રોમેરોમથી જીવી જાણીએ ગુર્જરી ગુજરાતી ભાગ : ૫

image

ગદ્યના વિકાસ વિના કોઈપણ ભાષા સ્થાયી સ્વરૂપ ધરી ન શકે. તો પણ, વિચારોનું વાહન કરી શકે એટલું સામર્થ્ય ગુજરાતી ભાષાને સાહિત્યના ત્રીજા યુગ ગણાતા પ્રેમાનંદ યુગમાં પદ્ય દ્વારા પ્રાપ્ત થયું.

ઈ.સ. ૧૭૪૮ થી ૧૮૫૨ નો સમયગાળો સમાજમાં વૈષ્ણવોનું જોર ઘટતાં સ્વામિનારાયણ યુગ તરીકે ઓળખાયો. ઈ.સ. ૧૭૪૮ થી ગુજરાતમાં મરાઠી રાજ્ય સ્થાપ્યું. આથી જ અંગ્રેજ યુગની પહેલા સોરઠી તવારીખનો ઈ.સ. ૧૭૨૩ થી ૧૮૦૯ નો યુગ ગાયકવાડી યુગ તરીકે જાણીતો થયો. અ યુગમાં જ જૂનાગઢમાં અમરજી દીવાન ૧૭૬૦-૮૨, જામનગરમાં મહેરામણ ખવાસ ૧૭૫૦-૧૮૦૦, ગોંડલમાં ઠાકોર કુંભાજી ૧૭૫૩-૧૭૯૦ ને ભાવનગરમાં ગોહેલ વખતસિંહજી ૧૭૭૨-૧૮૧૬ માં થઇ ગયા. સાહિત્યિક વાત થતી હોય ને મારાથી સામ્રાજ્યની વાત પણ આવે ત્યાં, સંસ્કારીનગરી તરીકે વિખ્યાત વડોદરા ભૂલી જવાય એવું બને ?!

છેલ્લાં ચૌદસો વર્ષથી અસ્તિત્વ ધરાવતું માંડય ગુજરાતનું વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું ગામ વડોદરા કહો કે બરોડા. જેના માટે એમ પણ માનવામાં આવે છે કે, એક સમયે અહીં ભરપૂર પ્રમાણમાં વડના વૃક્ષો હતા. જેને કારણે વડનું નગર….આગળ જતા વિકાસ પામી વડોદરા તરીકે ઓળખાણ પામ્યું. વડોદરાના ગાયકવાડ વંશના આદિપુરુષ નંદાજી પૂના જિલ્લાના ખેડ તાલુકાના દાવડી ગામના રહીશ અને ભોર સંસ્થાનના એક કિલ્લાના ઉપરી હતા. કહેવાય છે કે, એક વખત કસાઈ લોકો ગાયોના ટોળાને તેમના કિલ્લા પાસેથી લઈ જતા હતા. તે વખતે મૂંગા પશુપક્ષીઓ પ્રત્યેના દયાભાવથી તેમણે કિલ્લાના કમાડ ખોલી ગાયોને અંદર લઈ બચાવી લીધી. આથી તે ગાયોને દ્વારમાં દાખલ કરી બચાવનાર એટલે ગાયકવાડ કહેવાયા.

જૂના જમાનાની બાંધણીનું શહેર કે પછી ગુર્જર કવિતાગંગાનું મહાતીર્થ. વડોદરા શહેરે એક જમાનો એવો પણ જોયો છે કે જ્યાં, ગામની મધ્યમાં આવેલ માંડવી નીચે પ્રેમાનંદની માણ ગાજતી… મોહાળની હવેલીએ દલપતરામનો તંબૂર રણકતો…. નરસિંહજીની પોળે ગોરીઓ ગરબા ગાતી ત્યારે એને સાંભળવા સુરત અને અમદાવાદના લોકો ઉમટી વળતા. ઢોલક, હાર્મોનિયમ, તબલાના તાલે માતાજી અને રાધાકૃષ્ણના શુદ્ધ ગુજરાતી ભાષામાં ગવાતાં ગરબાની આગવી શૈલી આજની તારીખે પણ યુવા-બરોડીયનોએ જાળવી રાખી છે. વડોદરાની નવલી નવરાત્રી વિશ્વસ્તરે આગવું સ્થાન પામી છે. વડોદરા શહેર પાસે મોટો ને મહામૂલો ગ્રંથભંડાર છે. જેમાંથી દશે દિશાઓમાં વિશ્વજ્ઞાનની સરવાણીઓ વહે છે. એક જમાનામાં એમ.એસ. યુનિવર્સીટીમાંથી શિક્ષણ મેળવવું એ વ્યક્તિગત લાયકાતમાં વધારો કરવા સમાન ગણાતું હતું.

18મી સદીમાં ગુજરાતમાં સર્વત્ર અશાંતિનો માહોલ સર્જાયો. મુસલમાન રાજાઓ અંદરોઅંદર લડવા લાગ્યા અને પરિણામ સ્વરૂપ ગુજરાત અંગ્રેજોના હાથમાં ગયું. સમાજમાં વૈષણવોનું જોર ઓછું થયું અને સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. આવા અશાંતિ અને દુઃખના દિવસોમાં ફરી આધ્યાત્મિક કવિતાનો પુનર્જન્મ થયો. આ સમયના કવિઓ દયારામ, ધીરો, પ્રીતમ, દેવાનંદ, બ્રહ્માનંદ અને નિષ્કુળાનંદ જયારે સ્ત્રી કવિયેત્રીઓ દિવાળીબાઈ અને કૃષ્ણાબાઈ.

“જેને રામ રાખે એને કોણ મારી શકે?…”, “સંત મળે સાચા રે….” જેવાં ભજનોથી ધીરો અભણની’ય જીભે ચડી ગયો. કાફિ એટલે 5 કડી અથવા 10 પંક્તિનું પદ. ટૂંકી અને સરળ શૈલીની કાફિઓ દ્વારા ધીરાએ લોકજાગૃતિ લાવી. “તરણાઓથી ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ…. ઊલટી સરિતા ચડે ગગન પર, વિના વાદળ વરસાય…” આજની તારીખે પણ, કાફિ એટલે તો ધીરા ની જ.

“આનંદ મંગલ કરું હું આરતી…”, “હરિનો માર્ગ છે શુરાનો…”, “તું તો રામ રટણ કર રંગમાં….”, “દેહમનુષ્ય ધરી હરિને ન જાણ્યા તેણે સર્વસ્વ ખોયું…”, “હરિભજન કરો, ભય લાગે…” જેવાં ભજનોથી સાધુજીવન જીવનાર અંધ પ્રીતમદાસએ સાખી, ધોળ, ગરબી જેવી અસંખ્ય રચનાનો દ્વારા સાવ સામાન્ય માનવીના દિલમાં પ્રભુપ્રીતિ જાગ્રત કરી.

“ચિત્ત તું શીદને ચિંતા ધારે?…”, “સાચું તો સગપણ રે…”, “વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું રે…”, “હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે…”, “શ્યામ રંગ સમીપે ન જાઉં….”થી જાણીતાં મધ્યકાલિન તેજસ્વી કવિ દયારામ મૂળ નર્મદા કિનારે આવેલા ચાણોદના ને ડભોઇના નિવાસી વૈષ્ણવ નાગર. તેમના જીવનકાળ દરમિયાન તેમણે ત્રણવાર ભારતની યાત્રા કરી જેના પરિણામ સ્વરૂપ તેમણે ૪૮ ગુજરાતી અને ૪૧ વ્રજ પુસ્તકો ઉપરાંત ૨૦૦ મરાઠી, ૨૪  પંજાબી, ૧૫ સંસ્કૃત અને ૭૫ ઉર્દુ રચનાઓ સમાજને આપી. ગુજરાતના નારીસંગીત અને ગરબીમાં દયારામનો ફાળો અમૂલ્ય છે. ઈ.સ. ૧૮૫૨માં તેમનું અવસાન થતાં સમયની જરૂરિયાતે જ ગદ્યને પ્રાધાન્ય મળ્યું.

જ્યાં સુધી આમજનતા, પ્રજામાં વિચારશીલતા ન આવે ત્યાં સુધી ગદ્ય સાહિત્ય પ્રચલિત થઇ શકતું નથી જ. સાહિત્ય માટે સમયની જરૂરીયાત પણ કારણભૂત હતી.

ગુજરાતી સાહિત્યનો નવો યુગ નર્મદ-દલપતથી જ શરૂ થયો.

1833માં વડનાગરા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલાં નર્મદાશંકર ગુજરાતના સાહસિક, વીર, સુધારક અને સ્વદેશાભિમાની સાહિત્યકારે કોલેજના અભ્યાસક્રમ બાદ ૨૩ વર્ષની વયે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. સાહિત્યિક અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી જ થયો. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવા ઉપરાંત સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે. તેમણે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા.

આત્મબોધ નર્મદનું પ્રથાન કાવ્ય. તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ  સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા તેમણે નવા ઢબની કવિતાઓ લખવી શરૂ કરી. ૨૩ મી નવેમ્બર ૧૮૫૮ ના રોજ પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું આપી “પૂર્ણ રીતે મા સરસ્વતિની સેવામાં આત્મસમર્પણ” કર્યું, ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેમણે  અરજ કરી કે, “હવે હું તારે ખોળે છું.” જે ગુજરાતી સાહિત્યની એક મહાન ઘટના ગણાય છે.

વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે. નિબંધો, ઇતિહાસ, કવિચરિત્રો, સંસારસુધારાના વિષયો, નાટકો વગેરે અનેક પ્રકારના ગ્રંથોના રચયિતા નર્મદાશંકરની કવિતામાં અંગ્રેજી સાહિત્યની અસર સૌપ્રથમવાર જોવામાં આવી. નર્મકોષ, નર્મગદ્ય, નર્મકથાકોષ અને ધર્મવિચાર એ નર્મદના કીર્તિસ્તંભો છે. તેમની ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’, ‘યાહોમ કરીને પડો, ફત્તેહ  છે આગે’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી ને લોકપ્રિય રચનાઓ રહી છે. ઈ.સ. ૧૮૬૪ માં તેમણે ‘ડાંડિયો’ પાક્ષિકની શરૂઆત કરી.

આ મહાન સાહિત્યકારે જીંદગીના વણાંકે આવી પડેલાં આર્થિક સંકટ નિવારવા સુરત છોડી મુંબઈ જઈને નાટકો લખવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબઈમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા, પણ આઘાત ન જીરવાતાં તરત ૧૮૮૬ માં સંધિવાથી મોતને ભેટ્યા.

વધુ આવતા અંકે…..

_ આરતી પરીખ

image

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s