બાએ જ બારણાં ખોલ્યાં..

“સમય જૂઓને કેવો બદલાયો છે! પહેલાં દિવાળીની રજાઓ પૂરી થાય પછી ઘર ખાલી થતાં, હવે દિવાળી જાય પછી ઘર ભરાય છે. કોઇ શાંતિ માટે ગોવા ગયાં’તાં તો, કોઇ હરવા-ફરવા હરદ્વાર! કોઇ સેલ્ફ ડ્રાઇવમાં મહાબળેશ્વર તો, કોઇ જયપુરની રોશની માણવા ઉપડ્યાં’તાં. કયાંક બંધ ઘરનાં તાળાં ખૂલ્યાં તો ક્યાંક બાએ બારણા ખોલ્યાં! બદલાતા સમય પર વિચાર કરીએ ને મન ભરાય છે.”_અનુપમ બુચ

હાં, આ વાંચી કૈક અજુગતું લાગ્યું હશે જ. હાલના થોડા વર્ષોથી બદલાતી જતી higher middle class or you can say so called Stylish Life Styled Gujarati Familiesની દિવાળી ઉજવણીની કડવી વાસ્તવિકતા મારા વડીલ મિત્ર શ્રી અનુપમ બુચના દરેક શબ્દમાં ચિત્કારી રહી છે.

એક NRI તરીકે આપણા માનસપટલ પર તો ગુજરાતની દિવાળી વિષે કૈક અલગ જ ભાવ છવાયેલાં હોય તે સ્વાભાવિક છે. દિવાળી નજીક આવી નથી કે, વિદેશમાં વસવાટ કરતાં આપણે, તમે ને હું, બાળકો પાસે વીતેલાં સમયના ગાણાં ગાવાનું ચાલુ કરી દઈએ છીએ. બિચારાં આપણા છોકારાવનું માથું પકાવી દઈએ છીએ. હજી આપણા માનસપટલ પર તો….

વળાવી બા આવી – ઉશનસ્

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

જ ઘૂમ્યા કરે છે.
જે સાલમાં દેશ છોડ્યો ત્યાં જ અટકેલી જીંદગી….

આપણે વિદેશમાં વસતાં હોવા છતાં દેશીપણું જાળવી રાખવા ચોખ્ખાચણાક ઘરને અકારણ જ દિવાળીની સાફસૂફીના નામે સાફ કરવાનું બીડું ઉપાડી, બાળકો પર જબરદસ્તી સાફસૂફી અભિયાન લાદી દિવાળીના દિવસોની શરૂઆત કરીએ. મારા દિલમાં બાળપણથી છુપી મૂંઝવણ વિષે વાત કરું તો, માથે ચાંદી ચમકવા લાગી તો’ય મને સમજાયું નથી કે, “સાફસુથરું ઘર દિવાળીના નામે કેમ ઘસીઘસીને સાફ કરવામાં આવે છે?! આ ગધ્ધાવૈતરું પાછળની કથા કોઈ જાણતું હોય તો અચૂક મને મેસેજ કરજો. મેં નાનપણમાં છટકબારી શોધવા મારા પરદાદીનું બૌ માથું ખાધું હતું. પણ, એ’ય બિચારા અજાણ. ”आगे से चली आती है..”_एक ही घिसापिटा जवाब!

હાં, વીતેલો સમય યાદ કરીએ તો, એ સમયે કરેલું કમરતોડ કામ પણ આજે બૌ મીઠું લાગે છે. દિવાળીના સફાઈ અભિયાનના ભાગરૂપે માળીયે ચડી ધૂળ ચડેલો સામાન સાફ કરતાં ખાટ્ટામીઠ્ઠા સંસ્મરણો વાગોળવાની મજ્જા કંઇક અનેરી જ હતી. કોઈ કોથળામાંથી તાંબા-પિત્તળના વાસણ ખખડે ને હિંડોળે હિંચકતા દાદીમાનો, એમના જમાનાની વાતોનો પટારો’ય ખુલે. ધમાચકડી ભૂલી, ઘડીભર બાળમંડળી સાંજ ઢળ્યે પક્ષીઓ માળામાં પાછા ફરે એમ દાદીમાના પડખે ભરાય જાય. મા-કાકી-ફૈબા.. મહિલા વૃંદ પણ બે ઘડી ઓસરીમાં પોરો ખાતા, ગુસપુસ કરતાં કે ભજન-ગીતો ગણગણતાં શાકભાજી સાફ કરવા બેસે. અહીં, અચૂક કહેવાનું મન થાય કે, એ સમયની સ્ત્રીઓ કામકાજની સાથોસાથ, સંબંધો ને શોખ બંને નિભાવી જાણતી. ભાગ્યેજ, “સમય ક્યાં છે?!” નું રોદણું સાંભળવા મળતું.

માળીયેથી જો જૂની પતંગ-દોરનો થેલો જડ્યો તો તો દિવાળી પહેલાં જ ઉતરાણનો માહોલ આખા મહોલ્લામાં છવાય જાય. “વહેંચીને જ વ્યવહાર સંચવાય ને તહેવાર ઉજવાય.”_એ તો જાણે સૌના લોહીમાં જ. “એકલપંડા જી’વાય શે?!”

હવે, સમયની સાથે ઘર, કુટુંબ ને કદાચ મન પણ compact થઇ ગ્યા છે. વીત્યો સમય વાગોળવો હોય તો’ય આસપાસ કોણ છે કે, જે સાંભળે?! દાદા-દાદીમાં શહેરમાં જ છે પણ એમને મળવા જવાનો સમય આપણી પાસે જ નથી. કાકા, મામા, ફૈબા, માસી અરે..રે.. મોટાભાગનાં સગાસંબંધીઓ walkable distance કે પછી 10/15 minute drive પર જ રહે છે. પણ, મનમેળ ક્યાંથી લાવવો?! કોઈ કરતાં કોઈને પોતાની so called privacy સાથે compromise કરવું નથી ને એકબીજાની life-style નો ક્યાંય મેળ ખાતો નથી કે પછી ખવડાવવા માંગતા નથી. આખા વર્ષની રજાઓની પૂર્વતૈયારીઓ સૌએ પોતપોતાની રીતે કરી લીધી છે. કોઈ કરતાં કોઈ એમાં બાંધછોડ કરવા માંગતા નથી.

દિવાળીમાં ઘરે રહો તો, “ડેકોરેશન મટીરીયલ, કપડાં-દાગીના, ફટાકડાં, ખાણીપીણીના ખરચા ને એટલું ઓછું હોય એમાં પાછા “સાલ મુબારક” કરતાં બહારગામથી કોઈ દેશી મહેમાન ટપકી પડે તો તો.. ઓ બાપ રે… આટલી મોંઘવારીમાં.. આટલાં પૈસામાં તો આખા કુટુંબ(અહીં, કુટુંબ એટલે.. इन..मीन..तीन..!)ની ફોરેન ટ્રીપ થઇ જાય.” ને, જીગ્નેશભાઈએ સિંગાપોર-મલેશિયાની ટિકિટ બુક કરાવી જ લીધી ને જીગીશાબેન ઉપડ્યા છે મોલમાં. લેટેસ્ટ સ્ટાઈલના ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ ટીશર્ટ-કેપ્રીની ખરીદી કરવા. હવે, અહીં મોંઘવારી કોઈને નહીં નડે. अपने status का सवाल है मेरे भाई!!

પહેલાં તો, સંયુક્ત કુટુંબને લીધે ઘર ડઝનબંધ છોકરાવની ધીંગામસ્તીથી ધમધમતું રહેતું. ઓસરીમાં હિંડોળે બેઠા દાદા-દાદીની નજર આખા ઘર પર રહેતી. મા-કાકી-ફૈબા વચ્ચે ગમે તેટલાં વિચારભેદ હોય, ઘરમાં પુરૂષોનું સમજદારીભર્યું વર્તન ને ખાસ તો દાદા-દાદીના માયાળુ, સમજુ તથા વ્યવહારિક સ્વભાવને કારણે કદિ મનભેદનો પ્રશ્ન ઉદભવતો જ નહી.

દિવાળીની સાફસૂફી પતી નથી કે દિવાળીના નાસ્તાની તૈયારીઓ શરૂ થાય. મઠીયા, ફાફડા, ચોળાફળી, ચકરી, ફરસીપુરી, ગળ્યા ને ખારા સકરપારા, પૌવાની ચેવડો, મગસ, મોહનથાળ, ઘુઘરા, સુંવાળી_આ તો, મોટાભાગનાં ગુજરાતી ઘરોનું સર્વસામાન્ય દિવાળી નાસ્તાનું લીસ્ટ. સંયુક્ત કુટુંબ ને મહેમાનોની અવરજવરને લીધે સઘળું બનાવવાનું પણ થોકબંધ. ઘુઘરાની કાંગરી સ્ત્રીવર્ગની ચીવટ ને કલાકારીગરી પર કાંકરીચાળો કરતી. મઠીયા, ફાફડા, ચોળાફળીનો લોટ આસપડોશ કે પુરૂષવર્ગની સવલત મુજબ જ બાંધવામાં આવતો. સહકુટુંબ કે પછી આસપડોશ સાથે હસીમજાક કરતાં સાંબેલું લઇ લોટ ખાંડવા ને ખેંચવામાં મસ્તીનો છોળો ઉછળે ને, લાગ મળતાં જ કોઈક સરફીરાની ટાંગ ખીંચાઈ પણ અચૂક થઇ જાય. કોઈનું નાક ચડી જાય તો કોઈ ભંડકીયે જઈ રિસાય. પણ, એ સમયે પોતીકાથી રીસાવાની’ય મજ્જા હતી. મનાવનારાની લાઈન લાગી જતી. અકારણ જ માફી માંગવામાં કોઈને ક્ષોભ નહોતો. જેનું મન મોટું હોય એ જ માફી માંગી શકે કે માફ કરી શકે. કદાચ એટલે જ, સંયુક્ત કુટુંબવ્યવસ્થા ટકી રહી હતી.

દિવાળીની સાફસૂફી પતી ગઈ ને નાસ્તાના ડબ્બા’ય ભરાયને અડધાં પાણીયારા પાસેના પિંજરામાં ગોઠવાય ગ્યા. તો, અમુકને ખાસ મહેમાનો માટે ઘરની વાનરસેનાથી બચાવી રાખવા અભેરાઈએ ચડાવવામાં આવ્યા. હાશ, મોટાભાગનું કામ પત્યું જ હતું, ત્યાં તો.. “હાલો ત્યારે, રંગોળીની ડિઝાઈન વિચારવા લાગો. ગઈ ફેરે ઓલા કમળાકાકીની ડેલીએ એની છોરીની રંગોળી જોવા આખો મહોલ્લો ઉભરાયેલો. આ આપણી ગગલીએ ‘ફઈન આરટ’માં એડમીશન લીધું સે તો બતાવી આલો બધાય ને, हम भी कुछ कम नहीं!” દિવાળી માણવા પિયરે આવેલ લતાફૈબાની હાંકલ પડી.

રંગોળી જે-તે કુટુંબનું કલા પ્રત્યેનું રસિકપણું છતું કરે છે. ગલી-મહોલ્લામાં એકબીજા સાથે અંતાક્ષરી રમતાં કે મજાક-મશ્કરી કરતાં રંગોની અવનવી ભાત ઉપસાવવાની મજ્જા’ય અનેરી હતી. શેરીનો તોફાની ટાબરિયો રંગોળી ભૂંસી ન જાય એ માટે વારાફરતી પહેરો’ય ભરવામાં આવતો. રંગોળી કરતાં કોઈ ચોક્કસ રંગ ખૂટી પડે તો બાજુના ઘરે માંગવા જવામાં ક્ષોભ કદીય નડતો નહીં. અરે, માંગવા જવાની જરૂર ભાગ્યે જ પડે. ચોરે બેઠાં વડીલોની નજર તળે કંઈ છૂપું રહેતું નહી. ‘કોની પાસેથી લેવા જઈશું?’_એ વિચારતાં હોઈએ ત્યાં તો, સામેની ડેલીમાં રહેતાં વાસંતીમાસીનો ગઠીયો કમરે બેટ મારી, રંગની કોથળી હાથમાં પકડાવી, પાછો ક્રિકેટ રમવા દોડી જાય. સમજમાં જ ન આવે કે, વાસંતીમાસીને ફરિયાદ કરવી કે આભાર માનવો?!

તમને પણ યાદ હશે જ કે, વર્ષો પહેલાં દિવાળીકાર્ડ મોકલવાની પ્રથા હતી. ઘણા કલાપ્રેમી ઘરોમાં તો, દિવાળીના કાર્ડ પણ બાળકો પાસે જ બનાવડાવવામાં આવતા હતા. હવે તો, email પણ out dated થઇ ગઈ. whattsApp मेरे भाई!

ધનતેરસના ધનની પૂજા. કાળીચૌદસે દાદીમાને ચાર રસ્તે પાણીનું કુંડાળું કરી; વડા મૂકીને “કકળાટ કાઢવાની” ઉતાવળ હોય ત્યારે જ બચ્ચાપાર્ટી “મા, મને’ય છમ્મમ વડુ..” કરતાં મા-કાકીનો સાડલો ખેંચતા દાલવડા ઝાપટવા તલપાપડ થતા હોય. ઘરનો જ ધંધો હોય તો તો, દિવાળીનો દિવસ એટલે ચોપડાપૂજન ને પછી મોડી રાત સુધી ફટાકડા. હજી માંડ સુતાં હોઈએ ત્યાં તો, પરોઢિયે “સબરસ… સબરસ…” ડેલીની સાંકળ ખખડે ને મા/દાદીમાનો મમતાભર્યો હાથ માથે ફરે, “ચાલો જલદી ઉઠી જાવ, નહી તો આખું વર્ષ ઊંઘવામાં જ વેડફાશે.” નાહીધોઈને સહકુટુંબ પૂજાપાઠ પત્યાં નથી કે, વડીલોને પગે લાગવા બચ્ચાપાર્ટીની ધક્કામુક્કી, નજર તો દાદાજીની બંડીના ગજવા પર જ ચોંટી હોય. (માત્ર દાદાજી જ નહીં મોટાભાગનાં વડીલો બાળકોને આશિષ રૂપે ૫/૧૧/૨૫ રૂપિયા આપતાં. રાત પડ્યે બાળમંડળી ચમકતી આંખો સાથે ગણતરી માંડે ને કડકડતી નોટો મનેકમને ગલ્લામાં ગડી કરીને સરકાવતી. એ સમયે આશિષ રૂપે મળતા ૫/૧૧/૨૧ રૂ. આજે અમૂલ્ય લાગે છે.) દિવાળીના નાસ્તા દિવાનખાનામાં કે ઓસરીમાં ગોઠવાય ને રસોડેથી આદુ-તુલસીવાળી ચાની સોડમ આંગણે પ્રસરી નથી કે, “સાલ મુબારક” કરતાં મહેમાનોની અવરજવર ચાલુ….

આવી જ મધમીઠી યાદોને તાજ્જી કરવા તથા બાળકોને દેશની દિવાળીની મજ્જા કરાવવા વિમલભાઈ આ જ દિવાળીએ કુટુંબીજનોને surprise આપતાં દિવાળીને દિવસે જ પોતાને ગામ પહોંચ્યા હતા ને, પોતે જ surprise પામી અવાચક થઇ ગ્યા. ચોપડાપૂજન પત્યું નથી કે, પરિમલભાઈએ અધૂરું પેકિંગ પતાવી ભાઈને પૂછ્યું, “અમે તો સાપુતારામાં હોટેલ બુકિંગ અગાઉથી કરાવી રાખ્યું છે, બા તો તહેવારમાં ઘરે તાળું મારવાની ના પાડે છે. તમારે શું કરવું છે? સાથે આવશો કે બા સાથે રહેશો?” NRI विमलभाई, लो अब कर लो अपने वतनकी दिवाली की बड़ी बड़ी बातें! એ તો; એમના બાળકો સમજુ ને સંસ્કારી કે, situation સંભાળી લીધી ને, દાદીમાની વાર્તાઓના પટારા પરથી’ય આ નૂતનવર્ષે ધૂળ ખરી. જે થાય તે સારા માટે જ થાય.

અઠવાડિયામાં બા સાથે દિવાળી ઉજવી વિમલભાઈ ઘરભેગાં. લેન્ડલાઈનના વોઈસ-મેસેજ ચેક કરતાં જણાયું, On Saturday Diwali PujaPath & celebration with pot-lock @Kalpanaben’s backyard અને On Sunday Super Duper New Year Celebration @Beach Resort, 30$ per head.

સર્વે મિત્રો વિમલભાઈની દિવાળી વિષે જાણવા આતુર હતા. “અમારી કારનો હોર્ન સંભળાયો નથી કે, બાએ જ બારણાં ખોલ્યાં….”_વિમલભાઈ એટલું બોલ્યાં ને, આંખે ઝળઝળિયાં..

_ આરતી પરીખ (ખોબર, સાઉદી અરેબિયા)
કારતક વદ ૮, વિક્રમ સવંત ૨૦૭૨

Advertisements

13 thoughts on “બાએ જ બારણાં ખોલ્યાં..

 1. ખુબ સુંદર વર્ણન, જુની દિવાળી, નવું વર્ષ, ઘૂઘરા, સુંવાળી, ( જે બે ઘણા વર્ષો થયા ચાખ્યા પણ નથી) એન તૈયારીઓ, બધું યાદ કરાવ્યું, આરતીબેન તમે તો, એન સામે લુપ્ત થતા રીવાજો, સંબંધો પર પણ ધ્યાન દોર્યું, અને છેલ્લો ફકરો, આંખ ભીની કરી ગયો,
  આજના જમાનામાં બધાને culture સાચવવું છે પણ રીતિરિવાજ, જે cultureનું અવિભ્ન્ન અંગ છે એ સ્વીકારવું નથી, સંબંધો જાળવવા છે પણ એને માટે કશું જતું કરવું પડે તે પોસાતું નથી, એનું સ્વભાવક વર્ણન કર્યું માટે અભિનંદન સાથે આભાર, ( એક અનુપમભાઈ વહેતા મુકેલા વિચારનું તાદૃશ્ય લેખાંકન કરવા માટે,)

  Liked by 1 person

  • લોકનજરે અમે પતિ-પત્ની રીતરીવાજો પ્રત્યે થોડા વધુ પડતા ચીકણા છીએ. શક્ય કોશિશ હોય છે કે, આપણા તહેવારો પારંપરિક રીતે ઉજવી શકીએ. કદાચ એટલે જ, દેશમાં તહેવારોની ઉજવણીના બદલાતા રૂપરંગ ખૂબ ખૂંચે છે.
   મારી બંને દીકરીઓને ગુજરાત છોડ્યે ૧૨ વર્ષ વીતી ગયા અને હજી નાની છે, સ્કુલમાં ભણે છે તેમછતાં જ્યારે ઇન્ડિયા જઈએ ત્યારે અનુભવીએ કે, ગુજરાતમાં રહેતી ગુજરાતી છોકરીઓની સરખામણીએ કામકાજ કે સંસ્કારમાં ક્યાંય ઉતરતી નથી. આટલી નાની વયે ઘરની જવાબદારી લેવા જેટલી સક્ષમ છે.
   સાઉદી અરેબિયા આવ્યા ત્યારે, અમારાં એક મિત્રે બહુ સરસ વાત કરી હતી કે, બાળક છે. એને શું સમજ પડે?! ક્યારેક આપણે નાનપણમાં છોકરાવને માથે એમને ગમે કે ન ગમે, આપણા રીતરીવાજો ને ધાર્મિક સંસ્કાર થોપવા જ પડે છે. અત્યારે અજુગતું લાગશે પણ આગળ જતા એનું પરિણામ ખુબ સરસ આવશે. આ વાત ગળે ઉતરી ગઈ ને શક્ય કોશિશ કરી. દીકરીઓ દિવાળી કે જે-તે તહેવારમાં એને અનુરૂપ દરેક પ્રકારના નાસ્તા બનાવવામાં, ઘરના ડેકોરેશનમાં મદદ તો કરે જ છે. એ ઉપરાંત, પૂજાપાઠ પણ બેખુબી કરી જાણે છે. તહેવારમાં આંગણું તો મારાથી પણ સરસ પૂજે. ઘરમેળે સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી શક્યાનો પરમ સંતોષ છે.

   Like

  • દિલની વાત ઘણા વર્ષોથી દિલમાં જ સંઘરી રાખી હતી. આપનું ફેસબુક સ્ટેટસ વાચ્યું એટલે રહેવાયું નહી… બસ, વ્યક્ત કરવાનું બહાનું મળી ગયું.. આભાર

   Like

   • અનુપમભાઈ, આપની અનુભવી જિંદગીના નીચોડ જેવો આપનો વિચાર અને શ્રીમતી આરતી એ એનું કરેલું વર્ણન, બંને અદ્ભુત છે, જે મેં જોયું અને અનુભવ્યું હતું, અને એ અનુભવને ક્યારેય એક્સુત્રીય વિચારમાં ફેરવવા ની ક્ષમતા નહતી, આપની પોસ્ટ અને આરતીબેનનું પ્રસંગાવલોકન વાંચીને આનંદ થયો અને ભાવિ આ વાતને ક્યાં લઇ જશે એનો વિચાર હું કકરી શકતો નથી, — બંને ને ખુબ ખુબ અભિનંદન।

    Like

  • नहीं मुजे ऐसी ज़िंदगी मंजूर नहीं है, मेरी सदा के लिए कोशिश रहेगी की, में अपनी संस्कृति और संस्कार अपने बच्चों को देने में सफल रहू और अपने समाज के लिए कुछ अच्छा कर शकू….

   Like

 2. આરતી પરીખ નું લખાણ ને તેમના હાઈકુ હંમેશા ખૂબ સુંદર હોય છે…પણ અહીં ડીટેઈલમાં તાદૄશ્ય વર્ણન તો ખૂબ પ્રશંસનીય છે…આરતી નું પ્રોત્સાહન હંમેશા મળ્યું ને એક NRI બીજા NRI ને સારી રીતે ઓળખી શકે સમજી શકે છે ભલે લોકો કહે સમય બદલાયો પણ જે સાલમાં દેશ છોડ્યો ત્યાં જ અટકેલી જીંદગી….એજ રહ્યુ સત્ય-પ્રણાલિકા-સંસ્કૄતિ ને સંસ્કાર 🙂

  Liked by 1 person

 3. આરતી પરીખ નું લખાણ ને તેમના હાઈકુ હંમેશા ખૂબ સુંદર હોય છે…પણ અહીં ડીટેઈલમાં તાદૄશ્ય વર્ણન તો ખૂબ પ્રશંસનીય છે…આરતી નું પ્રોત્સાહન હંમેશા મળ્યું ને એક NRI બીજા NRI ને સારી રીતે ઓળખી શકે સમજી શકે છે ભલે લોકો કહે સમય બદલાયો પણ જે સાલમાં દેશ છોડ્યો ત્યાં જ અટકેલી જીંદગી….એજ રહ્યુ સત્ય-પ્રણાલિકા-સંસ્કૄતિ ને સંસ્કાર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s