Archive | July 21, 2020

કરોના

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો!

આમ તો બેઠું છે ચોમાસું;
તો’ય વરતાય ઉનાળો,
આદુ-ફુદીનાની ચા છોડી;
ઉઠતાં વેંત પીવો પડે ઉકાળો,

માન્યું કે…
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો.

વાસીદું વાળે ઘરવાળી
ને; ઠામડાં ઘસે ઘરવાળો,
ઘેર ઘેર ગૃહસ્થીમાં;
થઈ ગયો મસમોટો ગોટાળો,

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો

માસ્ક ગ્લૉઝ પહેરીને;

કોરોના ને શક્ય એટલું ખાળો,

અકળામણ થાય તો;
દ્યો સરકારને બેચાર ગાળો;

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો

ભિન્ન ભિન્ન માનસિકતા;
શા’ને એમાં જીવ બાળો?
મળશે લાખો સલાહકારો;
વિચારીને કરવો સરવાળો,

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો

દુનિયા આખી છે ત્રસ્ત;
એટલે જ મચ્યો હોબાળો,
દોસ્ત; આપણી માટે તો
સૌથી સલામત આપણો માળો,

માન્યું કે,
ઘેર બેઠા કામ કરીને
આવે છે કંટાળો!
_આરતી પરીખ ૨૧.૭.૨૦૨૦