“ટાઈમ જ નથી..!!”

સમય તો પૈસાનો પર્યાય,
સોશિયલ સાઈટ્સ પર અજાણ્યાં સાથે સમય વેડફી નાખશો તો,
સ્વજન માટે એક માત્ર ડાયલોગ બચશે,
“ટાઈમ જ નથી..!!”

आयुषः क्षण एकोडपि सर्वरलैः न लभ्यते |
नीयते स वृथा येन प्रमादः सुमहानहो ||
આયુષ્યની એક ક્ષણ બધાં રત્નો આપી દેવા છતાં મળતી નથી.
જે તેને નકામી વેડફે છે, તે મોટી ભૂલ કરે છે.

પરિવર્તન જગતનો સર્વસામાન્ય સ્વીકૃતિ પામેલો નિયમ છે. જે લોકો સમયને અનુરૂપ બદલાઈ નથી શકતાં તેઓ પાછળ રહી જાય છે ને, ક્યારેક તો તેઓને એકલવાયી જીંદગી જીવવી પડે તેવો વારો આવે છે.

વિકસતા વિશ્વની સાથે વ્યક્તિગત વિકાસ પણ જરૂરી છે જ. વિકાસની સાથોસાથ બદલાવની દ્રષ્ટિએ વિચારીએ તો, સમયાંતરે મળવા-હળવાના માધ્યમે તો હરણફાળ ભરી છે. એક સમયે સમી સાંજે ગામને ચોરે ચર્ચા થતી, જે આજે રીક્લાઈનાર સોફામાં બેઠાં કે કિચનમાં કૂકરની વ્હિસલની રાહમાં કે પછી કાર ડ્રાઈવ કરતાં ને ક્યારેક તો વળી સ્મશાનમાં બેઠાં કોઈ સગાસંબંધીની સળગતી ચિતાની સામે જ આંગળીઓના ટેરવે થવા લાગી છે.

ચોંકાવનાર ને સહેજ આશ્ચર્યજનક વાત તો એ છે કે, આજનો યુવાવર્ગ ભલે પોતાનો મહત્તમ સમય આ સોશિયલ સાઈટ્સમાં વિતાવતો હોય પણ આ યુવાનો તેમના શિક્ષણ કે નોકરી કે ઉદ્યોગના વિકાસ માટે તેનો મહત્તમ લાભ ઉઠાવી જાણે છે. તેથી સાવ ઊલટું, ચાલીસીએ પહોંચેલાં કે જેને પીઢ અને સમજદાર કહી શકાય તેવાં ને એમાંય ખાસ તો વાનપ્રસ્થાશ્રમમાં પચોચી ચુકેલાં અને દેખાદેખીમાં સોશિયલ સાઈટ્સના રવાડે ચડેલાં સુશિક્ષિત નિવૃત લોકો સોશિયલ સાઈટ્સનો દુરૂપયોગ કરવામાં અવ્વલ નંબરે છે.

ઈન્ટરનેટ અને ડ્રાઈવિંગની સીધી સરખામણી કરી શકાય એમ છે. ટેકનોલોજીનું નોલેજ હોવું કે પછી કાર/બાઈક ડ્રાઈવિંગનું લાઇસન્સ હોવું એનો અર્થ એ નથી કે, એનો વ્યવસ્થિત ઉપયોગ કરી જાણો છો. લાઈસન્સ ધરાવતી વ્યક્તિઓ જ બેદરકારીથી કાર/બાઈક ચલાવી ખતરનાક અકસ્માતમાં પોતે જ મરે છે કે પછી કોઈકને મારે છે. લગભગ એવું જ બેફામપણે ઈન્ટરનેટ વાપરતા લોકો માટે કહી શકાય.

આમ તો આજકાલની “ફાસ્ટ લાઈફ”માં કોઈ વ્યક્તિને રૂબરૂ મળવાનું કહો તો કહેશે, “અરે યાર, આજકાલ ઓફીસ/ધંધામાં બૌ બીઝી રહું છું. સ્હેજેય ટાઈમ મળતો નથી.” આપણે જે વ્યક્તિને દિલથી યાદ કરતાં હોઈએ, રૂબરૂ મળવાની અદમ્ય ઈચ્છા હોય ને એ વ્યક્તિ આવો જવાબ આપે તો કેવું દુઃખ થાય? ને, એ જ વ્યક્તિ સોશિયલ સાઈટ્સમાં આ જ ઓફીસ/ધંધાનું કામ છોડી કુદમકુદ કરતો મળી આવે ત્યારે શું અનુભવો? વોત્સેપ. ફેસબુક મેસેન્જર, ટેન્ગો, લાઈન, વાઈબર, સ્નેપ-ચેટ, ઈમો, આઈ-મેસેજ, ફેઈસ-ટાઈમ …અધધ.. અગણિત સોશિયલ સાઈટમાં રખડતો રઝળતો મળશે. કસમયે પણ આવી વ્યક્તિનો મેસેજ મોબાઈલમાં પીંગ.. કરતો ઝબકી જશે. ત્યારે મનોમન કે’વાય જાય.. “અલ્યા, તો રૂબરૂ મળવામાં શું જોર પડતું’તું?!”

આ આધુનિક જમાનામાં સમયનો અભાવ એ દરેક વ્યક્તિની સૌથી મોટી સમસ્યા કે પછી ફરિયાદ કહી શકો. કામ અધૂરું રહ્યું, કે શરૂ જ ન થઇ શક્યું તો, બચાવમાં માત્ર એક જ ડાઈલોગ સાંભળવા મળે, “ટાઈમ જ નથી.” કદાચ એટલે જ સમય વિષે વાત નીકળી નથી કે, પતંગિયાનું ઉદાહરણ વડીલોની જીભે આવ્યા વગર રહે જ નહીં. “પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે.”

સમયનો ચાકડો ફરતો રહે, ક્ષણ પછી ક્ષણ ઊતરે;
‘નટવર’ સમયના ચાકડે ચાકડે ઘૂમી શકાતું નથી.
_ નટવર મહેતા

એક તરફ લોકો ‘ટાઈમ નથી’ નું રોદણું રોતાં ફરે ને બીજી બાજુ આ જ લોકો મોબાઈલ/નોટપેડ થકી બૌ સોશિયલ હોવાનો ઢોંગ કરે. સગાં-સંબંધી કે મિત્રો તો સમજ્યા પણ મા-બાપ, બૈરી-છોકરાવ માટે પણ ઓફીસ/ધંધામાંથી ટાઈમ નથી ને બીજી બાજુ આંગળીઓ મોબાઈલ ઉપરથી ખસતી જ ન હોય. મોબાઈલ પર એવી પ્રેમથી આંગળીઓ ફેરવ્યે રાખે કે…. મજાક-મજાકમાં એમને પૂછવાનું મન થઇ જાય કે, “સુહાગરાતે’ય આટલી પ્રેમથી પત્ની/પતિના શરીર ઉપર આંગળીઓ ફેરવી હતી કે?!!”

સ્વર્ગીય મા-બાપની તિથી યાદ નહિ હોય કે પતિ/પત્ની અને બાળકોના બર્થડે તો શું પણ પેરન્ટ-ટીચર મીટીંગ માટે પણ ટાઈમ નહિ હોય પણ ફેસબુક પર બધાં જ ફ્રેન્ડ્સ ને અચૂક બર્થડે વીશ મોકલાવશે. પત્ની/પતિ બેઘડી વાત કરવાં રાહ જોઈ બેઠાં હશે ત્યારે ફેસબુક ફ્રેન્ડસને પ્રાધાન્ય આપી દરેકેદરેક મેસેજનો જવાબ બૌ ચિબાવલા થતા અચૂક અપાશે.

અરે… એ બધું છોડો…અમુક લોકો તો એવાં ‘ક્રેઝી’ છે કે, સવારે ઉઠતાંની સાથે ઓનલાઈન ન આવે તો ‘પ્રેશર’ ન આવે… સ્પેશિયલ ટાઈપની “સાઈબર કબજીયાત” થઇ જાય… હદ છે ને…!! પછી આ “પેટ ભારે છે કે અપચો થ્યો છે”_ના બહાના હેઠળ રજા લઇ ઘરે બેસે ને ફરી ઘેરબેઠાં ટાઈમ પાસ કરવા મોબાઈલ/ટેબ્લેટમાં આંગળીઓ સરકવા લાગે…ત્યારે છે…ક….ઠૂસ છૂટે… વાતાવરણ પણ મોં મચકોડતું હોય એમ દુર્ગંધિત થઇ જાય.. ને, અંતે મોકળાશથી ટેબ્લેટ પર ટેરવાં ફર્યા ને પ્રેશર… આવ્યું.. એક હાથ ફ્લશ-ટેંક તરફ ને બીજા હાથના ટેરવે સ્ટેટસ અપલોડ… હાશ……

ત્યારે, આવા સોશિયલ સાઈટ્સના ક્રેઝી લોકોને પુછવાનું મન થાય, “તમને જીવન પ્રત્યે પ્રેમ છે? જો હા, તો પછી ફાલતું બાબતોમાં સમય ગુમાવશો નહીં, કારણકે જીવનમાં પંચમહાભૂત જેટલું જ મહત્વ સમયનું પણ છે. જે સમયને વેડફે છે સમય એને વેડફે છે.” જ્યોતીન્દ્ર દવેએ ક્યાંક લખ્યું છે, “ઘડિયાળને આપણે ચાવી આપીએ છીએ એ ભ્રમણા છે. હકીકતમાં તો, ઘડિયાળ આપણને ચાવી આપે છે. બધું જ ઘડિયાળને પૂછી પૂછીને કરવું પડે છે.”

કાંડે બાંધીને,
સરતાં સમયને,
વેડફી જાણે.
~
આરતી પરીખ

એક જોક : “ટાઈમ નથી”
બબલુ : ‘પપ્પા, આજે હોમવર્ક કરવાનો સ્હેજેય મૂડ નથી તો તમે કરી આપોને…’

પપ્પા : ‘આ ઈમેલ ને મેસેજ ચેક કરવામાં માથું ખંજવાળવાનો’ય ટાઈમ નથી.’
બબલુ ; ‘હું માથું ખંજવાળી આપું, તમે હોમવર્ક કરો.’

પોતીકી વ્યક્તિની સ્પર્શની ભાષા કે ઈશારાની ભાષા સમજવા ઘણાં લોકો પાસે બિલકુલ સમય નથી. એમને તો ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનીક્સ ડિવાઈસને વળગીને આધુનિકતાના આડંબર સાથે જીવવું છે. ને, જયારે અતિરેકથી જીંદગી કંટાળાજનક કે નિરાશાજનક લાગવા માંડે ત્યારે… એમાંથી બહાર આવવા “આધ્યાત્મિક માર્ગ” અપનાવવા દોડશે.. કુદમકુદ ચાલુ કરશે. સોશિયલ સાઈટ્સ પર ઢંઢેરો પીટશે.. બીજા કેટકેટલાયને એમની સાથે જોડાવા ભલામણ કરશે… લીંક ફોરવર્ડ થશે.. ઓડિયો/વિડીયો શેર થશે.. એ જ ઇલેક્ટ્રોનીક્સ ડિવાઈસ પર ફરતાં ટેરવાં.. પહેલાં આધુનિકતાના ચક્કરમાં ફરતાં હતા ને હવે ચક્કર છે આધ્યાત્મિકતાનું..

જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાંય આપણે કેટલી બધી મિનિટો સાવ નજીવી બાબતોમાં વેડફી નાખીએ છીએ. એટલે જ મિનીટ બચાવવાની ચિંતા કરવી, કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી જ લેશે.  સમયનો જે મહત્તમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ અને સુખી માણસ છે.

ચોરેચૌટે બેઠાં વાતેવાતે પારકાની પંચાતમાં સમય ન રોળવો,
આકરા સમયે જ પન્નો ટૂંકાવતા પડછાયા પર મન ન ડોળવો.
_ આરતી પરીખ

ક્યારેક સોશિયલ સાઈટ્સ પર સમય વેડફનારને કહેવાનું મન થાય,  “ભલા માણસ.. આ બધું છોડી બે ઘડી સ્વજનની હથેળીમાં તારા ટેરવાં ફેરવી જો ને.. આર્ટ ઓફ લિવિંગ કે આર્ટ ઓફ યોગા જેવા આધ્યાત્મિકતાના ધતિંગ છોડ…” બસ, જીવનમાં જરૂર છે તો સ્હેજ ટાઈમ કાઢી આર્ટ ઓફ ફીલિંગ_ની. આ આવડી જશે તો જીંદગીમાં કોઈ બાબા, યોગી, ગુરુજી, મંદિર, મસ્જિદ જવાની જરૂર નહીં પડે. બધું જ ઘેરબેઠાં મળી જશે.

કદીક તું ભીતરે ભમી તો જો,
કદીક ખુદને જ ગમી તો જો,
વીતેલો સમય પણ પાછો ફરશે
કદીક બાળક બની રમી તો જો.
_ આરતી પરીખ

સમય આપણને શાણા બનાવે એ પહેલાં આપણે સમયસર શાણા બની જવું જોઈએ.

મળતાં રહેવું… હળતાં રહેવું કોને ન ગમે..?!
પણ,
દરેક સંબંધમાં… વ્યવહારમાં… એક મર્યાદા હોય…
………………………………………………………………………… આરતી પરીખ

http://www.readwhere.com/read/m/874338/NAMASKAR-GUJARAT-AUSTRALIANamaskar-Gujarat-No-1-Indian-Gujarati-Monthly-News-Paper/Namaskar-Gujarat-Australia#issue/22/1

Advertisements

2 thoughts on ““ટાઈમ જ નથી..!!”

  1. My extract – ‘એમને તો ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનીક્સ ડિવાઈસને વળગીને આધુનિકતાના આડંબર સાથે જીવવું છે’

    Liked by 1 person

  2. ખુબ સરસ ને તાદઁશ્ય વણઁન…સમય નથી…
    નવા યુગ સાથે તાલ મેળવવા નવુ નવુ શિખવુ જ જોઈએ. પણ એમા એટલા પણ ખોવાઈ ન જવાય એ પણ જોવુ એ પણ સમયની જ માંગ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s