Words are tools..

અમસ્તાં રસ્તે મળ્યાં ને પરિચય થયો હશે,
સર્યા શબ્દો; વાતવાતમાં વિષય બન્યો હશે,
ક્ષિતિજે બેઠાં સૂર્ય સમો મલક્યો’તો જરીક
આંખોઆંખોમાં એમ જ પ્રણય પાંગર્યો હશે. _આરતી પરીખ
બે વ્યક્તિ વચ્ચેનો સાંકેતિક ઈશારો.. ને, આ ઇશારામાંથી જ અક્ષર ઉદ્ભવ્યો હશે.. અક્ષરથી શબ્દ.. શબ્દથી વાક્ય.. વાક્યથી વાર્તાલાપ.. ને, એમ અરસપરસના વાર્તાલાપથી જ જે-તે ભાષા કાળક્રમે અસ્તિત્વમાં આવી હશે.
હસ્વ ઇ ને દીર્ધ ઈ અને હસ્વ ઉ ને દીર્ઘ ઊ,
અક્ષર ઉપરનો ક્યારે બધો ભાર ઊતરે?! _શ્રી રાજેન્દ્ર શુક્લ
*****
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે,
જુદા અર્થ છે શબ્દના બોલવા પર
છે શબ્દો’ય જુદા અવાજે – અવાજે. _ગાફિલ
જે-તે પ્રદેશ અને ત્યાં વસતાં લોકોની પ્રતિભા તેમની વર્તણુકની સાથોસાથ તેમની ભાષામાં અને અવનવાં શબ્દપ્રયોગમાં છતી થાય છે. જો શબ્દોનું અર્થઘટન બરાબર થાય તો, પ્રેમી પંખીડાંનું મિલન માણી શકો કે પરિવારને જોડીને રાખી શકો. પણ જો શબ્દોના અર્થઘટનમાં થાપ ખાઈ બેઠાં તો તો જીવનભર ગૃહકંકાસ સહન કરવો પડે. શબ્દોને સમજવા બહુ જ જરૂરી છે.
શબ્દ મક્કા, શબ્દ કાશી છે, સમજ,
ધર્મની ઊંચી અગાસી છે, સમજ. _બ્રેન્યાઝ ધ્રોલવી
*****
શબ્દની’ય આરપાર જોઉં છું,
એટલે જ ધારદાર હોઉં છું,
અર્થ નીકળે જ ક્યાંથી ભલા?
શબ્દ નહીં, જનાબ; સાર હોઉં છું! _ડૉ. મુકેશ જોષી

દરેક શબ્દનો એક આગવો અર્થ હોય છે. શબ્દ કદી અર્થહીન હોઈ શકે જ નહીં. ક્યારેક શાંતિથી વિચારશો તો જણાશે કે, આપણા લોકશાહી દેશમાં મોટાભાગનાં વિવાદો, રમખાણો શબ્દોના અનુકુળતા મુજબ થયેલાં અર્થઘટનને લીધે જ સર્જાયેલા છે.
થોડોક તર્ક વેંચવા શબ્દોની જંગ છે,
ધ્વનિ રૂપાળી છેવટે સરવર તરંગ છે. _નરેશ સોલંકી
*****
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !
એ તને દોડાવશે એવું કહી
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે ! _ભરત ત્રિવેદી
*****
હે કવિ ! તું છેડમાં એને હવે,
શબ્દને પણ મોભ ને મરજાદ છે. _પાર્થ મહાબાહુ

શાસ્ત્રોમાં કહ્યું છે કે, પાણી ગાળીને વાપરવું તેમ વાણી જોખીને ઉચ્ચારવી. પાણીની જેમ વાણી વપરાય નહીં. વાણી તો ઘીની જેમ સાચવીને વાપરવી જોઈએ. વાણીમાં શબ્દોનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું જોઈએ, કારણ કે,
“શબ્દ જ ઘાવ બને છે, અને શબ્દ જ મલમ બને છે.
શબ્દ જ આપણને ડુબાડે છે, શબ્દ જ આપણને તારે છે.
શબ્દ જ જીવન સળગાવે છે, શબ્દ જ જીવન શણગારે છે.
શબ્દ જ કાતરનું કામ કરે છે, શબ્દ જ સોયનું કામ કરે છે.”

અંગ્રેજીમાં કહેવત છે કે, The Tongue is fire. તેથી વિરુદ્ધમાં પણ કહેવત છે કે, A kind tongue is better than a pie. બોલતી વખતે આપણે અચૂક યાદ રાખવું કે, “નહિ બોલાયેલા શબ્દો આપણા ગુલામ છે. જ્યારે બોલાયેલા શબ્દોના આપણે ગુલામ છીએ.” બોલાયેલા શબ્દો, ફેંકાયેલું તીર, ઉપેક્ષિત તક અને વીતેલી ક્ષણ આ ચાર વસ્તુ ક્યારેય પાછી આવતી નથી. માટે જ કહે છે કે, ‘Think twice before speak’.

લેખક કહો કે કવિ… કાલ્પનિક દુનિયાના આ જીવડાઓ માટે કશું જ અશક્ય નથી. કોઈપણ વિષય હોય, હંમેશ હાજર જવાબી…
શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે!
બુઠ્ઠાં, અણિયારા, રેશમી, બોદાં, શબ્દના કેટલાં પ્રકારો છે?
ભાવ છે, અર્થ છે, અલંકારો, શબ્દનો કેટલો ઠઠારો છે!
જો જરાક અડકો તો છટપટી ઉઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે! _રાહી ઓધારિયા

કોઈ વ્યક્તિને સૌથી કપરું કામ સોપવું હોય તો.. તેને કહો, “ચાલ દોસ્ત, શોધી આપ એકાદિ’ ભાષા શબ્દો વગરની…!!” કેમ શું થ્યું?! તમને’ય આ વાંચી હસવું આવી ગયું ને…!! હાસ્તો, અશક્ય એવી માંગણી એટલે શબ્દો વગરની ભાષા. પણ, ભૂલથી’ય કોઈ કવિ પાસે આવી માંગણી કરતાં નહિ હોં…!! કાવ્યાત્મક ઢબે ઠાવકાયથી સંભળાવી દે’શે….
શબ્દો હણાયા
અગણિત, રચવા
ભાષા ‘મૌન’ની!!
~~
ઠંડે કલેજે,
કત્લેઆમ શબ્દોની,
માણવા મૌન..!
~~
શબ્દો કેરા, આ
દુકાળે, સંવેદના
છલકી રહી.
~~
આંખોઆંખોમાં જ વાત વહાવી દેજો,
શબ્દ જો સર્યા; લાગણી પોકળ ઠરશે.
~~
આખી સૃષ્ટિને
નિહાળું, અનુભવું,
એક શબ્દે “માં”!! _________ આરતી પરીખ

અરે, આ કવિજાતથી જરા સંભાળતાં રહેવું હોં… અંતે વાત હોય હોંશની કે પ્રેમની જ પણ, એવી દર્દીલી શરૂઆત કરશે કે.. શાયરીના અંત સુધી આપણું દિલ પણ આ દર્દીલા વમળોમાં ઘુમરાતું રહેશે…
ઘણાં દુઃખ વેઠી જડેલા છે શબ્દો,
પછી આપ સૌને ધરેલા છે શબ્દો,
ઘણાંને હંમેશાં નડેલા છે શબ્દો
મને એ જ ફળેલા છે શબ્દો !! _ મુબારક ઘોડીવાલા
હવે ક્યારેક સાહિત્ય સાથે બારમો ચંદ્રમા હોય એવી વ્યક્તિને વિષયની સમજણ જ ન પડે ત્યારે જો કવિરાજની ધીરજ ખૂટી તો તો એમનો મિજાજ ઓહો..હો….
શબ્દ શબ્દ શું કરે છે?! સહેજ આગળ વધ હવે,
અક્ષરોને રાખ બાજુ, સહેજ આગળ વધ હવે,
શબ્દો સઘળાં છે સમર્થ તું અગર બોલે નહીં
મૌનની મહેફિલ! આવ, સહેજ આગળ વધ હવે. _ડૉ. મુકેશ જોશી
*****
શબ્દ પર હું શબ્દ ખડકું છું સતત પાંત્રીસ વર્ષે,
તો’ય બાંધી ક્યાં શક્યો છું પાળ જેવું, મત્સ્યગંધા. _હર્ષદ ચંદારાણા

વ્યવસાયે ડોક્ટર એવાં કવિ વિવેક મનહર ટેલરે અસલ રંગીન મિજાજમાં આવીને શબ્દને નિર્મળ પ્રેમ સાથે સરખાવતાં લખ્યું છે…
શબ્દના રસ્તે મને મળતી રહે,
સ્વપ્નની અડફેટમાં ચડતી રહે,
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ગજ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
શબ્દ થઇ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે પ્રેમ છે.

આપણે જેમજેમ વધુ ને વધુ ભાષાઓ જાણતાં ને શીખતાં ગયા તેમતેમ આધુનિક દેખાવાની ઘેલછામાં એક જ વાક્યમાં એક કરતાં વધુ ભાષાના શબ્દો વાપરી ભાષાઓની ખીચડી રાંધી નાખી, શબ્દને અર્થહીન કે વિકૃત બનાવી દીધાં. શબ્દચાલાકી કે શબ્દરમત એક દ્રષ્ટીએ નર્યું જુઠાણું જ છે, જે કદિ લાંબુ ન ચાલે. તે જ રીતે, શબ્દ પર અવલંબન એ ભાષાકીય અજ્ઞાન છે. જે શબ્દની પેલે પાર જઈ શકે, એ જ શબ્દમાં છૂપી સંવેદના ડાહપણ/શાણપણથી અનુભવી શકે.
સાવ પોલા શબ્દથી વ્યવહાર છે,
મૌનનો મહિમા કરીને શું કરું?
શબ્દ તો કોલાહલોનું દ્વાર છે! _મણિલાલ પટેલ
*****
પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હશે. _શ્યામ સાધુ
*****
મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળાં બિનજરૂરી હોય છે. _ આદિલ મન્સૂરી

તો વળી, શ્રી ભગવતીકુમાર શર્માએ એક સાહિત્યકાર માટે શબ્દની મહિમા વર્ણવતાં કહ્યું હતું, “મને શબ્દનો તરાપો ન મળ્યો હોત તો હું નિઃસંદેહ રાન રાન અને પાન પાન થઇ ગયો હોત અને એટલે જ હું પ્રતીતિપૂર્વક કહું છું કે, જ્ઞાતિની દ્રષ્ટીએ મારી કુળદેવી ભલે મહાલક્ષ્મી હોય પરંતુ મારે માટે તો મારી કુળદેવી અશેષભાવે માં સરસ્વતી જ છે અને એ સરસ્વતીને હું શબ્દકુસુમો વડે પૂજતો-આરાધતો રહ્યો છું. તેથી જ કહું છું કે શબ્દ જ કુળદેવતા છે, બલકે મારાથી ઢબે કહું તો, શબ્દ જ માઝા કુળદૈવત આહે.”

અંતે અચૂક ટાંકવું રહ્યું કે…..

શબ્દ એક શોધો ને આખી સહિતા નીકળે,
કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે.
જુદી તાસીર છે આ ભારતની ધરતીની,
કે, મહાભારત વાવો ને ગીતા નીકળે…
……………………………………………………………………….. આરતી પરીખ

image

http://www.readwhere.com/read/796372/NAMASTE-GUJARAT/NAMASTE-GUJARAT?show=touch#page/14/1

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s