Archives

જીવનમંત્ર

આપણો એવો વહેવાર બને,
આંખો મળે ને તહેવાર બને.

હળતાં મળતાં રહીએ એવાં,
દિલના સંબંધ અપાર બને.

સંવેદનાઓને ઘૂંટ્યા કરવી,
વિચાર એમ જ ધારદાર બને.

વર્તણૂકથી જ વહેતો કર્યો જેને,
સમય થતાં એ જ સુવિચાર બને.

એક માત્ર ઈચ્છા ‘આરતી’ની,
નિરાધારનો કદી આધાર બને.
~
આરતી પરીખ
૧૦.૧.૨૦૧૬

મસ્ત તું આજ ને રાખજે

ગાલગા ગાલગા ગાલગા

સાંચવી સાંજ ને રાખજે,
હોંઠ પર મૌનને રાખજે,
~
તુટશે લાખ શમણાં છતાં
આંખમાં આભને રાખજે.
~
ચિંધશે રાહ ખોટો કદી 
કેળવી આંખ ને રાખજે.
~
થાય ઈર્ષા કદી દોસ્તને
ધ્યાનમાં વાત ને રાખજે.
~
જીતશું આખરી દાવ પણ
સાંચવી આગ ને રાખજે.
~
પળ બધી થઈ જશે આગવી
મસ્ત તું આજ ને રાખજે.
~
જીતવો હોય જો જંગ તો
દાવમાં જાત ને રાખજે.
~~~~~~~~~~~~
આરતી પરીખ & પીયુષ પરમાર
(૨૦૧૨)

નથી વગ !!

ઉડે ખગ,
ઉઠે ડગ.
મળે તક
ધરો પગ.
રહે હઠ
લગોલગ.
કરમ કર
નથી વગ !!
કસર  રહિ
હસે જગ !!
~~
લગાલલ
~~
પગ ધરવો = પ્રવૃત થવું
………………………………………………………………………_આરતી પરીખ(૧૭.૨.૨૦૧૪)

કદી ન બહેકે…

કદી ન બહેકે...

ઘમંડી સમજ મા,
છું વ્યસ્ત ફરજમાં,
..
દિવસ ગણતરીના
છે જીવન તરજમાં,
..
નથી તું નમેરો
અકારણ ગરજ મા,
..
ન બંસી ન રાધા
મળે રામ રજમાં,
..
કદી ‘આરતી’ ન
બહેકે સહજમાં !! _આરતી(૧૯.૫.૨૦૧૩)
~~
નમેરો = નિર્દય, ક્રુર, ઘાતકી
(એક નમેરી નાર, ભોળવે પિયુને ભ્રાંતે ; એક જુવતી કરે જાર, ખાર રાખે દિલ ખાંતે. – નરસિંહ)
~~
છંદ : લગાગા લગાગા

ખીલે રણમાં…

શબ્દોની કમી નથી,

અફવાઓ શમી નથી,

ચોરો કાન ફૂંકતો

વાતોમાં ભમી નથી,

ચકરાવે ચડી લડે
નાદાની ખમી નથી
ભાગીદાર જ ઠગે
એ રમતો રમી નથી,

ખીલે રણમાં ‘આરતી’

આંખોમાં નમી નથી.
……………………………………………………………………………………..      _આરતી(૨૩.૬.૨૦૧૨)
~~
ગાગાગા લગા લગા
~~
ચોરો = ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા
કાન ફૂંકવા = ઉશ્કેરવું, છૂપી મસલત કરવી, ભમાવવું
ચકરાવો = ભ્રમ, ખોટો ખ્યાલ


Image

શાન

એક ઘર બાંધવું આંખ માં,
એમ નભ આંબવું શાખ માં,

છે પતનની નિશાની સદા
તો, ઈર્ષાથી હવે ઝાંખ માં,
કૂથલી તો વગોવે ઘણી
માંયલો કાદવે નાખ માં,

આખરી દાવને ખેલવા
હામ ને સાચવું પાંખ માં,

જિંદગી જીવવી શાનથી,
છે અલગ ‘આરતી’ લાખ માં.  _આરતી(૨૪.૬.૨૦૧૨)
~~
ગાલગા ગાલગા ગાલગા
~~
શાખ = આબરૂ, વિશ્વાસ, ભરોસો
શાન = ભભકો, પ્રતિષ્ઠા,
માંયલો = અંતર, હૃદય