી..ને માથે હાથ મૂકી વ્હાલ કરવા લાગ્યા…જ્યોતિને ખુબ જ અજુગતું લાગ્યું.. એણે ક્યારેય સપનાને પણ રમણકાકાના ખોળામાં બેસતા જોઈ ન હતી…એ તરત સરકી ગઈ ને સજાગ થઇ જલ્દીથી રમણકાકા જમી લે એની રાહ જોવા લાગી…પછી ઘરે જતી હતી ત્યાં કાકાએ બુમ પાડી કહ્યું કે,… “કાલે ફરી આ જ સમયે ટીફીન લાવજે…ને સ્કુલનું લેશન હોય તો એ પણ લઈને આવજે..  અહી બેસીને કરજે…” વળી, જ્યોતિના ઘરે ફોન કરીને પણ કહ્યું કે, “જ્યોતિ ખૂબ ડાહી ને હોશિયાર છે…”

જ્યોતિ ઘરે પહોચી ત્યારે તો એના પપ્પા ખૂબ ખુશ હતા કે દીકરીના વખાણ થઇ રહ્યા છે.

આજે પાંચમો દિવસ હતો…આજે કોણ જાણે..જ્યોતિને સપના ખૂબ યાદ આવતી હતી..પહેલી જ વાર બંને બહેનપણી આટલા લાંબા સમય માટે છૂટી પડી હતી…રમણકાકાની  થાળી પીરસતા-પીરસતા જ્યોતિ ડૂસકે ચડી….કાકાએ એને ખોળામાં ખેચી લીધી ને માથે હાથ ફેરવવા લાગ્યા..

અચાનક એ હાથ હવે તો નીચે ને પછી તો સાથળ સુધી પહોચવા લાગ્યો…જ્યોતિ એક અજીબ ગૂંગળામણ અનુભવવા લાગી…ને એકદમ ધક્કો મારી ને ખોળામાંથી ઉભી થઇ ભાગતી ભાગતી ઘરે પહોચી….

સાવ કાચી ઉમર…૯ વર્ષ..કશી જ સમજ પડતી ન હતી…માત્ર એટલું જાણતી હતી કે કૈક ગમતું નથી…વિચિત્ર છે…રાત્રે એણે મમ્મીને કહેવાની કોશિશ કરી…પણ, વ્યર્થ…..શું કહેવું ?…કંઈ સમજાય તો ને ??!!

છટ્ઠો દિવસ….આજે જ્યોતિ ને સપનાના ઘરે જવાની સહેજેય ઈચ્છા ન હતી…મમ્મી-પપ્પાએ પરાણે મોકલી હતી….ખુબ સજાગ હતી…જલ્દીથી રમણકાકાને જમાડીને ઘરે પછી ફરી રહી હતી ને…. એના કાને કોઈની વાતચીત ના શબ્દો…”ઈ X X Xના ને તો જોરની લાત જ દેવી’તી ને સાલો પેશાબ કરતા’ય ભૂલી જાત….”……….કંઈ સમજાયું નહિ….એટલે ઘરે આવી ને તરત એણે પપ્પા ને પૂછ્યું કે, “….. આનો મતલબ શું ?”…..ને એના ગાલે એક જોરદાર…………ગાલ લાલઘુમ થઇ ગયો..રડતી રડતી સુવા જતી રહી..પણ, ઊંઘ આવે ?…….વિચારતી રહી કે, ” …….એનો અર્થ શું ?”….સવારે સમય મળતા મમ્મી ને પૂછ્યું…જાણે બીજો ગાલ માં ની મહોર ની જ રાહ જોતો હોય…..!!!!………………..ખુબ રડી…કોને પૂછું ?..એવું તે શું છે ?…..વિચાર મગજમાં એવા તો ઘુમવા લાગ્યા..ને પાછો એમાં માં-બાપનો માર….શરીર તપવા લાગ્યું…પણ જે થયું એ સારું થયું…..૪ દિવસ ટીફીન લઇ રમણકાકા પાસે ..માંથી  છુટ્ટી મળી…

આજે સાવ સારું હોય, ફરી મમ્મીની હાકલ પડી કે…”ટીફીન તૈયાર છે…જલ્દી જમી લે ને જા…”

કોણ જાણે કેમ જ્યોતિને રમણકાકા નાનપણથી જ ગમતા નહિ…પણ, સરોજકાકી ખુબ પ્રેમાળ એટલે એ હોશે હોંશે સપનાના ઘરે જતી.

આજે તો નક્કી કરી ને જ નીકળી હતી કે કાકા જમી લે કે તરત પાછી…પણ, આજે રમણકાકાને જમવાની કોઈ ઉતાવળ જ ન હતી..એ તો જ્યોતિ સાથે સ્કુલની વાતો કરવા લાગ્યા..ને, અચાનક જ્યોતિને ખેચી લીધી..ને લુંગી ઊતારી બાજુમાં ફેંકી..જ્યોતિ આ બીહામણી આકૃતિ જોઈને સૂન્ન થઇ ગઈ…કંઈ વિચારે એ પહેલા તો ..રમણ(કાકા ??) એ એનું ફ્રોક ખેચી નાખ્યું…જ્યોતિ ધ્રુજવા લાગી…”શું કરવું ?”……..કંઈ સમજાય તો ને… ??!! ………ને અચાનક એના કાને પડઘો ગુંજી ગયો….”ઈ X X Xના ને તો જોરની લાત જ દેવી’તી ને સાલો પેશાબ કરતા’ય ભૂલી જાત….”………..પૂરી તાકાત લગાવીને લાત મારી…ને, “સાલીઇઇઇઇ  ઇ ….” ની ચીસ સંભળાઈ…

ભાગતી-હાંફતી જ્યોતિ ઘરે પહોચી…ને એના હાલહવાલ જોઈ પપ્પાએ ગાલ પર જોરથી એક…”ફ્રોક ફાટેલું છે તો સમજાતું નથી કે બીજું પહેરીને જઈએ..”……….શું કહેવું ?…કોને કહેવું ?…આ બધું શું થઇ રહ્યું છે ?….બાળમાનસ BUSY BUSY ..થઇ ગયું…..એટલું તો જરૂરથી સમજી કે…કોઈ રાક્ષસથી બચવું હોય તો ક્યાં ને કેવી રીતે લાત મારવી…..કોઈ મદદ કરશે નહિ..પોતાની જાતનું રક્ષણ જાતે જ કરવું પડશે….

સપના ને એનું કુટુંબ ભરૂચથી પાછું આવી ગયું..પણ હવે જ્યોતિને બહાના બનાવતા આવડી ગયું છે…સપનાના ઘરે કામ સિવાય જતી જ નથી…

જ્યોતિ મક્કમ બની ગઈ છે…જ્યાં જવું હોય ત્યાં જ જાય ને જેમ કરવું હોય એમ જ કરે…કોઈ ના મારની એને અસર થતી જ નથી…

સમય પસાર થવા લાગ્યો…જ્યોતિ હવે યૂવાન બની રહી છે…

અચાનક એક દિવસ રમણ(કાકા) ભટકાઈ ગયા…”અલી તું તો ફટાકો લાગે છે ને…મારો હાથ ફરે પછી શું થાય…?? હા હા હાહ હા………………” જ્યોતિ હચમચી ગઈ…પણ હવે એ ડરી નહિ…એની આંખો આગ વરસી રહી…”જે બોલવું હોય તે બોલી લે…પણ મને તું પામી નહિ શકે…ને યાદ રાખ..તું કદી શાંતિથી મરી નહિ શકે…..મૌત માટે ભીખ માંગતો રહીશ…ત્યારે હું પણ આવું જ અટ્ટહાસ્ય કરીશ….મારી ઈચ્છા વિરુદ્ધ યમરાજ પણ…………”

એક સમયે તો જ્યોતિ એ વિચાર્યું કે આ રમણને ખુલ્લો પાડી દે..પણ, એની સપના…..એના પર શું વીતશે ?..કાકીનો શું વાંક…??….સમાજ મને કેવી નજરે જોશે ????…..ને આ રમણ રાક્ષસ બચી ગયો….

જ્યોતિ આખી રાત યાદોના વમળોમાં ફસાતી રહી….સવાર ક્યા પડી ગઈ એ ખબર જ ન પડી…

મન મનાવીને એણે સપનાને ફોન કર્યો…”હવે તબિયત કેવી છે ?”

“જ્યોતિ, પપ્પાની તબિયત તો એવી જ છે..પણ, ફરી એ જ કહીશ કે કૈક છે..એ ચોક્કસ..ડોક્ટરે પણ આશા છોડી દીધી છે પણ, જીવ અટક્યો છે…ને મમ્મી પણ એવું બોલી કે… ‘એના કરમ નડે છે…’ …મને તો કંઈ સમજાતું જ નથી..મારાથી તો પપ્પાની હાલત જોવાતી જ નથી..હવે છૂટી જાય તો સારું…”..ને ડૂસકે ચડી…..જ્યોતિ શું જવાબ આપે ??????????????

જ્યોતિનું માથું ભમવા લાગ્યું…આંખો આગ વરસી રહી..”શું કરવું ?”……ને ત્યાં છાપા ઉપર નજર ફરી…क्षमा विरस्य भूषणम……

શું થયું….વર્ષોથી કોરીકટ આંખે આજ આંસુ…??!!!!!!!!!!!

ત્યાં તો ફોનની રીંગનો અવાજ….

“જ્યોતિ..શું કહું ???..દુઃખદ સમાચાર કે ખુશ ખબરી ???….પપ્પા છૂટી ગયા….”

……………………………………………………………………………………………આરતી (૧.૬.૨૦૧૧)

“વેવાઈ”

“ફરીથી બર્થડે પાર્ટી ?” …..જ્યોતિ અકળાઈ ગઈ.

“I know your situation…. પણ, શું કરીએ ? જવું તો પડશે જ, ગણીને ૨-૪ જ ખાસ મિત્રો છે…” દીપ પણ social get-to-gather ટાળતો જ હતો.

પાર્ટી નું બીજું નામ gossip..!! ને, થોડા સમયથી જ્યોતિ-દીપ બધા માટે hot-topic બની ગયા હતા. લગ્નને ૧૪ વર્ષ થઈ ગયા, બાળક એક સ્વપ્ન જ રહ્યું, જ્યોતિ કદી માં નહિ બની શકે…એ વાત એમના જ નજીકના કહેવાતા ૨-૪ મિત્રોની stupid gossip દ્વારા સમાજમાં જાહેર થઈ ગઈ હતી.

~~

પાર્થ-પ્રિયાના પ્રથમની 5th birthday party, ચિલ્લર-પાર્ટી..ધમાલ-મસ્તી..શોરગુલ..પાર્ટીનું નામ સાંભળી જ્યોતિ જેટલી ચિડાઈ હતી તેનાથી અનેકગણી મસ્તીથી બાળકોની સાથે એક નખરાળી બાળકી બની આખી પાર્ટીનું attraction બની ગઈ…ચાલીસીની નજીક પહોંચવા આવેલી જ્યોતિ ૪ વર્ષની બાળકી બની ગઈ !! જ્યોતિનું આ રૂપ જોઈ, ભૂતકાળ વાગોળતા દીપની આંખ ભીની થઈ ગઈ…જ્યોતિના લંગોટિયા યાર..દીપ ને જીગ્નેશ..એમની ત્રિપુટી ધમાલ-મસ્તીમાં અવ્વલ નંબરે જ….

~~

કેક આવતી જોઈ ચિલ્લરપાર્ટી દોડીને ગોઠવાઈ ગઈ…ધક્કામુક્કી…ટેબલની આસપાસ birthday boy માટે પણ જગ્યા ન રહી..

ત્યાં તો પાર્થે દીપનો હાથ પકડી કહ્યું, “થોડી જગ્યા કર…વેવાઈ પધારી રહ્યા છે….ને, પ્રથમ કેક કાપે ત્યારે, “સોના”વહુને તું તેડી લેજે……”

જ્યોતિ-દીપની આંખમાં પ્રશ્નાર્થ છવાઈ ગયો…..

ત્યાં તો પ્રિય બોલી ઊઠી,

“જોડી મસ્ત છે ને ?! પ્રથમ-સોના… બે’યને સાથે રમતાં હોય ત્યારે એવાં મીઠડા લાગે છે…!! …એટલે જ અમે મિતેશ-માનસીને વેવાઈ કહી બોલાવવા લાગ્યા છીએ.”

~~

“વેવાઈ” આ શબ્દે જ્યોતિના હાવભાવ બદલાઈ ગયા…

અચાનક જોરદાર heart-attack આવી ગયો હોય એમ…..તરત જ નજીક જઈ, કમર ફરતે પ્રેમાળ હાથ પસારી દીપનો સહારો મળી ગયો હોય જ્યોતિ સ્વસ્થતા જાળવવામાં સફળ રહી….

લોકલ ટ્રેનમાં ઘરે જવાને બદલે જ્યોતિએ ટેક્ષીમાં જ ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી.

દીપ તરત જ સમજી ગયો કે જ્યોતિ ઘરે પહોંચતા પહેલાં જ રડીને હળવી થઈ જવા મથી રહી છે. ટેક્ષીમાં બેસતાં જ દીપે પ્રેમાળ હાથ લંબાવી જ્યોતિને છાતીમાં મોં છુપાવી મોકળા મને રડી લેવા……

~~

ચર્નીરોડ થી બોરીવલી….ટેક્ષી સડસડાટ દોડવા લાગી…ને, જ્યોતિ એના અતીતના બારણાં ખખડાવતી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી…

~~

જ્યોતિ-જીગ્નેશ-દીપ…તોફાની ત્રિપુટી…લંગોટિયા યાર…

અરવિંદકાકાના લગ્ન સમયે, જ્યોતિ ૫, જીગ્નેશ ૭ ને દીપ પણ  ૫ વર્ષનો…

જીગ્નેશ, જ્યોતિના મોટાકાકીના જીતુભાઈનો એક્નોએક લાડકવાયો દિકરો,

દીપ પાડોશના મનસુખકાકાનો વચલો દિકરો…

નજીકના સંબંધી ને અધૂરામાં પૂરું…પાડોશી..

રોજની એકબીજાના ઘરની અવરજવરને લીધે આ ત્રિપુટીએ  બાળપણ સાથે માણ્યું….

લગ્નવિધિ પૂરી થઈ ને વરઘોડિયા જમવા બેઠા…

અચાનક જીગ્નેશ ક્યાંકથી ૨ હાર શોધી લાવ્યો ને જ્યોતિને ખેંચીને મંડપમાં લઇ ગયો…

દીપ આસપાસ ન દેખાતા બુમ પાડી, “એયય..દીપડા અહિ આવ…જલ્દી..માંડ જગ્યા ખાલી થઈ છે…લગન-લગન રમીએ..” ગોર મહારાજના આસન પર દીપને બેસાડી, જ્યોતિને હુકમ કર્યો, “એ’યયય…જ્વાળા…જ્યોત્લી, મને હાર પહેરાવ…”

૭ વર્ષનો ટાબરિયો..શું ‘પતિદેવ’નો રૂવાબ ગળથુથીમાં જ પીને મોટો થઈ રહ્યો છે ?!? …

જ્યોતિ પણ કહ્યાગરી.. “જી..જી..”કરતી હાર પહેરાવવા ઉત્સુક…

દીપને તો ગોર મહારાજનો એકમાત્ર dialogue યાદ રહ્યો હતો..”કન્યા પધરાવો…સાવધાન…” એ તો મંડપમાં પડેલા ફૂલો ઉડાડતો એ જ દોહરાવતો રહ્યો ને બીજી બાજુ જીગ્નેશ-જ્યોતિએ તો ફેરાં’ય ફરી લીધા…..!!!

~~

“સપ્તપદી” આ ત્રિપુટીની નવી રમત…

પોતાના બાળકોને રોકવાને બદલે આ શું ??????

નવનીતભાઈ અને  જીતુભાઈ  તો “વેવાઈ બની ગયા….વેવાઈ…” કહી હરખપદુડા થઈ  એકબીજાને ભેટી પડ્યા…

નિર્દોષ બાળરમતને વડીલોએ પણ મજાક-મસ્તી રમત ગણી…માણી લીધી…!!!!

ભવિષ્યની ચિંતાથી વંચિત ત્રિપુટીને એક નવી રમત મળી ગઈ…

ઘર-ઘરની રમતમાં લગન-લગનની રમત ઉમેરાઈ ગઈ…..

નવનીતભાઈ ને જીતુભાઈ હવે એકબીજાને હંમેશ “વેવાઈ”થી જ સંબોધવા લાગ્યા….

જીગ્નેશના તેવર પણ જોરદાર થઈ ગયા…જ્યોતિ એને પૂછ્યા વિના કંઈ જ ન કરી શકે…જાણે, સાચુકલો “પતિદેવ” ….!!

~~

સમય જતાં જીતુભાઈએ સુરતમાં સાડીના વેપારમાં ઝંપલાવ્યું…ને ત્યાં ફાવટ આવતાં  જ ડાયમંડ….

એક સમયનું મધ્યમવર્ગી કુટુંબ…..જાહોજલાલીથી જીવવા લાગ્યું…..

ભણવામાં જીગ્નેશને રસ રહ્યો નહિ ને માંડ-માંડ ડીગ્રી મેળવી ધંધામાં જ જોડાઈ ગયો..

દીપ પહેલેથી જ ભણવામાં હોશિયાર…B.E.(civil) …છેલ્લા સેમીસ્ટરમાં…નાનપણથી જ ઊંચા ઊંચા બિલ્ડીંગ બનાવવાનું સ્વપ્ન…સાકાર થવાની નજીક ….

જ્યોતિ પણ ભણવામાં જોરદાર…ઘર સજાવવાનો અજીબ શોખ…નવનીતભાઈની દીકરીના શોખને વ્યવસાયિક બનાવવાની સુજથી જ જ્યોતિ School of Architect, A’badની જાણીતી-માનીતી વિદ્યાર્થીની…..

~~

સમય જતાં, આ ત્રિપુટીનું મળવાનું ઓછું થવા લાગ્યું…

પણ,

જીગ્નેશનો જ્યોતિ ઉપરનો રુવાબ એવો જ રહ્યો…

દીપ જાણતો હતો કે જ્યોતિના દિલમાં જીગ્નેશ….

જ્યોતિ કદી પોતાની લાગણી વ્યક્ત કરતી નહિ….

જ્યારે પણ ત્રિપુટી ભેગી થાય ત્યારે એવી જ નિર્દોષ  ધમાલ-મસ્તી…

વડીલો પણ મળે ત્યારે “વેવાઈ..વેવાઈ..” કહી એકબીજાને ભેટવાનું ચુકે નહિ…

~~

આજે નવનીતભાઈએ ઘરમાં પગ મૂક્યો જ હતો ને મોટાભાભી પધાર્યા…

“લ્યોઓઓ….મોઢું મીઠું કરો…જીગ્નેશની સગાઇ નક્કી કરી..” આખા ઘરમાં આનંદનું વાતાવરણ…

સગાઈમાં જવાની ઉતાવળ તો જાણે નવનીતભાઈ-નંદીનીબેન ને જ…

નવનીતભાઈ બોલી ઊઠ્યા, “ચાલો ત્યારે કરો તૈયારી..મારો દોસ્તાર વેવાઈ બનશે….”

પણ, આ શું ?????જીગ્નેશના નામથી જ રૂમમાં પરીક્ષાની તૈયારીમાં મશગુલ જ્યોતિના કાન સરવા થઈ ગયેલાં…

૨-૫ મીનીટનો આ વાર્તાલાપ…

ને,

જ્યોતિના હાથપગ કાંપવા લાગ્યા…સૂન થઈ ગઈ…દિલની વાત કોને કહે ?!?

….”વેવાઈ…વેવાઈ…” ના પડઘા….

હા, આ શબ્દોએ જ સપનાનો રાજકુમાર શોધી આપેલો… !!!!!

જેમતેમ કરી જ્યોતિએ પોતાની જાતને તાત્કાલિક તો સંભાળી લીધી પણ “વેવાઈ..વેવાઈ..”ના પડઘા એકાંતમાં અકળાવવા લાગ્યા…

જ્યોતિના દિલને હરખપદુડા માબાપ  સમજી શકે ?!?

એ લોકો તો સગાઇ-લગ્નની વાતોમાં મશગુલ….

~~

પરીક્ષાનું બહાનું બનાવી જ્યોતિએ સગાઈમાં જવાનું ટાળ્યું હતું…

આખા ઘરમાં “વેવાઈ..વેવાઈ..” ના પડઘા ગુંજવા લાગ્યા હોય એવું જ્યોતિને લાગ્યું…કંઈ સુજતું ન હતું…રડવું હતું પણ…

અચાનક નંદીનીબેનની exercise cycle દેખાઈ…

ને જાણે એકેએક પડઘાને પાર કરવાના હોય તેમ જ્યોતિના પગ ઝપાટાભેર ફરવા લાગ્યા….

સુમસામ ઘરમાં “વેવાઈ..વેવાઈ..”ને સાઈકલનું ચુડ ચુડ…

એક..બે..ત્રણ…કરતાં કેટલાં કલાક જ્યોતિએ સાઈકલ ચલાવી એનો હિસાબ રાખવાનું ભગવાન પણ ભૂલી ગયો કે શું ?!?

નવનીતભાઈ-નંદીનીબેન ઘરે પાછા ફર્યા ત્યારે જ્યોતિ પલંગમાં પડી હતી..શરીર તાવમાં તપતું હતું…પેટમાં અસહ્ય દુઃખાવો…

મહિનાઓ  સુધી દવા ચાલી…તાવ ચડે ને ઊતરે…ગમે ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ચાલુ થાય…કેટકેટલી દવાઓ….દવાઓની આડઅસર…

અંતે એક ડોકટરે જણાવ્યું કે, કોઈ આંતરિક ચોટ લાગવાથી જ્યોતિનું ગર્ભાશય સાવ નબળું પડી ગયું છે….એ કદિ “માં”……….

~~

સમય થંભે ???જીગ્નેશ પરણી ગયો…

દીપ L&T Constructionમાં પોતાના સપના સાકાર કરવા લાગ્યો…

જ્યોતિ….સમજદારીની જ્યોત…પોતાની જાતને સંભાળીને એક જાણીતા architectની assistantની jobમાં ખુશ રહી જીવવા મથી રહી…

“માં” બની નહિ શકે..એ વાત જાણી એની સાથે લગ્ન કોણ કરશે ?…..જ્યોતિએ  દીકરીના લગ્નની ચિંતાથી નવનીતભાઈ-નંદીનીબેનને મુક્ત કરી દીધેલા…૫ આંકડાની આવક હોવાથી ભવિષ્યની પણ ચિંતા ન હતી…..

અચાનક એક દિવસ દીપ લગ્નનો પ્રસ્તાવ લઇ આવ્યો…

“જ્યોતિ, કોઈ સવાલ નહિ…કોઈ  જવાબ નહિ…ચાલ જીવનસાથી બની જઈએ…”

છેલ્લા કેટલાક સમયથી ડૂમો ભરાવી જીવતી જ્યોતિ દીપની છાતીમાં મોં છુપાવી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી….

~~

વણથંભ્યો સમય ….

ને અચાનક જ્યોતિએ બાન્દ્રા-વરલી બ્રીજ પર ટેક્ષી થોભાવતાં કહ્યું,

“દીપ, મારા હાથ પકડી લે…આજે આ ચાંદનીને મારા શ્વાસમાં ભરી લેવી છે…હવેથી કોઈ પડઘા/gossip મને પરેશાન ન કરે…”

…………………………………………………………………….આરતી પરીખ(૧૧.૬.૨૦૧૨)

~~~~~

બાળકોની રમત/નિર્દોષ  મિત્રતામાં પોતાના મનનો મેલ ઢોળતાં દરેક માં-બાપને અર્પણ….

હળવાશની પળ

રોજની જેમ રોજીંદા કામકાજમાંથી પરવારી જ્યોતિએ લેપટોપ હાથમાં લીધું, ઓનલાઈન થઇ ને ફેસબુકના એકાઉન્ટમાં ક્યા મિત્રો એની જેમ જ નવરા ધાકોર થઇ રખડે છે એ જોવા લાગી……

“શું વાત છે ?! અપૂર્વ શાહ ને ઓનલાઈન ?” અચાનક ઉત્સાહથી બોલી ઉઠી..

અપૂર્વ શાહ… ગુજરાતનો ખ્યાતનામ આર્કિટેક, ઈન્ટીરીયર ડીઝાઈનર.. નવોસવો મિત્ર બનેલો.. ક્યારેક ક્યારેક એના મેસેજ આવે પણ કદી ખાસ ધ્યાન આપ્યું ન હતું. આજે ખબર નહિ કેમ જ્યોતિને અપૂર્વ સાથે વાત કરવાની તાલાવેલી જાગી. પણ પોતાની ઈચ્છા પર કાબુ રાખ્યો ને માત્ર ચેટ-બોક્ષમાં જ વાત કરવી એવું નક્કી કર્યું. “એક અજાણ્યાં માણસ સાથે વાતની શરૂઆત કેવી રીતે કરવી ?” વિચારી રહી હતી ત્યાં તો એનું જ ચેટ-બોક્ષ બ્લિંક થયું…

Hi sweet lady …. H r U?

અપૂર્વ શાહના એકદમ ટાઈમે જ આવેલા આ મેસેજથી જ્યોતિની આંખોમાં એક અજીબ ચમક ઉભરી આવી. એને અપૂર્વ શાહમાં કોઈ જ દિલચસ્પી ન હતી, જે આકર્ષણ હતું એ માત્ર ને માત્ર એના પ્રોફેશન તરફનું હતું.. નાનપણથી જ જ્યોતિ આર્કિટેક બનવાના સપના જોઈ મોટી થઇ હતી. પણ, નસીબના ખેલ… આજે એક ગૃહિણીની જીંદગી જીવી રહી છે…..

Hi charming lady …. Busy?

ચેટ-બોક્ષ ફરી બ્લિંક થયું…..

Hello, frnd…  H r U?  ……..  good ….

ટાઇપ કરતી વખતે જ્યોતિની આંખોમાં અજબ ચમક હતી.. એક અકલ્પ્ય ખુશી છલકી રહી હતી… ક્યારેક જે બનવાના સપના સેવેલા એ જ લાઈનની એક ખ્યાતનામ વ્યક્તિ આજે એને સામેથી બોલાવી રહી છે… કેમ ? કેટકેટલા સવાલો… કોઈ જવાબોની રાહ જોયા વગર જ ઉદભવવા લાગ્યા….ને બે અજાણી વ્યક્તિઓ અચાનક કોઈ જ વિષયવસ્તુ વગર જ વાતો કરવા લાગ્યા…

હવે તો જાણે એક નિત્યક્રમ બની ચુકેલો… રોજ વાતો કરવાનો.. હા, જ્યોતિ ને અપૂર્વ…

જ્યોતિના કામમાં અચાનક ચપળતા આવવા લાગી, ઘરકામને કેમ સરળતાથી સમજપૂર્વક પૂરું કરી પોતાના માટે સમય ફાળવવો એ હવે શીખવા લાગી, અરે.. એમ કહી શકાય કે નિપુણ બનવા લાગી.. અપૂર્વની સાથે ચેટ-બોક્ષમાં થતી વાતોની જ અસરથી હવે જ્યોતિ એના જૂના ભૂલાઈ ગયેલાં શોખ જીવંત કરવા લાગી.. ફરી હાથમાં કલર-બ્રશ આવવા લાગ્યાં.. આંખોમાં નવીન સ્વપ્ન.. હોંઠો પર ખુશહાલ સ્મિત.. ચાલમાં મક્કમતા ને અનેરો આત્મવિશ્વાસ…

શરૂ શરૂમાં sweet lady.. charming lady.. tc my honey.. missing u my dear.. looking hot..  જેવા શબ્દો થોડા અજીબ લાગતાં પણ થોડો સમય જતાં જ્યોતિએ આ વર્ચુઅલ દુનિયાની ભાષા અપનાવી લીધી. આજે અપૂર્વ સાથે પહેલી વખત વીડીઓ-ચેટ માટે એ માંડ માંડ તૈયાર થઇ હતી..અપૂર્વ ઘણી વખત એને વીડીઓ-ચેટ કરવા વિનંતી કરી ચુક્યો હતો, આજે માંડ જ્યોતિ એના માટે તૈયાર થઇ. થોડું અજીબ લાગતું હતું પણ…

વીડીઓ-કોલ ચાલુ થયો.. બે અજાણી વ્યક્તિ અલકમલકની વાતો કરવા લાગી.. બાળપણથી લઈને એજ્યુકેશન.. લગ્ન..પરિવાર…આહાહ.. કેટકેટલી વાતો કરી.. જ્યોતિ ને અપૂર્વ.. બંને પક્ષે અસીમ આનંદ છલકી રહ્યો હતો ને અચાનક અપૂર્વે પૂછ્યું,

“અરે…. જ્યોતિ …. આખી રામાયણ પતી જવા આવી પણ એ ન સમજાયું કે HScમાં આટલા સારા માર્કસ આવ્યા તો’ય તે તારી ગમતી લાઈન છોડી B.Sc.ની ડીગ્રી લીધી…… કેમ ? ખૂબ નવાઈ લાગે છે.. કહે તો ખરી ….”

જ્યોતિની આંખોમાં ઉદાસી છવાઈ ગઈ.. અચાનક વ્યથાની કાળી ડીબાંગ વાદળી ક્યાંથી આવી ચડી ?!

“Hi my dear.. my sweet heart…  what’s happen ? “

ને જ્યોતિએ વીડીઓ-કોલ કટ કરી નાખ્યો… ને, વાદળી વરસી પડી…

આંસુ સરતા ગયા ને એ બાળપણની સ્વપ્નીલ રાતો’ય ધોવાતી ગઈ…

“અપૂર્વના પ્રશ્નનો શું જવાબ આપું ?”

એક તિરસ્કારનો તિખાર ઠાલવતો લાંબો ઉચ્છવાસ… આ તિરસ્કાર અપૂર્વ માટે નહિ પણ પોતાના જ સગાં ફૂવા પ્રત્યેનો હતો…

~~~~~~~

૧૨મા ધોરણનું પરિણામ જાહેર થયું.. જ્યોતિના ૭૯%….. હા, એ જમાનામાં આ ખૂબ સારું પરિણામ ગણાતું. કેવી ખુશ હતી.. “હવે તો હું ચોક્કસ આર્કિટેક બનીશ..” માં ને પપ્પા પણ ખૂબ ખુશ હતા. વિદ્યાનગરમાં એડમિશન મળી રહ્યું હતું, હોસ્ટેલમાં રહેવું પડશે.. થોડું ખર્ચાળ હતું પણ, પપ્પા દીકરીનું સપનું સાકાર કરવા પૂરી કોશિશ કરી રહ્યા હતા.

જ્યોતિના ફૈબા-ફૂવા ખૂબ પૈસાદાર.. ને કોઈ સંતાન નહિ….

“જ્યોતિની જવાબદારી અમારી….કોલેજ ફીની ચિંતા કરશો નહિ અમે બેઠા છીએ ને.. “ કહી જ્યોતિનું સપનું સાકાર કરવા મદદે આવ્યા. જ્યોતિ તો ખુશીથી ઝૂમી ઉઠી.. અચાનક ફૂવાએ પૂછ્યું,

“એય્ય.. જ્યોત્લી.. તારી કોલેજની ફી તો આ ફૂવો ભરી દેશે, પણ…. બદલામાં તું તારા ફૂવાને શું આપીશ ?”

“અરે.. ફુવાજી.. તમે જે માંગો એ.. એક વાર આર્કિટેક બની જાઉં બસ.. તમે માંગો એ કમાઈ ને આપીશ…”

……………ઓહ્હ…… જ્યોતિની આંખો અનરાધાર વરસવા લાગી……….

એ રાત બિહામણી બની જીવનભર પરેશાન કરશે એવી આ કુંવારી કન્યાને થોડી ખબર હતી ?! અગાસીમાં ખુલ્લા આકાશ તળે આર્કિટેક બનવાનું હસીન સપનું જોતી જ્યોતિ હજી ગાઢ નિંદ્રામાં સરી હશે……… ત્યાં તો ….. કોઈકે એની રેશમી શાલ ખેંચી…………

“એય્ય્ય્ય્ય….. કોણ છે….એએએ……. ? ……..”

રોજની આદત મુજબ આંખો ચોળવાનું’ય ભૂલી સફાળી બેઠી થઇ………..

“…….ફુવાજી ?…… તમે ?….. કેમ ? …. અહીં… ?! ……અત્યારે… !!?!! …. કંઈ કામ છે ???….”

અડધી રાતે અચાનક ફૂવાજીને અગાસીમાં જોઈ જ્યોતિ ખૂબ ગભરાઈ ગઈ…

“બપોરે તે શું કહેલું ? … તમે જે માંગો એ…….” કહેતા લુચ્ચું હસ્યાં. ને, “ લે તો માંગું છું….આપ…..આજની રાત મારી સાથે…ચાંદની રાતમાં……………………..”

હવસ ભરેલી આંખો જ્યોતિના શરીરને ભોંકાવા લાગી… જ્યોતિએ શાલને શરીર ફરતે વીંટાળી ને તત્ક્ષણ સાવધતા ને બહાદૂરીપૂર્વક કામ લીધું…

“મને અડકવાની પણ કોશિશ કરી છે તો બુમાબુમ કરી મુકીશ…”

જ્યોતિની આંખો આગ વરસાવવા લાગી… એકાએક આ નાનકી, અબુધ, ગભરુ ગણાતી જ્યોતિનું આવું નવું લડાયક સ્વરૂપ કદી કોઈએ કલ્પ્યું પણ નહિ હોય ફૂવો પણ ડરી ગયો ને બદનામીના ડરથી જ અગાસીના દાદરા બિલ્લી પગે ઊતરી ગયો…….

એ આખી રાત જ્યોતિ જાગતી રહી…વહેલી સવારની ઠંડકે એની આંખો ઘેરાઈ…..એ દરમિયાન ઘરમાં શું થયું એ વાતથી આજ સુધી જ્યોતિ અજાણ છે….બસ, કેટલી ખબર પડી કે ફૂવાજીએ ફીના પૈસા આપવાની ના પાડી ને બીજી પણ એવી કૈક વાત કરી કે જેના કારણે જ પપ્પાએ હોસ્ટેલમાં રહેવાની ના પાડી. ને,

“ઘર-આંગણે જ્યાં એડમિશન મળે ત્યાં ભણો.”………… નું હુકમનામુ બહાર પાડ્યું.

~~~~~~~

“ઓહ્હ……”

એક લાંબો નિઃસાસો નાખતાં આંખો લુછીને જ્યોતિ ભૂતકાળમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી ત્યાં જ ફરી અપૂર્વનો વીડીઓ-કોલ બ્લિંક થયો…

“શું કરું ? વાત કરું કે નહિ ? હમમમ……વાત કરવા જ દે…એ શું સમજશે ? અચાનક જ મેં કોલ કટ કરી નાખ્યો છે, વર્ષો પછી માંડ કોઈ મિત્ર મળ્યો છે..કોઈ ગેરસમજ થશે તો હું એને ગુમાવી…………” વિચાર માત્રથી કોલ એક્સેપ્ટ કર્યો……

“Hi my sweet charming lady…. What’s happen dear….. તું રડે છે ? મારી કોઈ ભૂલ થઇ ? please …tell me na… sorry my dear…”

“ના..ના….એ તો એમ જ… એક જૂની વાત યાદ આવી ગયેલી… તારી કોઈ ભૂલ થઇ નથી…”

“If you  don’t  mind… tell me… what’s the matter…  anything  wrong ?…. અરે.. યાર… બોલ ને કંઇક… તારી જ સાથે વાતો કરવા આવ્યો છું….ચેટમાં તો દોસ્ત..દોસ્ત..કહેતી રહે છે….. સાચે દોસ્ત માનતી હોય તો બોલી જા…. દિલમાં જે ભાર હોય તે કાઢી નાખ… હળવાશ અનુભવીશ… અરે યાર… દોસ્ત શેના માટે હોય છે ?!”

“અપૂર્વ….તું કોઈને કહેશે તો નહિ ને ? વષોથી મનમાં એક બોજ છે પણ કોઈને કહી શકતી નથી…”

“Hi…. Look at my eyes… તારી સામે નથી બેઠો તો શું થયું…આ વેબ-કેમનો લેન્સ જોરદાર છે…હહા..હા..હા…જો એમાં તને પોતાનાપણું દેખાય…તો ………..”

ને જ્યોતિ ફરી રડી પડી….વર્ષોથી એક એવા મિત્ર માટે તરસતી હતી કે જેને એ દિલની વાત કહી શકે…આજે ૩૨ વર્ષની થઇ ત્યારે એ મળ્યો…

વહેતા આંસુ હર્ષના હતા કે વેદનાના ? આંસુ આંસુ જ છે…..

હર્ષ કે દર્દ

નિરંતર વહેવું

એની આદત.

અપૂર્વની આંખોમાં નિર્દોષ મિત્રતાનો ભાવ જોઈ જ્યોતિએ ક્યા કારણોસર આર્કિટેક ન બની શકી એ આખી ઘટના કહી સંભળાવી. ને થોડીવાર માટે બંને વચ્ચે અજીબ સન્નાટો છવાઈ ગયો. આખી ઘટના સંભાળ્યા પછી અપૂર્વ પણ અવાચક બની ગયેલો.

“જ્યોતિ, મને તો એમ કે આપણાં જમાનામાં સમાજમાં આવા દુષણો ભાગ્યેજ… “

“ના એવું નથી.. આપણાં જમાનામાં સમજદારીથી કામ લેવાતું… કોઈ પણ પગલું ભરતા પહેલાં સો વાર વિચારતા કે ભવિષ્યમાં એના પ્રત્યાઘાતો શું હશે…. હું પણ મારા ફૂવા સામે અવાજ ઉઠાવી શકી હોત …. પણ, મેં એવું ન કર્યું…ચુપ રહી..પરિણામ સ્વરૂપ આજે અમારા કૌટુંબિક સંબંધો સલામત છે… મારા ફૂવાએ મારા શરીરને તો હાથ લગાવ્યો જ નથી…તો ? હોબાળો મચાવી મને શું મળવાનું હતું ? આમપણ ફીના પૈસા અમારી પાસે હતા જ નહિ… બુમાબુમ કરી હોત તો.?? ……. સમાજ તો સ્ત્રીને જ વાંકી નજરે જોવાનો…..”

“my dear….sometimes I feel ….who is elder… U or me ?! બાવન વર્ષનો થયો છું ને તું માત્ર બત્રીસની… મારાથી ૨૦ વર્ષ નાની છો, પણ સમજદારીમાં તો મારી માં છે…”

એક સમજદાર મિત્ર મળ્યાના સંતોષથી અપૂર્વની આંખો પણ ખુશીથી છલકાઈ ગઈ…

“જ્યોતિ, મારી વાઈફ મને કદી તું કહી બોલાવતી નથી, મેં ઘણી વાર કહ્યું પણ,…. હવે તો મને’ય એ  તમે..તમે.. ની ટેવ પડી ગઈ છે.. સોસાયટીમાં પણ લોકો… તમે… અપૂર્વભાઈ… તે મને તું’કારે બોલાવ્યો એ બહુ ગમ્યું… ફરી જવાની ફૂંટી હોય એવું…”

ને બંને ખડખડાટ હસી પડ્યા…..ને અચાનક જ્યોતિ ગણગણવા લાગી…

“मै क्या करू राम मुजे बूढ़ा मिल गया….”

“જ્યોતિ, એક માગણી કરું ? …… તારા ગાલ પરથી આ લટ હટાવ ને…”

જ્યોતિ એક પ્રશ્નાર્થ નજરે જોતી લટને કાન પાછળ લઇ જાય ત્યાંતો…

“આહાહ… what a beauty… black til on ur chin ….lovely….આર્ટીસ્ટ છું..મારી નજરથી કઈ છુપું ન રહે…માફ કરજે પણ તું ખૂબ માદક લાગે છે…મારી નજર ન લાગે…તારી આ અદાથી તો આજે ફરી જવાની ફૂંટી હોય એવું અનુભવું છું….પ્લીઝ મને સમજવાની કોશિશ કરજે સાફ દિલથી કહું છું…ખરાબ નહિ લગાડતી…”

“એ બુઢા…તે દિલથી કહ્યું એ ખૂબ ગમ્યું…સહેજેય ખરાબ લાગ્યું નથી ને કદી લાગશે પણ નહિ…આજે તારી સાથે વાતો કરીને હળવાશની પળો…”

થોડીવાર બંને એકબીજાને અપલક નૈને નિહાળી રહ્યા…

“તને બુઢો કહ્યું તો ખરાબ નહિ લાગે ને ? લાગે તો લાગે…હવેથી હું તો તને બુઢો જ કહેવાની છું…”

ને અપૂર્વની આંખોમાં હકારાત્મક ભાવ ને એક નિર્મળ હાસ્ય…

“બહુ વાતો કરી…ચાલ બંને પોતપોતાના કામે વળગીએ….આવજે…ફરી ક્યારેક આવી હળવાશની પળો માણવા મળીશું ને ? …..આવજે…આમ જ હસતી-રમતી-ખુશ રહેજે…તને મળીને હળવો થઇ જાઉં છું…bye dear…”

ને બંને પક્ષે હળવાશની અનુભૂતિ…કોલ પુરો કરી ફરી જ્યોતિ એના ઘરકામમાં પરોવાઈ…

~~~~~~

આજે ૪ દિવસ પછી જ્યોતિ ઓનલાઈન થઇ ને મેસેજ-બોક્ષમાં અપૂર્વનો મેસેજ હતો..

“My darling dost….had gr8 time with U… lifetime memory….કોલેજમાં ખૂબ શરમાળ હતો, દિલના એકાદ ખૂણે..ક્યારેય દોસ્તારોની જેમ છોકરી પટાવી ન શક્યાનો અફસોસ છુપાવી રાખેલો…તારી સાથે વાતો કર્યા પછી હવે કોઈ અફસોસ નથી…thanks my lovely charming lady… મારા જીવનની એક વાત શેર કરવી છે…ઘણા વર્ષોથી એક નિર્બળતા અનુભવતો હતો…મારી વાઇફને મારાથી સંતોષ ન હતો…but yday’s night was awesome…rock my life once again… હું મારી વાઈફને એક નવા સ્વરૂપે મળ્યો…..ને એક મજાની વાત કહું… સવારે એણે મને કહ્યું, क्या जादू हुआ ?!  मेरा बूढ़ा जवान हो गया…!! એને શું જવાબ આપું ?? …મનમાં જ કહી દીધું… कल फेसबुक पे किसीको बूढ़ा मिल गया है……બિઝનેસ-ટુર પર જઈ રહ્યો છું, ત્યાંથી થોડા દિવસ ફેમિલીની સાથે ફરવા-હળવા થવા જઈશ. Thanks 2 U my dear…પણ, તારી સાથેની હળવાશ કૈક અલગ જ હોય છે….હળવા થવા ફરી મળીશું ને?”

ને, જ્યોતિની આંખોમાં એક મસ્તીભરી હળવાશ….

………………………………………………………………………….._આરતી(૧.૯.૨૦૧૨)