Archives

વાટ જુએ રાધા

Image

રેતમાં હસતી રમતી વાટ જુએ રાધા,
છો’ને કાળીયો નિતનવાં શોધે વાંધા,
ગોપીઓ પાસે કેવો દાણ માંગે,
હક્ક જતાવતો બહુ મીઠો લાગે,
કાનો તું’ય બન્યો આજ શાહુકાર
છતાં મટકીમાં તું જ તું એકરાગે,
રેતમાં હસતી રમતી વાટ જુએ રાધા,
છો’ને કાળીયો નિતનવાં શોધે વાંધા,
મીરાંએ પ્રેમથી ઝેર પીધાં,
વાત ફેલાઈ સો-સો વીઘા,
કાના તું’ય આજ તો જાણ
કેમ જીરવાય પ્રિત દ્વિધા,
રેતમાં હસતી રમતી વાટ જુએ રાધા,
છો’ને કાળીયો નિતનવાં શોધે વાંધા.
ચાંદલીયો ફેલાયો આંગણમાં,
કાળીયો દેખાયો કણકણમાં,
કાનો તું’ય ‘આરતી’ દીવાનો
હવે પ્રિતમાં નનૈયો ભણમાં,
રેતમાં હસતી રમતી વાટ જુએ રાધા,
છો’ને કાળીયો નિતનવાં શોધે વાંધા !!
_આરતી પરીખ (૫.૧૧.૨૦૧૩)

ઘનશ્યામ

ઘનશ્યામ

સાહ્યબા, મળવાને શે’ આવું ?! ઘેર કામ છે,
તારી પાછળ તો ઘેલું, મારું આખું ગામ છે….
સાહ્યબા..

ગોપીઓ થઇ ઘેલી, ને મીરાને કરી દીવાની
રાધા ગોરીની આંખે મલકે, તું મારો શ્યામ છે….
સાહ્યબા..

વનરાવનની ડાળડાળ પાનપાન શોધતી
કાન’ ન મળે તો, મારે મન એ પરગામ છે….
સાહ્યબા..

પતર શે’ લખું ?! કાગળીયાનો કટકો ન જડે
સમજી જા’ને, મુજ અંતરે તારું જ નામ છે….
સાહ્યબા..

સાહ્યબા, અંતરે બિરાજતું તારું જ નામ છે..નામ છે..
સાહ્યબા, ‘આરતી’ દીવાની, તું ઘનશ્યામ છે..ઘનશ્યામ છે..
………………………………………………………………………………………………………….. _આરતી(૬.૩.૨૦૧૩)

રાધા હારીને’ય છે રાજી ..!!

લાગણીનો ગંજીફો કીધો; જીવનની ખેલી છે બાજી,
વ્હાલપથી ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.

મનના મુલકનો સુબો;
અકળ તારો મનસુબો,
અંતરથી ખેલજો કાનજી;રાધા હારીને’ય છે રાજી.
મથુરામાં પ્રગટે વ્હાલો;
ગોકુલ પધારે નંદલાલો,
ઉત્સવથી ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.
ગોકુળની ગલીનો ગ્વાલ;
દ્વારિકા જઈ ભૂલે વ્હાલ,
વ્રજરજથી ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.
જશોદા જુલાવે પાલનહાર;
લખ ચૌર્યાસી તારે જ દ્વાર,
અમીનજરે ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.
……………………………….._આરતી (૩૦.૧૧.૨૦૧૧)
Image

ભવસાગર તરીએ….

કોની આશાએ આ ભવસાગર તરીએ રે,
નાદાન દિલ ની વ્યથા કોને કહીએ રે,

ડાહી દુનિયામાં દીવાની બની ઘૂમી રે,
ગાયું પ્રેમગીત ના તોય’ કોઈએ ચૂમી રે,

અંતરથી ખેલી છે જીવન તણી બાજી રે,
અવળી-સવળી કરી જગ આખું રાજી રે,

મોંઘી જીંદગી જીવનભર નહિ જાગી રે,
સસ્તી ક્યાં રહી મૌત? એ પણ ભાગી રે,

કર જોડી ઉભી પ્રભુજી તારે બારણે રે,
આપજે શાંતિભરી નિંદ્રા તારે આંગણે રે.
…………………………………………………………………………_આરતી

Image

રંગે રંગાઈ

આજ આ શેના રંગે રંગાઈ,

દુનિયા આખી લાગે પરાઈ.

રંગાઈ તો, આજ પૂરી રંગાઉં,

દિલ નો ઉમંગ શે’ છુપાઉં.

તારું મુખડું જોઈ મન મોહ્યું,

જાણે આજ દીલડાને ખોયું.

મારું અંતર લેજો વાંચી,

પ્રીત કરી દિલ થી સાચી.

મારા અંત સમયના બેલી,

હવે મેલો નહિ હડસેલી.

વ્હાલા મારા આટલું કરજો,

અંતર મહી હમેશા વસજો
………………………………….આરતી
Image

“કાળિયોનાથ”

Image

વણબોલ્યું જે સુણે રે,

વસતો દિલના ખૂણે રે..

તરસ્યા મુજ નૈન રે,

હૈયે શે’ રહે ચૈન રે..

શોધું “કાળિયોનાથ” રે,

ધોળ-કીર્તન છે સાથ રે..

વિસરી ખાન-પાન રે,

હરિદર્શન એ જ જ્ઞાન રે..

છોડું સર્વે નામ-ઠામ રે,

જાવું હરિને જ ગામ રે..
…………………………………………………….. _આરતી

“હાથોહાથ”

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

નિંદા તો જીભથી ટપકી,
કૂથલીમાં કદી ન અટકી,
કપટથી જ તોડ્યાં સ્નેહીના સાથ…
કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…
બ્રહ્મજ્ઞાન ક્યાંથી આવે ?
અહંકાર તો બહુ રે ભાવે,
હાથે કરીને જ થઈ છું અનાથ…કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

ઊંચ-નીચના ક્યારા કીધા,
કામ-ક્રોધના પ્યાલા પીધા,
કળિયુગનો જ પ્રતાપ ઓ નાથ…

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

મન ભૂતતણી પેઠે ભમતું,
મોહ-માયાના કોઠે રમતું,
હરિજનનો માંગી રહી છું સંગાથ…

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

સોના ઈંઢોણી ને રૂપાલાનું બેડું,
સાચું ઘરેણું છે હરિનામનું તેડું,
વાટ નિહાળું જોડી બે હાથ,
વિનંતી કરું છું સાથોસાથ…

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,

ભીની લાગણી આપજે સાથોસાથ…  _આરતી(૬.૯.૨૦૧૨)

Experience the Power of Soul

આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,મનથી મનને મેળવવું છે,
પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે. _આરતી(૨૨.૧.૨૦૧૨)Image