ભીની આંખે ભાઈનો ચહેરો ફરકે,
ધૂણી ધખાવી આ આંખમાં મરકે.
~ આરતી પરીખ
Archive | August 2015
રોમે રોમથી જીવી જાણીએ ગુર્જરી ગુજરાતી ભાગ ૪
મિત્રો, આ પહેલાં આપણે ગુજરાતીભાષાના પ્રાચીનકાળ તથા આદિકાળ વિષે વાત કરી ચૂક્યા છીએ. ગુજરાતીભાષાનો સુવર્ણયુગ ઇ.સ. ૧૬૦૫ થી ૧૭૪૮ માનવામાં આવે છે. ૧૬મી સદીમાં દિલ્હીના પઠાણ સુલતાનોની સત્તા ભાંગવાથી, ધીમે ધીમે ગુજરાતના સુબાઓ સ્વતંત્ર થતાં ફરી સમાજમાં અંધેર ચાલ્યું. આ કાળમાં ગુજરાતમાં ૩ ઉપકવિઓ ખ્યાતનામ થયા હતાં_વસ્તો, વનરાજ અને તુલસીદાસ.
એમ કહેવાય છે કે, તુલસીદાસ સ્ત્રીપ્રેમી કહો કે પછી સ્ત્રીના અત્યંત દીવાના હતાં. એક અંધારી રાતે જંગલમાં બે કાંઠે વહેતી નદીમાં તરતાં તરતાં પોતાની સ્ત્રીને મળવા દીવાના થયાં. આવે વખતે પાણીમાં તરતી લાશને લાકડું માનીને તુલસીદાસે નદી પાર કરી એટલું ઓછું હોય એમ ગોખમાં લટકતાં નાગને દોરડું માની દીવાલ ઓળંગી પોતાની સ્ત્રી સુધી પહોંચ્યાં હતાં. આ વાતની જાણ થતાં, એ સ્ત્રીએ તુલસીદાસને બોધ આપ્યો_“આ દુનિયા ફાની છે; માટે હે તુલસી ! તું મારો મટી રામનો થાઃ જૈસી રતિ મમ દેહ મેં, તૈસી હરિ મે હોય; ચલે જાવ વૈકુંઠ મે, બાંહ ગહે ના કોય.” બસ, તે જ ક્ષણે તુલસીદાસજીની આંખો ખૂલી ગઈ અને સ્ત્રી પ્રતિ જે પ્રેમધારા તેમના હૃદયમાં તીવ્ર ગતિથી વહેતી હતી તે હવે ભગવાન પ્રતિ વહેવા લાગી.
તુલસીદાસ કૃત “શ્રી રામચરિતમાનસ” એટલે જેને ઘણાં લોકો તુલસીકૃત રામાયણ કહે છે તે અને વિનયપત્રિકા વગેરે ઘણાં જ તેમના પ્રસિદ્ધ ગ્રંથો છે. રામચરિતમાનસની ગણના તો અતિ ઉચ્ચ કોટિના સદ્દગ્રંથોમાં થાય છે. આજે ફક્ત ભારતમાં જ નહિ, પરંતુ વિદેશોમાં પણ અસંખ્ય મનુષ્યોનું જીવન ઉચ્ચતર બનાવવામાં આ ગ્રંથ સહાયક થઈ રહ્યો છે. આથી જ કદાચ લોકો તુલસીદાસજીને વાલ્મીકિના અવતારરૂપ માને છે.
“બીગરી કૌન સુધારે..”, “કોઈ પીઓ પિયાલા રામરસકા..”, “ઠુમક ચલત રામચંદ્ર..”, “શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન..” જેવાં અગણિત તુલસીદાસના ભજનોએ સમાજને આધ્યાત્મિક શાંતિનું પ્રદાન કર્યું છે. આજની તારીખેય સાહિત્યપ્રેમી ગુજરાતીઓને આ ભજનો કંઠસ્થ છે.
અકબરના વખતમાં થયેલ મૂળ ચાંપાનેર(પાવાગઢ)ના ગવૈયા બૈજુ બાવરાએ હરિદાસ નામના સંત પાસેથી સંગીત શિક્ષણ મેળવી અકબરના મશહૂર સાત રત્નોમાંના એક ગવૈયા તાનસેનને પરાસ્ત કર્યો હતો એ વાતથી ગુજરાતી સાહિત્ય તથા સંગીત પ્રેમીઓ વાકેફ હોય એ સ્વાભાવિક છે.
અકબરના મૃત્યુવર્ષથી મોઘલ સામ્રાજ્યના અંત સુધી ગુજરાતમાં પ્રમાણમાં શાંતિનો માહોલ રહ્યો. ગુજરાતના આર્થિક વિકાસનો પણ આ સુવર્ણકાળ ગણાય છે. સાહિત્ય ક્ષેત્રે પ્રેમાનંદ યુગ તરીકે જાણીતાં આ ત્રીજા યુગમાં ત્રણ મહાકવિઓ ગુજરાતને મળ્યાં : અખો, પ્રેમાનંદ અને શામળ.
મૂળ અમદાવાદના અને શરૂમાં પાદશાહી ટંકશાળમાં નોકરી કરનાર અખાનો જીવનકાળ ૧૬૭૧-૧૭૨૦. ગુરૂની શોધમાં ગોકુળમાં બ્રહ્મસંબંધની દીક્ષા લીધી ને પછી તત્વજ્ઞાનની ભૂખે જ કાશી પહોંચ્યાં. શુદ્રને હાથે પણ વેદશાસ્ત્રો રચાય એવાં અખાના મતથી ઉશ્કેરાઇને કાશીના બ્રાહ્મણ પંડિતો અને સંન્યાસીઓએ અખાના હસ્ત-લિખિત ગ્રંથો ગંગાજીમાં વહાવી દીધાં. અખાએ કાશી ત્યજ્યું એ વાતની જાણ થતાં પંજાબીઓ અખાને સન્માનપૂર્વક પોતાના દેશમાં લઇ ગયાં, ત્યાં અખાએ હિંદી, પંજાબી, ઉર્દૂ મિશ્રિત ભાષામાં પોતાનો પરમાત્માનો સાક્ષાત્કાર ખુલ્લો કર્યો. વળી, સામાજિક જીવનને અખાએ પહેલીવાર કવિતાનો વિષય બનાવ્યો.
લોકોમાં ચાલતી અધમતા, અંધતા, ઠગબાજી, પાખંડ અને અહંકારને વખોડી કાઢી છપ્પા દ્વારા અખાએ લોકોને શિખામણ દીધી. મૂર્ખાઈ તથા પાખંડની મશ્કરી કરી શિખામણ આપવામાં અને વેદાંત તથા લોકાચારના શાસ્ત્રીય ગ્રંથ લખવામાં અખા જેવો કોઈ બીજો કવિ ગુજરાતી ભાષામાં હજી સુધી થયો નથી. ધર્મ વિષે તેમના વિચાર સ્વતંત્ર હતા. છપ્પા એટલે અખાના જ. “એક દિન એવો આવશે..”, “તિલક કરતાં ત્રેપન થયાં..” જેવાં ૭૪૬ છપ્પા આપનાર અખો આજે પણ લોકોના દિલમાં વસે છે.
પૌરાણિક શૈલીના મહાકવિ એટલે પ્રેમાનંદ. વડોદરાના રહીશ બ્રાહ્મણ પ્રેમાનંદે હિંદીભાષા પરના પ્રેમને લીધે પહેલાં તો વ્રજભાષામાં જ કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી. પણ, પછી ગુરૂના ઉપદેશથી તેઓ ગુજરાતીમાં કવિતા લખવા લાગ્યાં.
પ્રેમાનંદના સમયે ગુજરાતમાં ઔરંગઝેબનું રાજ હતું. એ સમયે એમ કહેવાતું કે, સોળ આનાની મારવાડી, બાર આને કચ્છી, મરાઠીના આઠ આના, ગુજરાતીનો તો એક આનો’ય ન ઉપજે. “Marwari language is valued at 16 aanas (Equv. To 1 Rupee), Kachhi language is valued at 12 aanas; Marathi language is valued at 8 aanas, While gujarati language is valued at 4 paise (Equv. To 1 aana)”
ગુજરાતીભાષાને નિમ્નસ્તરેથી ઉપર લાવવા ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને હિંદી અને સંસ્કૃતની હરોળમાં ન મુકું ત્યાં સુધી પાઘડી નહિ બાંધુ.’_નું વ્રત લેનાર પ્રેમાનંદએ પૌરાણિક આખ્યાનો સંસ્કૃતને બદલે પ્રાકૃત ભાષામાં સંભળાવી શ્રોતાઓના દિલ જીતી લીધાં. શેક્સપિયર માફક તેણે પણ બીજાનાં કાર્યને સુધારી આપ્યું.
પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાના કવિ મનાય છે. કહે છે કે, વડોદરા ગામની મધ્યમાં આવેલ માંડવીની નીચે પ્રેમાનંદની માણ ગાજતી. તેઓ ધારે ત્યારે શ્રોતાજનોને હસાવતાં, ધારે ત્યારે રડાવતાં ને ધારે ત્યારે શાંતિરસથી પરમ શાંતિનો અલૌકિક આનંદ પણ કરાવતા હતાં. એમની ખુબી એ હતી કે, એમને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી ન હતી અને એ એવી સ્વાભાવિક રીતે કરતાં કે, લેશમાત્ર પણ રસભંગ થતો નહીં. પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ ‘રાસકવિ’ તરીકે ઓળખાતા હતાં. જયારે મુઘલ રાજાઓ કે ઔરંગઝેબ તેમને ‘મહાકવિ પ્રેમાનંદ’ તરીકે સંબોધતા તેમ કહેવાય છે.
સુદામાચરીત, મામેરું અને નળાખ્યાન આ ત્રણેય એમની કવિતાનાં ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, રણયગ્ન, અભિમન્યુ આખ્યાન, દશમસ્કંધ, હૂંડી, સુધન્વાખ્યાન, મદાલસા આખ્યાન વગેરે આખ્યાનો નોંધપાત્ર છે.
“જેવાં છીએ એવાં નાથ નિભાવજો..”, “ધન્ય જશોદા, વણ પ્રસવે થઇ માતા રે..”, “ચરણ શરણ ઘનશ્યામ હું તારે..” જેવાં અનેક પ્રેમાનંદના કાવ્યો દેશભરમાં એવાં તો પસિદ્ધ થયાં કે, ગામડાગામના અભણના મોઢે પણ સંભળાવા લાગ્યાં. સમય જતાં, ઓખાહરણ, શ્રાદ્ધના દિવસોમાં નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ, સીમંતના પ્રસંગોમાં મામેરું, ચાતુર્માસમાં દશમસ્કંધ, નવરાત્રીમાં દેવીચરીત્ર, દર શનિવારે સુદામાચરિત્ર અને દર રવિવારે હૂંડી ગાવાનો ગુજરાતના શહેરો અને ગામડામાં સમ્પદાય પડ્યો. આજની તારીખે પણ આપણે કહીએ જ છીએ, ‘આખ્યાન તો પ્રેમાનંદના જ’.
વિક્રમવેતાળની વાર્તાઓ વાંચી કે સાંભળી ન હોય એવો ભાગ્યેજ કોઈ ગુજરાતી હશે. લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે લખાયેલી આ વાર્તાઓના રચયિતા/લેખક કહો કે ગુજરાતીભાષાને સૌપ્રથમ વાર્તાકાર કહો ગોમતીપુર અમદાવાદના રહેવાસી શામળ ભટ્ટ. સમયને ચીતરતી અને સંસારને અવલોકતી કલમ એટલે શામળ ભટ્ટ. એમ કહેવાય છે કે, એક વખત શામળની કથા છોડી લોકો ભવાઈ માણવા જવા લાગ્યાં. વળી, એક ભવૈયાએ સંભળાવ્યું કે, “તારામાં લોકોને પકડી/જકડી રાખવાની તાકાત ન હોય તો આ ધંધો છોડી ઘેરઘેર લોટ માંગવાનું ચાલુ કર.” બસ, આ તીખા વેણનો જ પ્રતાપ.. શામળનું સ્વમાન એવું જાગ્યું કે, ગુજરાતી સાહિત્યને વિક્રમવેતાળ/બત્રીસપૂતળીની વાર્તાઓ મળી. શામળની વાર્તાઓએ એવો તો માહોલ ઊભો કર્યો કે લોકો ભવાઈ વિસરી શામળની વાર્તાઓના દીવાના બન્યાં.
સંસ્કૃત, હિંદી તથા ગુજરાતી જૈન સાહિત્યનો આધાર તેમની વાર્તાઓમાં જોવા મળે છે. “સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર.” જેવી પંક્તિમાં એમણે મુક્ત મને તેનો સ્વીકાર કર્યો. શામળએ ‘સિંહાસન બત્રીસી’ કહો કે ‘સૂડાબહોંતેરી’ ની વાર્તાઓ પૌરાણિક કથાઓના આધારે રચી હતી. શામળના સમયે ઉર્દૂ રાષ્ટ્રભાષા હોવાથી તેના કાવ્યોમાં ફારસી અને અરબીમાંથી ઉદભવેલા શબ્દો ગુજરાતીઓને મળ્યાં. ગુજરાતી ભાષાના ઘડતરમાં શામળનો ફાળો બહુ મોટો છે.
વધુ આવતાં અંકે….
_ આરતી પરીખ
Reservation Free NISARG
અંધારી રાતે
ધોધમાર વરસતાં વરસાદમાં
ફૂટપાથ પર
ટૂંટીયું વાળી
હાલમાં જ મરેલી મા નો
ફાટલો સાડલો
માથે નાખી
બેઠેલી એ બાળકી
કૌતુક ભરી નજરે
સડકના ખૂણે દેખાતા
આલિશાન બંગલાની
બારીમાંથી દેખાતી
ટૅડીબૅરથી રમતી
બૅબીને
નિહાળતી રહી……
.
.
.
.
.
ત્યાં તો,
પંખીઓનો કલરવ…..
ને,
.
.
સૂર્યના સોનેરી કિરણો
મા ના સાડલેથી
ટપકતી
બૂંદોમાં’ય
ચમકી ગ્યા……
~ આરતી પરીખ
મનઃસ્થિતિ
દર્દ-વ્યથા છે મનઃસ્થિતિ,
ન છૂટકારો મળે મૃત્યુ થકી.
_આરતી પરીખ
વળ
ઉતારવા ગ્યા’તા વળ જીંદગીના,
ન્હોતી ખબર મૃત્યુ જ વળગી જશે.
_આરતી પરીખ
એકાંત
ટોળા વચ્ચે’ય
એકાંત અનુભવે
અલિપ્ત રહી
_ આરતી પરીખ
એકલતા
નદી કિનારે
એકલતા ઢીંચીને
તરસી બેઠી.
_ આરતી પરીખ
યાદ
જેવી પણ છે; એ એક જ તો મારી છે,
ખાટીમીઠી મારી યાદો સૌથી ન્યારી છે.
_આરતી પરીખ
સજા
માણતાં આવડે તો; મજ્જા એ મજ્જા,
બાકી; જીંદગી નામે સૌથી કઠીન સજા!!
_આરતી પરીખ
તાન્કા
માથે ચડે જો,
રૂપિયો કે આ રૂપ,
કાતિલ નશો,
ખાધી જો પછડાટ,
અસ્તિત્વ ધૂળધાણી.
_ આરતી પરીખ