Archive | January 25, 2018

शब्द

जीवन थाल-
रिश्ते तोड़े सँवारे
शब्द जायका
© आरती परीख २५.१.२०१८

“તથાસ્તુઃ”

૨૦૧૨ માં લખેલી આ રચનાના શબ્દે શબ્દનો મેં જે અનુભવ્યો હતો તે જ ભાવ બરાબર પકડીને મારી આ રચનાનો અનેરો આસ્વાદ કરાવવા બદલ હું વડિલ મિત્ર કૌશિકભાઈનો સહ્રદય આભાર વ્યક્ત કરું છું.

આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,
મનથી મનને મેળવવું છે,

પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે.
©આરતી પરીખ

~~~~~~~~~~~~~~~

આરતી પરીખ મૂળ તો ‘હાઈકુ’ના ચાહક અને હાઈકુના સફળ સર્જક. તેમની હાઇકુ, લખાણ અને વખતો વખત fb ઉપર મુકાતી ચિંતનકણિકાઓમાંથી આધ્યાત્મના સુત્રો જડી આવે ખરા. પણ સાંગોપાંગ ‘સ્વત્વ’ને સમર્પિત હોય તેવી મારા વાંચવામાં આવી હોય તેવી આ પહેલી રચના હશે. કાવ્ય પ્રકારનું નામ પાડ્યા વગર ‘રચના’ શબ્દ વાપરું છું કારણ કે તેમાં છંદ ગેર-હાજર છે તેમ કહેવાય એવું નથી, અને સમગ્ર રચનાને ધ્યાને લઈએ તો છંદની માવજત થઇ હોય તેમ પણ નથી. ક્યાંક, વચ્ચે વચ્ચે, આગિયાની જેમ ઝબકી જતા ગઝલના તત્વો, રચનાને ‘ગઝલ’ તરફ દોરી જશે તેમ લાગે. પણ, ના, આરતીબેન રાજમાર્ગના કવિ નથી. તેમને તેમની પોતાની ‘કેડી’-યાત્રામા વધારે મોજ આવે છે…
અને આવા કાવ્ય શાસ્ત્રના બંધારણને લગતા અ-રસિક નિયમોને ઘડીક કોરાણે મુકીએ અને કવિતાના પ્રવાહમાં ઝંપલાવીએ તો નાનકડા, પાતળા ઝરણાં જેવી દેખાતી કવિતાનો પ્રવાહ વાચકને ‘ડુબાડી’ દઈ શકે એટલો ઊંડો અને ગંભીર છે- એવું દેખાઈ આવશે.
આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

આ કવિતા સ્વગતોક્તિ થી શરુ થાય છે …’હજુ કેટલું બળવું છે?’ કવિતાના હવે પછીના ચરણો તપાસીએ તો જણાશે કે કવિ અહીં ‘બળવું’ શબ્દ ‘જીવવું’ના પર્યાય તરીકે વાપરે છે. બીજી કડીમાં આવતા ‘ભળવું’ શબ્દ સાથે પ્રાસ મેળવાય છે. અને ઘણી ક્ષણો જીવનમાં એવી આવે છે જયારે ‘જીવવું’ બળવા જેવું દાહક જણાય. આજ ભાવને ‘માટી મહી કદી કોઈને સ્વેચ્છાથી ભળવું છે?’ એવો બીજો પ્રશ્ન પૂછીને પહેલા પુછેલા પ્રશ્નને સમજવો સરળ બનાવે છે.
મનોવિજ્ઞાનના શોખીનો આ પ્રશ્નોમાં suicidal tendency શોધી કાઢે એ પહેલા, મને કહી દેવા દો કે ઘડીક તમારા મનોવિજ્ઞાનને મુકો તડકે, અને જુવો કે આ પ્રશ્ન ‘તત્વજ્ઞાન’- કે ‘આત્મજ્ઞાન’ના સિલેબસનો છે! તમારા જ્યુરીસડીક્ષનની બહાર છે, કવિની આ કવિતા.
બીજા ચરણમાં કવિ એક્ષ્ચેન્જ ઓફરની માંગણી કરતાં હોય તેમ બિન્દાસ કહે છે:
અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,
મનથી મનને મેળવવું છે,
પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે.

સ્વનું ઓગળવું, મનથી મનને મેળવવું, અહંને બહાર ઢોળાવું, નવું અસ્તિત્વ રળવું, પ્રેમથી જગમાં વરસવું છે, અકળ છે એને કળવું છે, જીવથી શિવમાં ભળવું છે…. આટલું લાંબુ કવિનું શોપિંગ લીસ્ટ છે. અને કવિની પર્સમાં મૂડી કેટલી છે? ‘અત્યારના અસ્તિત્વ’નું નાણું લઈને શોપિંગમા નીકળેલા કવિ આપણને મુઝવી દઈ શકે, જો આપણે અધ્યાત્મનો કક્કો પાકો ન કર્યો હોય…
બધા શોપિંગ લીસ્ટને પોતાનામાં સમાવી લેતી ‘ઓલ-ઇન-વન’ જેવી માંગણી કવિની છે- ‘જીવથી શિવમાં ભળવું છે’.
ઈર્ષારૂપી પર્ણને ખેરવી નાખવાની તૈયારી હોય, સ્વ-ને ઓગાળવાની પ્રતિબધ્ધતા હોય, બધું મળે પછી ‘જગત ઉપર વરસી પડવાની’ આતુરતા હોય— આ બધા અધ્યાત્મની દુનિયામા ચાલતા ક્રેડિટ-કાર્ડ છે.. સાવ ખાલી પર્સ લઈને આવો, આટલા સંકલ્પના ક્રેડિટ-કાર્ડ લાવો અને ‘જાતને ખોવાની તૈયારી’ બતાવો ..
મારી એક કવિતામાં મેં ધ્રુવ પંક્તિ મૂકી હતી..’મને મટી ને મ્હોરવાનું મન’– કૈક એવા જ ભાવને લઇ આવેલી આ કવિતા મને ગમી, બધાને ગમશે જેઓને ક્યારેક પણ પોતાના શરીરી અસ્તિત્વની પાર શું છે તે જાણવાની ઝંખના થઇ હોય.
મારા આશીર્વાદ ફળતા હોત તો ‘જીવમાંથી શિવમાં ભળવું છે’—એ કડી વાંચીને મેં ‘તથાસ્તુ’ કહ્યું હોત!
©કૌશિક દીક્ષિત