Archives

કરોના

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો!

આમ તો બેઠું છે ચોમાસું;
તો’ય વરતાય ઉનાળો,
આદુ-ફુદીનાની ચા છોડી;
ઉઠતાં વેંત પીવો પડે ઉકાળો,

માન્યું કે…
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો.

વાસીદું વાળે ઘરવાળી
ને; ઠામડાં ઘસે ઘરવાળો,
ઘેર ઘેર ગૃહસ્થીમાં;
થઈ ગયો મસમોટો ગોટાળો,

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો

માસ્ક ગ્લૉઝ પહેરીને;

કોરોના ને શક્ય એટલું ખાળો,

અકળામણ થાય તો;
દ્યો સરકારને બેચાર ગાળો;

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો

ભિન્ન ભિન્ન માનસિકતા;
શા’ને એમાં જીવ બાળો?
મળશે લાખો સલાહકારો;
વિચારીને કરવો સરવાળો,

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો

દુનિયા આખી છે ત્રસ્ત;
એટલે જ મચ્યો હોબાળો,
દોસ્ત; આપણી માટે તો
સૌથી સલામત આપણો માળો,

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો!
_આરતી પરીખ ૨૧.૭.૨૦૨૦

તાવ

સાહ્યબા, ત્હારી યાદમાં ચડ્યો સે’ તાવ,

રૂબરૂ નહિ તો સપને આવી તું સતાવ…


દિલે આપી લીલાં ઘાવ,

ચ્યમ હાંકી જાય સે’ નાવ?!


સાહ્યબા મ્હારા…

તું જલ્દી પાસો આવ..

તારી યાદમાં ચડ્યોસ તાવ…………..


આંસુડાથી શે’ ભરું હું ગામનું તળાવ?!

દિલને સમજાવુંસ.. મીઠી રાતો મમળાવ,


સાહ્યબા મારા..

પ્રેમ નીતરતો કાગળ તો મોકલાવ,

ત્હારી યાદમાં ચડ્યોસ તાવ…

રૂબરૂ નહિ તો સપને આવી સતાવ…..

~ આરતી પરીખ 

“દીકરી”

“દીકરી”

આંગણે આવી દિલમાં ટકોરાં કરે જરી,
‘દીકરી’ નામે આવી નાજુક નમણી પરી,

કદી લાગી નફિકરી, તો કદી એ અંતર્મુખી,
‘દીકરી’ નામે પરિવારને મળી પ્યારી સખી,

લો’ક છો’ને કહે, છે એ તો ‘પારકી થાપણ’
‘દીકરી’ નામે મળ્યું આખા કુટુંબનું ઢાંકણ,

પ્રભુતાના પગલે બંને પેઢીને ઉજાળશે; છે વિશ્વાસ,
‘દીકરી’ નામે મળી મીઠી અનુભૂતિ, મૌન અહેસાસ,

પથ્થર જેવાં પુરૂષની પણ ભીની થાય છે પાંપણ,
‘દીકરી’ જયારે આંગણે છોડી જાય એનું બાળપણ………..

……………………………………આરતી પરીખ(૧૮.૯.૨૦૧૩)

રાધાગોરી

રાધાગોરી

કનૈયો યશોદા મૈયા પાસે ફરિયાદ લઇ આવ્યો છે…

“રાધાગોરી”
~~~~~~~~

‘રાધાગોરી’ કહી જગ આખું માથે ચડાવે,
સુણ મૈયા…’રાધાગોરી’ મુને બહુ સતાવે…

પ્રીત રૂપે નીતરતી અધિકાર જતાવે,
‘કાળીયો કાળીયો’ કહી રોજ મુને ચીડાવે,
સુણ મૈયા…’રાધાગોરી’ મુને બહુ સતાવે…

‘હરી આવજો મારે સપને’
_કે’તી પે’લાં મુને વતાવે…
મટકી ફોડું…માખણ ચોરું… તો,
જગ આખે ચાડી ફૂંકી આવે,

‘કાળીયો ચોર’ કહી ગોકુળીયું ગામ ગજાવે…
મૈયા તું’ય ‘રાધાગોરી’ સામે મને દબડાવે…
સુણ મૈયા…’રાધાગોરી’ મુને બહુ સતાવે…

બંસરીના સુરે દીવાની
ગોપીઓને ભેગી લઇ આવે,
કદંબડાળે ઝૂલતી
ગોપીઓ વચ્ચે ગોરું મુખડું છુપાવે,

‘કાળીયા શોધ હવે’ _કે’તી ચાનક ચડાવે…
ઝાંઝર ઝમકાવતી વનવગડે રખડાવે….
સુણ મૈયા…’રાધાગોરી’ મુને બહુ સતાવે…

‘રાધેશ્યામ રાધેશ્યામ’ …
કહી જગ એને માથે ચડાવે,
‘રાધાગોરી’ની વાતે
તું’ય મારો કાન આમડતી જાવે,

સુણ મૈયા…તારો લાલ તુને કદી ના સતાવે,
સુન મૈયા…છો’ને ‘રાધાગોરી’ મુને સતાવે….

સુણ મૈયા…
‘કાળીયો કાળીયો’ કહી છો’ને જગ આખું મુને બુલાવે,
‘રાધાગોરી’ નામ પર તારા કાન્હાનો જ હક્ક આવે…
………………………………………………………..આરતી(૧૧.૬.૨૦૧૩)

“વિરહિણી”

ઓ સાહ્યબા મારા….
મનમાં ફૂંટતી લીલી લીલી કુંપળ લખ ને,
શબ્દે સજી લાગણી ભીનો કાગળ લખ ને,
રાતભર તડપતાં આંસુ’ય કાળા લાગે રે
હવે તો સોનેરી સવારની ઝાકળ લખ ને…..
ઓ સાહ્યબા મારા…
આકાશી પ્રીતથી છલોછલ એક વાદળ લખ ને,
રણમાં રહેવાં થોડાં લીલાં-સૂકાં બાવળ લખ ને,
કુદરતની કરામત પણ તારા વિના છે ઝાંખી રે
હવે તો ધરાના’ય સંતોષ કાજ તું’ય વિહવળ લખ ને…
ઓ સાહ્યબા મારા….
સાહ્યબો નહિ તો શું કહું?! કૈક આગળ લખ ને,
તારા આગમનની કંઇક તો અટકળ લખ ને,
જીવતર આખું લખી આપું તારે જ નામ રે
હવે તો જયમાલા નામે પ્રીત-સાંકળ લખ ને…
ઓ સાહ્યબા મારા….
હવે તો તું’ય છો થોડો વિહવળ લખ ને….
ઓ સાહ્યબા મારા….
હવે તો શિષ્ટાચાર છોડી કૈક આગળ લખ ને ….  _આરતી(૨૬.૧૧.૨૦૧૨)
Image

“મને’ય લાગ્યો પ્રેમરોગ……”

કંકુ-કાજળ ને છે ઘુંઘરીયું નાડું નહેરી,
પરણ્યાને કરું પાણીપાણી સાડી પહેરી,

નફફટ થઈ ઇશારા કરે પાછું વળીવળી
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
સાસુ મારી આળસુ ને આમેય થોડી બહેરી,
ખાટલે સુતો સસરો છે મનનો સાવ લહેરી,
વાસીદું શે’ કાઢું, આ નવી સાડી પહેરી ?!
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
જેઠિયો મારો જમાદાર આ ઘરનો છે પહેરી,
જાડી જબરી જેઠાણી આજ લાગે છે મહેરી,
ઠામડાં શે’ માન્જું, આ ભારે સાડી પહેરી ?!
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
નણંદી નખરાળી કામ વધારે એવી કહેરી,
દિયરીયાને બાવડે ટેટું, છે રંગીલો શહેરી,
કપડાં શે’ ધોવા, આ રંગીલી સાડી પહેરી ?!
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
કંકુ-કાજળ ને છે ઘુંઘરીયું નાડું નહેરી,
પરણ્યાને કરું પાણીપાણી ?! રાતી સાડી પહેરી,

કામણ કરીશ એવું, અન્ન થાય એનું વેરી
મને લાગ્યો એવો પ્રેમરોગ છે માદક ઝહેરી….
………………………………………………. _આરતી(૧૬.૫.૨૦૧૨)

અનેરો સંબંધ

છોકરી : ઓ …છોરા, ખારાશ મીટાવવાનો કર્યો છે પ્રબંધ,
અલ્યા, હવે તો લખ પ્રેમસભર કવિતા ને નિબંધ..

છોકરો : છોરી..મીઠાશમાં તારી મોણનો વધુ કર પ્રબંધ,
ખારાશ મેળે ઓગળી જાહે ને પ્રેમ રેહે અકબંધ..

છોકરી : ઓ છોરા.. વાંસળીના સુરે ગોપી તો છે પ્રેમાંધ,
છો’ને તારું નામ રહે મીરાં-રાધા નામે અકબંધ…

છોકરો :ઓ…છોરી, પ્રેમ ના પ્રવાહમાં બની જા અંધ,
અલી,ભીનાશને તો પ્રેમ સાથે સીધો સંબંધ..
છોકરી :ઓ છોરા…જીંદગીમાં જાળવશું એવો સંબંધ,
કદી ન આવે એમાં ઉપેક્ષા કે અપેક્ષા ની ગંધ !!
……………………………………………………………….._આરતી પરીખ અને રાજુ કોટક (૧૪.૧૦.૨૦૧૨)

“ઓ છોરા, શે’ રહેશો કોરા ?!”

Image
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
કવિની કોમળ કવિતા છું હું,
સ્નેહની શીતલ સરિતા છું હું,
મનથી મુગ્ધ મુદિતા છું હું,
છાની શે’ રાખીશ તારા દિલની વાત ઓ છોરા..
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
દર્પણ સામે તારા આ દિદાર તો જો,
વિરહથી ઉની ઉની અશ્રુધાર તો જો,
જરામાં છેડાયા ઉર-વીણાના તાર તો જો,
બંધ શે’ રાખીશ તારા દિલના દ્વાર ઓ છોરા..
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
સામી મળું તો ઠાલું શરમાય છે,
સપને મળું તો મીઠું હરખાય છે,
આંખોથી કેમ આવું કતરાય છે ?!
છેટું શે’ રાખીશ તારા દિલને મુજથી ઓ છોરા…
 
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
………………………………………………………………………._આરતી(૨૯.૯.૨૦૧૨)

 

“હેતના હલેસાં”

પ્રિતમ પ્રેમે જિંદગી બની સાવ સહેલી,
હેતના જ હલેસે હાંકી છે નાવ પહેલી…
~
હું બનેલો વૃક્ષ ને તું ડાળ ઝુકેલી,
જિંદગીએ માણી વસંત પહેલવહેલી…
પ્રિતમ પ્રેમે જિંદગી બની સાવ સહેલી,
હેતના જ હલેસે હાંકી છે નાવ પહેલી…
~
આંખો બંધ કર્યે એક સૂર્ય ઉગે છે રોજ,
યાદ છે એ વાત મેં તને કાનમાં કહેલી…
પ્રિતમ પ્રેમે જિંદગી બની સાવ સહેલી,
હેતના જ હલેસે હાંકી છે નાવ પહેલી…
~
આંખોઆંખોમાં કરેલી એ મીઠી વાતો,
આંગળીઓ પરોવી કેવી રેતમાં છાપેલી…
પ્રિતમ પ્રેમે જિંદગી બની સાવ સહેલી,
હેતના જ હલેસે હાંકી છે નાવ પહેલી…
~
મેં જ્યાં તારી આંખમાં આંખ પરોવેલી,
પેલી વાદળી અમથું અમથું શરમાયેલી…
પ્રિતમ પ્રેમે જિંદગી બની સાવ સહેલી,
હેતના જ હલેસે હાંકી છે નાવ પહેલી…
~
સપને સતાવી આલિંગને એવી જકડેલી,
ગુલાબી ચાદરે પણ માદક સળ પાડેલી…
પ્રિતમ પ્રેમે જિંદગી બની સાવ સહેલી,
હેતના જ હલેસે હાંકી છે નાવ પહેલી…
…………………………………………………………………………
_આરતી પરીખ & સાકેત દવે (૨૨.૯.૨૦૧૨)
Image