મારા ઉપર (જયેશ શાહ, વડોદરા) છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા (પરંતુ જેનો સૂર એક જ છે તેવા) સંદેશાઓ વોટ્સ એપ અને ફેસબુકમાં ઢગલામાં મળી રહ્યા છે.
જેના નમુના:
“ક્રિસમસ ટ્રી આપણું નથી. આપણે તુલસીમાં દીવા કરીએ છીએ તો તેઓ તેને અંધશ્રદ્ધા ગણે છે. એ લોકો ક્રિસમસ ટ્રીમાં દીવા કરે અને તેને શણગારે તો તે અંધશ્રદ્ધા ન કહેવાય….આપણે કશું પણ કરીએ તો અંધશ્રદ્ધા કહેવાય…વિ. વિ…”…….
“નવું વર્ષ આપણાથી ન ઉજવાય. તેઓ દિવાળી ઉજવે છે? ચૈત્ર સંવત્સર ઉજવે છે? આપણાથી એમના નવા વર્ષની પાર્ટી ન થાય…વિ. વિ…”
આ અંગે મારે કઈ લખવાની ઈચ્છા ન હોતી.
પરંતુ એટલા બધા મેસેજ મળ્યા એટલે મને થયું કે હવે તો તેનો જવાબ આપવો જ પડશે.
કેટલાંને ખબર છે કે આ પૃથ્વીની ઉંમર ૪૫૩.૪ કરોડ વર્ષ છે? કેટલાંને ખબર છે કે હિંદુ પદ્ધતિ પ્રમાણે આ પૃથ્વી ઉપર ત્રણ યુગ થઇ ગયા અને ચોથો યુગ ચાલે છે? પહેલો સતયુગ જે ૧૭.૨૮ લાખ વર્ષ ચાલ્યો. બીજો ત્રેતાયુગ જે ૧૨.૯૬ લાખ વર્ષ ચાલ્યો. ત્રીજો દ્વાપર યુગ કે જે ૮.૬૪ લાખ વર્ષ ચાલ્યો. આમ આ ત્રણ યુગના કુલ વર્ષ ૩૮.૮૮ લાખ વર્ષ થયા. હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે જે ૧૮ ફેબ્રુઆરી ૩૧૦૨ (બીસી)થી ચાલી રહ્યો છે. એટલે કે કલિયુગના કુલ લગભગ ૫,૧૧૯ વર્ષ થયા. કલિયુગ કુલ ૪.૩૨ લાખ વર્ષ ચાલવાનો છે.
હવે આપણા અવતારો જોઈએ તો ત્રેતાયુગમાં વામન, પરશુરામ અને રામચંદ્રજી થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા ત્યારે દ્વાપર યુગના ૧૨૬ વર્ષ જ બાકી હતા. ભગવાન કૃષ્ણ આજથી લગભગ ૫,૨૪૫ વર્ષ પહેલા થયા હતા. આ બધા વર્ષો આર્કિયોલોજી દ્વારા કાર્બન ડેટિંગ આધારે ચકાસણી થયા પછી જાહેર થયેલ છે. રામસેતુ અને ભગવાન રામના સમય અંગેની ચકાસણી વિશ્વ પ્રસિદ્ધ નાસા દ્વારા કરવામાં આવેલી છે. ( શ્રીમદ ભાગવત પુરાણના ત્રીજા સ્કંધનો અગિયારમો અધ્યાય જોઈ લેવો. તેમાં આ બધી ગણતરી આપેલી છે.)
હવે ઇસ્લામ જોઈએ તો ઇસ્લામ ધર્મની સ્થાપના લગભગ ૧,૪૩૮ વર્ષ પહેલા થઇ હતી અને ખ્રિસ્તી ધર્મની સ્થાપના ૨,૦૧૭ વર્ષ પહેલા થઇ હતી. હિંદુ ધર્મ લાખો વર્ષ પુરાણો છે. હિંદુ સંસ્કૃતિ અને સભ્યતા લાખો વર્ષો પહેલાથી છે. તેની સામે ઈસ્લામને માત્ર ૧,૪૩૮ અને ખ્રિસ્તીને માત્ર ૨,૦૧૭ વર્ષ જ થયા છે. એનો મતલબ એવો થયો કે આ બંને ધર્મો ભલે અનુયાયીઓની સંખ્યાના પ્રમાણમાં હિંદુ કરતાં ખુબ જ વધારે હોય પરંતુ તેમના ધર્મોની સભ્યતા અને સંસ્કૃતિ હજુ નાના બાળક જેવી છે. આ ધર્મો અનુભવથી ઘડાઈ રહ્યા છે. તેઓને પીઢ બનતા હજી હજારો વર્ષ નિકળી જશે.
હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતા वसुधैव कुटुम्बकम्માં માનનારી છે. હિંદુ સંસ્કૃતિ आ नो भद्रा क्रतवो यन्तु विश्वत:એટલે કે “દરેક દિશાએથી અમને સુન્દર વિચારો પ્રાપ્ત થાઓ” એમાં માનનારી છે. હિંદુ સભ્યતા संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् એટલે કે “આપણે સૌ કદમ થી કદમ મિલાવીને સાથે ચાલીએ, આપણે સૌ એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલીએ, આપણા સૌના મન એક થાય”ની પરંપરામાં માને છે. હિંદુ સંસ્કૃતિ अयं निज: परो वेति गणना लघुचेतसाम्, उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्માં માનનારી છે. એટલે કે “આ મારું છે, આ મારું નથી એવી માનસિકતા હિંદુ સભ્યતાનો ભાગ નથી.
*હિંદુ સભ્યતા કહે છે “સમગ્ર વિશ્વ એક કુટુંબ છે”. પ્રત્યેક સાચો હિંદુ समानो मंत्र: समिति समानी समानं व्रतं सहचित्तमेषाम | समानं मन्त्रभि मंत्रये व: समानेन वो हविषा जुहोमि ||માં માનનારો છે. समानी व आकूति: समाना हृदयानि व: | समानमस्तु वो मनो यथा व: सुसहासति ||નું આચરણ કરનારો છે.*
આવી ભવ્યતા અને દિવ્યતા ધરાવતી હિંદુ સભ્યતાનો ભાગ હોય તેવા કહેવાતા “હિંદુ ધર્મ રક્ષકો” જયારે ખ્રિસ્તી નવ વર્ષે સંદેશા મોકલે કે:
“ક્રિસમસ ટ્રી આપણું નથી. આપણે તુલસીમાં દીવા કરીએ છીએ તો તેઓ તેને અંધશ્રદ્ધા ગણે છે. એ લોકો ક્રિસમસ ટ્રીમાં દીવા કરે અને તેને શણગારે તો તે અંધશ્રદ્ધા ન કહેવાય….આપણે કશું પણ કરીએ તો અંધશ્રદ્ધા કહેવાય…વિ. વિ…”……. “નવું વર્ષ આપણાથી ન ઉજવાય. તેઓ દિવાળી ઉજવે છે? ચૈત્ર સંવત્સર ઉજવે છે? આપણાથી નવા વર્ષની પાર્ટી ન થાય…વિ. વિ…”
આવા સંદેશા જોઇને બે ઘડી મૂંઝાઈ જવાય એમ છે. મારે એવું સ્પષ્ટપણે કહેવું છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ભલે સમગ્ર દુનિયામાં છવાયા હોય પરંતુ હજુ તે ધર્મો અને તે સભ્યતાને હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સભ્યતાની કક્ષાએ પહોંચતા હજારો વર્ષો લાગશે. એટલે તે ધર્મો અને તે સભ્યતા હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સભ્યતા સાથે કેવું સંકુચિત વલણ રાખે છે તે તરફ ન આપવું જોઈએ એવો મારો અંગત મત છે.
હા….સાથે સાથે લાખો વર્ષ જૂની અતિ વિકસિત હિંદુ સંસ્કૃતિ અને સભ્યતા ભવિષ્યમાં ભૂંસાઈ ન જાય અને તે ગમે તેવા સંજોગોમાં પણ અડીખમ ટકી રહે તે જોવાની સૌ હિંદુઓની ફરજ બને છે. પરંતુ જેને હિંદુ સંસ્કૃતિના ગ્રંથો જેવા કે ચાર વેદ, રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, પુરાણો જેવા ગ્રંથોને હાથ પણ નથી લગાડ્યો કે એવા ગ્રંથોના નામ પણ પુરા નથી જાણતા એવા કહેવાતા હિંદુઓ “ધર્મરક્ષક” બનીને સોશિયલ મીડિયામાં લાગી પડ્યા છે એની સામે મારો ખુલ્લો વાંધો છે. આવા હિન્દુઓને એવું લાગે છે કે ખ્રિસ્તી નવું વર્ષ એટલે શરાબ-કબાબ અને પાર્ટી-ડાન્સ-મઝા અને મઝા.
પરંતુ એ પૂર્ણ સત્ય નથી. હકીકતમાં જો કોઈ સાચા ખ્રિસ્તીને પૂછીએ કે “આવીએ…આજે રાત્રે તારે ત્યાં? શરાબ-કબાબ અને પાર્ટી-ડાન્સ માટે?” ત્યારે એનો જવાબ હશે – “અડધી રાતે આવશો તો અમે તો ચર્ચમાં હોઈશું. માસ એટેન્ડ કરવુ પડે.” આ માસ એટલે ખ્રિસ્તીઓની ચર્ચમાં થતી સમૂહ પૂજા. આવી પૂજા દર રવિવારે થતી હોય છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એ જરા જૂદી અને વધારે લાંબી હોય. ત્યારપછી રંગારંગ કાર્યક્રમ કે આતશબાજી હોય. અને ઘરે આવીને મિત્રો-સગા વહાલા સાથે ખાવા-પીવાનું અને થોડી મોજમસ્તી માટે ગાવા-નાચવાનું. હકીકતમાં જે ધર્મનું ઉદભવસ્થાન જ્યાંનું હોય ત્યાંના પ્રદેશની સંસ્કૃતિ અને સભ્યતા તહેવારોની ઉજવણીમાં પણ ભળે. યુરોપમાં જે તે સમયે ફળોના વાઈનનુ ચલણ રસોઈમાં અને ખાવાના ટેબલ પર જમતી વખતે હતું અને છે. તો જો તેઓ દ્વારા નવા વર્ષની ઉજવણીમાં પણ વાઈન પીવામાં અને પીરસવામાં આવે તો તેઓ માટે કંઈ અજૂગતુ ન કહેવાય. એમાં હાર્ડ ડ્રીંક એટલે વ્હિસ્કી-રમ-વોડકાનો ઉપયોગ ન હોતો થતો પણ એમ તો આપણે પણ જન્માષ્ટમીમાં કયા ધાર્મિક વિધી-વિધાન મુજબ જુગાર રમીએ છીએ? એવું કયા શાસ્ત્રમાં લખેલુ છે?
હકીકતમાં સમગ્ર વિશ્વમાં જો કોઈ ધર્મનુ વ્યવસાયીકરણ સૌથી વધારે થયુ હોય તો તે ખ્રિસ્તી ધર્મ અને તેના તહેવારોનું છે. ઘર-કુટુંબમાં થતી પાર્ટીને દુનિયાના દરેક ભાગમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ વ્યાવસાયિક પાર્ટીઓ બનાવી દીધી અને દરેક ખૂણે-ખાંચરે આવી પાર્ટીઓ થવા લાગી. અને તેનું જોઇને હવે અન્ય ધર્મોમાં પણ વ્યવસાયીકરણ થવા માંડ્યું છે. હિંદુ કે ઇસ્લામ ધર્મ પણ તેમાં અપવાદ નથી.
આવા કહેવાતા હિંદુઓ કે જેઓ “ધર્મરક્ષક” બનીને સોશિયલ મીડિયામાં લાગી પડ્યા છે તેઓને મારો ખુલ્લો પડકાર છે કે જો તમને હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતાની બહુ જ ચિંતા હોય તો બીજુ કંઈ નહી પણ ગુજરાતના ગરબાનું એટલું માર્કેટીંગ કરો કે દુનિયાના દરેક ખુણે નવરાત્રીના નવ દિવસો દરમ્યાન બધી કન્યાઓ ચણિયા-ચોળીમાં અને પુરુષો કેડિયા-ચોયણામાં ગરબા રમતા દેખાય. અને દશમે દિવસે સવારથી જ બધા ફાફડા-જલેબી ઝાપટતા હોય. એના ચાર દિવસ પછી રાતે દૂધ-પૌંઆની પાર્ટીઓ બધાયના ધાબા પર થતી હોય.
આવા કહેવાતા હિંદુઓ કે જેઓ “ધર્મરક્ષક” બનીને સોશિયલ મીડિયામાં લાગી પડ્યા છે તેવાઓને મારે કહેવું છે કે આખો પ્રભાવ માર્કેટીંગનો છે. કંઈક તો સમજો. આખા તહેવારમાં જે કંઈ લોકભોગ્ય છે એને પોપ્યુલર કર્યુ અને બધાએ સ્વીકાર્યુ. હવે તમને રહી રહીને સંસ્કૃતિ બચાવવાની ચળ ઉપડી?? હવે આ જ સંસ્કૃતિ છે..!! માર્કેટ જ તમામ ધર્મો અને તમામ સભ્યતાઓ અને તમામ સંસ્કૃતિઓને ચલાવે છે અને તેમાં ફેરફારો લાવે છે. કોઈપણ ઘટનાને ધર્મ સાથે જોડતા પહેલા હજાર વાર વિચારવું જોઈએ. મુસ્લિમોને લગતી દરેક બાબતો મોટાભાગે તેમના મુલ્લા-મૌલવીઓથી પ્રેરિત હોય છે એનો મતલબ એમ નહી કે તેમનો ધર્મ એવું જ કહે છે. ઘણા હિંદુઓ મહંતો અને ગુરુઓ અને કથાકારો જે કહે છે તેને અનુસરે છે એનો મતલબ એમ નહિ કે હિંદુ ધર્મમાં એવું જ કહ્યું છે. એવું જ અન્ય ધર્મો માટે પણ છે. હવે ધર્મ અને તેના તહેવારો અને તેની ઉજવણીનું વ્યવસાયીકરણ થઇ ગયું છે અને “માર્કેટ ફોર્સ” જ તેને ચલાવે છે અને તેમાં ફેરફારો લાવવામાં મદદરૂપ બને છે. તેનો મતલબ એવો તો નહિ જ કે “માર્કેટ” કહે તે જ સાચો ધર્મ. એવું માની લેવું એ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે.
તો ચાલો….
કયો ધર્મ સારો તથા સાચો તે વિચાર ફગાવીને આવો…..૨૦૧૭ના નવ વર્ષને શુભ વિચારોથી વધાવીએ અને તમામ પ્રકારની તમામ ધર્મોની કટ્ટરવાદી તાકાતોને ફગાવીએ. તમામ પ્રકારની તમામ ધર્મોની ધિક્કાર ફેલાવતી તાકાતોને મૃત:પ્રાય બનાવી દઈએ અને સાચા અર્થમાં अयं निज: परो वेति गणना लघुचेतसाम्, उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्ને સાકાર કરીએ.
_ written by Ambassador of Parliament of World’s Religions Shri Jayesh Shah, Baroda