આજે વધારાનું ઘણું કામ નીકળી આવ્યું…
અઢળક કામ..
એક પૂરું કરું ત્યાં બીજું દેખાય…
ક્યારેક તો થયું કે,
આ ૨૪ કલાકની ગૃહિણીની જિંદગી કરતાં તો working womanની જિંદગી સારી જ હશે….
કદાચ કોઈ કામ અધૂરું રહી ગયું તો,
“ઓફિસથી થાકીને આવી હતી નું બહાનું તો મળે?!”
જેમ-તેમ કામ પતાવી સમય જોયો તો, બપોરે ૧.૩૦ થઈ ગયેલાં..
કામ.. કામ ને કામ…
એમાં તો આજે સવારે નાસ્તો કરવાનું પણ ભૂલી ગયેલી..
વિચાર્યું,
‘દીકરીઓ સ્કુલથી આવે એ પહેલાં જમી લઉં નહિ તો જમતાં-જમતાં પણ ૪ વાર ઉઠવું પડશે..’
કકડીને ભૂખ લાગી હતી,
થાળી પીરસી જમવાનું ચાલુ કરું…
પહેલો જ કોળીયો હોંઠે……
ત્યાં તો…
મારી દીકરીઓનો અવાજ સંભળાયો…
બંને લડતી-ઝગડતી, ધમાલ-મસ્તીમાં આવી પહોંચી…
અચાનક મારો હાથ ખેંચી,
“માતુશ્રી, માતાજી…મમલી…આઆઆ…”
……પહેલો કોળીયો ખાઈ ગઈ…
હું એક ક્ષણમાં જ ૧૭ વર્ષનો મોટો કુદકો મારી,
..પપ્પાની તોફાની, નખરાળી, થોડી અલ્લડ …લાડકી દીકરી બની ગઈ…
એક નટખટ મુસ્કાન…આંખોમાં અલ્લડ અદા…
પપ્પા જમવા બેસે ને પહેલો કોળીયો હંમેશા હું જ….
ત્યાં તો અચાનક,
મારા મોઢામાં એક કોળીયો…
“મારી મમલીને હપ્પા…”
મારા પપ્પાથી જોજનો દૂર વસતી હું,
એ ટચુકડી આંગળીઓમાં પપ્પાનો પ્રેમાળ સ્પર્શ પામી ગઈ.
Happy Father’s Day
…………………આરતી પરીખ