કટોકટી: એક ન ભૂલવા જેવો ઈતિહાસ 

આજે કટોકટીને ૪૨ વર્ષ પૂર્ણ થયા. ભારતનાં ઈતિહાસમાં ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્‍દિરાજીને પાકિસ્‍તાનના બે ટુકડા કરનાર રણચંડી તરીકેની, શીખ ત્રાસવાદના મુળીયા ઉખેડવા ઓપરેશન ‘બ્‍લુસ્‍ટાર’ કરનાર લોખંડી મનોબળના માલિક તરીકે ઓળખાવાયા તો બીજી તરફ વિશ્વના મોટા લોકશાહી દેશ એવા ભારતમાં ૧૯૭૫માં કટોકટી લાદનાર આપખુદ અને જુલ્‍મી રાજકારણી પણ કહેવાયા. ૨૫ જૂન ૧૯૭૫નાં દિવસે લદાયેલી કટોકટી ભારતના જનમાનસમાંથી ભુલાય નહીં માટે ૨૫ જૂનને ‘કાળો દિવસ’ તરીકે મનાવવાનું શરૂ કર્યુ છે. લોકશાહી અને માનવીય મૂળભૂત અધિકારો પર તરાપ સમાન ગણાવાઈ એ કટોકટીને કેટલાક બુદ્ધિજીવીઓ ગાંધીજીના અસહકાર આંદોલન પછી દેશ જે રીતે શિસ્‍તવિહીન થઈ ગયેલો તેને શિસ્‍તબદ્ધ કરવાનું ક્રાંતિકારી પગલુ ગણાવે છે. વિનોબાભાવે જેવા સાધુચરિત્રે તેને ‘‘અનુશાસન પર્વ” ની શરૂઆત ગણાવી હતી. 

.

મુખ્ય ચૂંટણી કમિશ્નર  શ્રી શેષન જ્યાં સુધી  મુખ્ય ચૂંટણી કમિશ્નર  થયા ન હતા ત્યાં સુધી એટલે કે નહેરુ-ઈન્દીરાના સમયમાં ચૂંટણીલક્ષી દરેક બાબતોમાં લાલીયાવાડી ચાલતી હતી. તેનો લાભ કોંગ્રેસ પુષ્કળ લેતી હતી. ઈન્દીરા ગાંધીએ પણ ૧૯૭૦ની ચૂંટણી લડવામાં અનેક ગેરરીતીઓ આચરેલી. 

.

ઈન્દીરાના પ્રતિસ્પર્ધી રાજનારાયણે આ ચૂંટણીને અલ્હાબાદ ઉચ્ચ અદાલતમાં પડકારેલી. એક બાજુ જયપ્રકાશ નારાયણનું આંદોલન ચાલતું હતું અને બીજી તરફ અલ્હાબાદ ઉચ્ચ અદાલતનો ચૂકાદો આવ્યો. આ અદાલતે ઈન્દીરા ગાંધીની લોકસભાની સદસ્યતા ગેરરીતીઓને કારણે રદ કરી. આ ઉપરાંત ગેરરીતીઓ આચરવા બદલ ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ગેર લાયક ઠેરવ્યાં. એવું લાગે છે કે ઈન્દીરા ગાંધીને તેના જાસુસી સુત્રોથી આ આવનારા ચૂકાદાની માહિતી હશે. કારણ કે જેવો ચૂકાદો જાહેર થયો તેના ગણત્રીના કલાકોમાં દેશ ભરની દિવાલો ઉપર પોસ્ટરો લાગી ગયાં કે “ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે.” “જનતાની ઈચ્છાને માન આપીને  ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે”. ઓલ ઈન્ડીયા રેડીયો કે જે “ઓલ ઈન્દીરા રેડીયો” તરીકે ઓળખાતો હતો તેની ઉપર દરેક રાજ્યની કોંગ્રેસ પ્રદેશ સમિતિએ કરેલા ઠરાવોનો મારો પ્રસારિત થવા લાગ્યો કે “ઈન્દીરાગાંધીમાં પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે અને તે વડાપ્રધાન પદ ઉપર ચાલુ રછે.” ઈન્દીરા ગાંધીની આ વાત દલા તરવાડી જેવી હતી. ૨૫મી જુને મધ્ય રાત્રીએ દેશવ્યાપી કટોકટી લાદવામાં આવી. અને પછી તો કોના બાપની દિવાળી. ઈન્દીરા ગાંધીની ભાટાઈ કરતા પોસ્ટરો ઉપર પોસ્ટરો  લાગવા માડ્યાં.

.

કટોકટીના જાહેર કરેલા કારણો એ હતાં કે દેશના અહિત ઈચ્છનારાઓ લશ્કરને બળવો કરતા ઉશ્કેરતા હતા. વિપક્ષી નેતાઓ સરકારી નોકરોને કાયદાના ભંગ માટે ઉશ્કેરાતા હતા.  વિપક્ષી નેતાઓમાં અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ પ્રજાને અશિસ્ત માટે ઉશ્કેરતા હતા. સર્વત્ર અરાજકતા ફેલાવવામાં આવી હતી. ઔદ્યોગિક ક્ષેત્રે અને વહીવટી ક્ષેત્રે અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ વિદેશી તત્વોના હાથા બની ગયા હતા.  આ બધા કારણોથી દેશમાં બાહ્ય અને આંતરિક કટોકટી લાદવામાં આવેલી.

.

આ કટોકટી લાદવા જે વટહુકમ તૈયાર કરવામાં આવેલો તે માટે કેબીનેટની મંજુરી લેવામાં આવી ન હતી. તેને સીધો જ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી અહેમદ પાસે લઈ જવામાં આવ્યો હતો. તે વખતે રાષ્ટ્રપતિ સ્નાન કરી રહ્યા હતા. એક કાર્ટૂન એ પ્રમાણે હતું કે બાથરુમના અધખુલ્લા બારણામાંથી વટહુકમના કાગળને રાષ્ટ્રપતિ તરફ અંબાવીને કાગળ ઉપર સહી લેવામાં આવેલી. આ કટોકટી અંતર્ગત બંધારણીય અધિકારો રદ કરવામાં આવ્યા. સભા, સરઘસ કે પ્રદર્શન કે સરકાર વિરોધી કોઈપણ વાત પર સંપૂર્ણ બંધી હતી. કોઈપણ સમાચાર સરકારની ચકાસણી  વગર અને મંજૂરી વગર છાપવાની બંધી હતી. તેથી સમાચારની બાબતમાં અંધારપટ હતો. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા.

.

કટોકટી દરમ્યાન ઑલ ઈન્ડીયા રેડીયો તો ઈન્દીરાઈ જાગીર હોય તેમ જ વર્તતો હતો. ઈન્દીરા ગાંધીના પૂત્રના ૪ મુદ્દાનો કાર્યક્રમ અને ઈન્દીરા ગાંધીનો ૨૦ મુદ્દાનો કાર્યક્રમ. રેડીયો ઉપર આ જાહેરાત અવારનવાર આવતી પણ તમે એમ કહી ન શકો. આમજનતા ભયભીત હતી. સૌ રાજકારણથી ડરતા હતા. સૌને એવો ડર હતો કે લોકલ ઈન્ટેલીજન્સવાળા ક્યાંક છૂપાઈને બેઠા હશે અને આપણી વાત સાંભળી જશે તો આપણને જેલમાં ઠોકી દેશે. રાજકારણની વાતને એક અછૂત વિષય બનાવી દીધો હતો. રાજકારણે અને તેના લગતા આંદોલનોએ દેશને કેટલું બધું નુકશાન પહોંચાડ્યું તેની અખબારી મૂર્ધન્યો ચર્ચા કરતા હતા. સરકાર વિષે પરોક્ષ રીતે પણ બોલવામાં લોકો ડરતા હતા. વિપક્ષના લોકો તો કાં તો જેલમાં હતા અથવા તો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કટાર લેખકો પોતાની કટારો બચાવવા રાજકારણના કે સમાજ શાસ્ત્રના વિષયો છોડી, ફાલતુ વિષયો ઉપર ચર્ચા કરવા માંડ્યા હતા. કોઈપણ વિષયમાં ચર્ચા થાય ત્યારે એ વાત ખાસ ધ્યાનમાં રખાતી કે સરકારની વિરુદ્ધમાં પરોક્ષ રીતે પણ કંઈ લખાઈ જતું તો નથી ને! એક અખબારે લખ્યું “કટોકટીને એક વર્ષ પૂરું થયું” તો તેની ઉપર સરકારી પસ્તાળ પડી. સમાચાર પત્રોના તંત્રીઓ અને માલિકો ને નમવાનું કહેલ તો તેઓ ચત્તાપાટ સાષ્ટાંગ દણ્ડવત્‌ નમસ્કાર કરવા લાગ્યા. 

.

“કટોકટી” ના સમયમાં ઇન્દિરા સરકારે ફેલાવેલી અફવાઓનું જોર હતું.

.

(૦૧) “એક ફરિયાદ આવે એટલે પહેલાંતો કર્મચારીને સસ્પેન્ડ જ કરવામાં આવે છે.”

(૦૨) “જે ત્રણ વખત મોડો આવે તેને પણ સપ્સેન્ડ કરવામાં આવે છે.”

(૦૩) “જે અરજી વગર અને રજા વગર ગેરહાજર રહે તેને ડીસમીસ કરવામાં આવે છે.

(૦૪) “ટ્રેનો સમયસર દોડે છે.” જો ટ્રેન મોડી પડે તો ડ્રાઈવર અને ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવે છે.”

(૦૫) અમદાવાદના ઈન્કમટેક્સ ટ્રાફિક સર્કલ ઉપરના ચાર રસ્તા ઉપર, દરેક રસ્તા ઉપર બંને બાજુએ એક એક પોલીસ સામસામે દોરડાનો એક એક છેડો પકડી વાહન ટ્રાફિકને લાલ લાઈટ હોય ત્યારે ઝીબ્રા માર્કીંગથી આગળ વધતો રોકતા હતા. અને લીલી લાઈટ થાય ત્યારે જ જવા દેતા હતા.

.

આવા દૃષ્યો જોઈને આપણા એક ગુજરાતી “તડફડ”વાળા કટાર મૂર્ધન્ય લેખક અતિપ્રભાવિત થયેલ. અને કટોકટીને બિરદાવેલ કે જુઓ કટોક્ટી છે તો પોલીસો જનતાને કેવા શિસ્તમાં રાખી શકે છે. એટલે કે અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલ પાસે ટ્રાફિકનું દોરડાઓથી નિયમન કરવા માટે કટોકટી લાદવી જરુરી હતી. હવે જે દેશમાં કટારો લખતા મૂર્ધન્યોની આ કક્ષા હોય તે દેશમાં કટોકટી લાદવાની હિંમત કોઈ પણ કરી શકે. સરકાર કે સરકારમાં બેઠેલ પક્ષનો (કોંગ્રેસનો) કોઈ વ્યક્તિ અશિસ્ત કરે એ વાત કરી શકાય જ નહીં. જગજીવનરામે ખુદ કહેલું કે જો હું કટોકટી વિરુદ્ધ બોલું તો મારે માથે જાનનું જોખમ હતું. વાતો એવી ઉડતી આવતી કે યશવંતરાવ ચવાણ કટોકટીની વિરુદ્ધમાં હતા. તેમનો ભય પણ જગજીવનરામ જેવો જ હતો. પણ આવી કોઈ વાતોને લગતો કોઈપણ અંદેશો આપવાની અખબારોમાં હિમત ન હતી.  કટોકટી વખતે આમ જનતાને કાને અવારનવાર અથડાતો શબ્દ હતો “અશિસ્ત”. ફક્ત પ્રજાની અશિસ્તને જ અશિસ્ત ગણવી એવો શિરસ્તો હતો.    

.

આ કટોકટી ભૂતકાળ થઈ ગઈ છે. તેને શા માટે યાદ કરવી?

.

આ વાત કરવા જેવી છે. અને સદાકાળ યાદ રાખવા જેવી છે. કારણકે આ કોંગ્રેસીઓ પોતે જોડી કાઢેલી વિવાદાસ્પદ વાતો પણ ચગાવે છે. ૧૯૪૨ની ચળવળમાં કોઈ બીજો બાજપાઈ માફી પત્ર આપીને જેલમાંથી પેરોલ પર આવેલ. અટલ બિહારી બાજપાઈએ આ વાતનું સ્પષ્ટીકરણ કરેલ કે “ભાઈ એ હું ન હતો”. તો પણ ૧૯૯૯માં કોંગ્રેસે આ વાત ચગાવેલ. મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાનની સ્પર્ધામાં હતા ત્યારે તેમના પુત્રના નામે અનેક અફવાઓ ફેલાવવામાં આવતી. મોરારજી દેસાઈને ખોટી રીતે  બદનામ કરવામાં આવતા હતા. મોરારજી કાપડની મીલ ના માલિક મોરારજી દેસાઈ છે તેવી વાત ફેલાવાતી હતી. વી. પી. સીંઘ ને તેમનું સેન્ટ કીટમાં (વિદેશમાં) ગેરકાયદેસર ખાતું છે. તેવી અફવા ફેલાવેલી. નરેન્દ્ર મોદીએ સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવેલ અને તોફાનો કરાવેલ તેવી અફવા આજે પણ કોંગ્રેસીઓ અને તેમના દંભી સાગરીતો ફેલાવે છે. મોદીનો ૨૦૦૨ ની વાતથી કેડો મુકતા નથી. કારણ કે મતોનું રાજકારણ અને લોકોમાં વિભાજન કરવામાં જ તેમની સત્તાનો રોટલો શેકાય છે. આરએસએસના એક સભ્યે ગાંધીજીનું ખુન કર્યું. ગાંધીજીને મારી નાખવા એવો આરએસએસનો કોઈ પ્રસ્તાવ ન હતો કે ન કોઈ યોજના હતી. તો પણ આરએસએસને ગોડસેને કારણે બદનામ કરવામાં આવે છે. હવે જો આ તર્ક આગળ ચલાવીએ કે ન ચલાવીએ તો પણ કોંગ્રેસના વડાપ્રધાન સહિતના ઉચ્ચ હોદ્દેદારો તો દુનિયાના ઈતિહાસમાં થયેલા બધા જ ગુના કરી ચૂક્યા છે. તો આ કટોકટીની સાચી વાત કેમ ભૂલાય?

(સંકલિત) ડૉ જયેશ શાહ, વડોદરા

Advertisements

One thought on “કટોકટી: એક ન ભૂલવા જેવો ઈતિહાસ 

  1. સંકલન સારું કર્યું છે. મારા લેખોમાંથી પણ ઉદ્ધૃત કર્યું છે તેનો ઘણો આનંદ પણ છે અને થોડું કઠ્યું પણ ખરું કે મારું નામ ન લખ્યું. જો લખ્યું હોત તો થોડો વધુ ઘણો આનંદ થાત. પણ કંઈ વાંધો નહી. વિચાર પ્રસાર એ જ વાસ્તવમાં ધ્યેય હોવું જોઇએ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s