આનંદ, ઉત્સાહ, ઉપદેશની સાથોસાથ રસ જગાવે એવું મનોરંજક લખાણ એટલે લલિતકળાનું સાહિત્ય. જ્યારે તેમાં ઇતિહાસ, અર્થજ્ઞાન, તત્વજ્ઞાન વગેરેનો સમાવેશ કરવામાં આવે ત્યારે જ એ સફળ સાહિત્ય કહેવાય.
શરૂઆતમાં ગુજરાતી ભાષા રાજ્ય ભાષા નહિ હોવાથી તથા ગુજરાતી બોલનારી પ્રજામાં વિદ્યાના સંસ્કાર બહુ પ્રસર્યા ન હોવાને કારણે પણ આપણી આ ભાષાનું સાહિત્ય લગભગ ૩૦૦ વર્ષ સુધી વિશેષ વધી શક્યું નહિ.
સર્વ સામાન્યપણે માનવામાં આવે છે કે, જે ભાષા હાથ ઉપાડ્યા વગર મહત્તમ લખી શકાય એ ભાષા ઉત્તમ અને આ ભાષાની પ્રગતિ પણ સારી થઇ શકે. આ જ કારણે અંગ્રેજી/ઈગ્લિશ વિશ્વવ્યાપી ભાષા બની. આ દ્રષ્ટિએ આપણી ગુજરાતી ભાષા લખવામાં થોડી અઘરી ને અટપટી કહી શકાય. ગુજરાતી લિપિ લખવામાં, છાપવામાં કે પછી ટાઈપ કરવામાં સહેજેય સરળ નથી. વળી, અમુક સ્વર/વ્યંજનના વણાંકમાં નજીવો જ ફર્ક હોય ભૂલ થવાની શક્યતા મહત્તમ રહે છે.
સાહિત્યમાં પદ્ય અને ગદ્ય એમ બે મુખ્ય પ્રકાર. કાવ્યાત્મક ભાષામાં લખાયેલું સાહિત્ય એટલે જ પદ્ય સાહિત્ય. ગુજરાતી ભાષાના ઉદયકાળમાં માત્ર ને માત્ર પદ્ય સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. ગદ્ય સાહિત્યનો આસ્વાદ તો છેક ૧૮/૧૯મી સદીમાં ગુજરાતીઓને માણવા મળ્યો.
ગુજરાતી કવિતા/પદ્યને આપણે પાંચ યુગમાં વિભાજીત કરી શકીએ.
(૧) પ્રાચીન યુગ. કે જેમાં જૈન દેવાલયોમાં જૈન મુનિઓ દ્વારા રચિત કાવ્યોનો સમાવેશ થાય છે. કે’વાય છે કે, આ અમૂલ્ય સાહિત્ય દેવાલયો સાથે જ દટાય ગયું.
(૨) બીજો યુગ કહો એ આદિકાળ. ૧૫/૧૬મી સદી એટલે ગુજરાતી પદ્ય સાહિત્યનો આદિકાળ. મુખ્યત્વે, ભક્ત કવિ નરસિંહ મહેતા અને કૃષ્ણભક્ત મીરાંબાઈનો યુગ. જે વિષે આપણે આ પહેલાં વાત કરી ચૂક્યાં છીએ. આ ઉપરાંત, વિષ્ણુદાસ, ભાલણ, પદ્મનાથ, પશ્તો વગેરે કવિઓ પણ આ જ યુગમાં થઇ ગયાં.
(૩) ત્રીજો યુગ એટલે પ્રેમાનંદ યુગ. પ્રેમાનંદ સિવાય તત્વજ્ઞાન વેદાંતી અને કથાનિપુણ શામળ ઉપરાંત વલ્લભ, નાકર, વીરજી અને રત્નેશ્વર જેવાં કવિઓનું યોગદાન ગુજરાતી સાહિત્યિક ક્ષેત્રે પ્રસંશનીય રહ્યું હતું.
(૪) ચોથો યુગ એટલે જ દયારામ યુગ. ૧૯મી સદીની શરૂઆતમાં દયારામે શ્રુંગારરસથી છલોછલ કાવ્યોનો આસ્વાદ કરાવ્યો. આ સિવાયમાં પ્રિતમ, ભોજો, ધીરો, મનહર, ગિરધર અને નિષ્કુળાનંદ વગેરે કવિઓ પણ આ જ યુગમાં થઇ ગયાં.
(૫) અર્વાચીન યુગ/નર્મદ યુગ. આ યુગનો આરંભ કવિ દલપતરામથી કરી શકાય. આજ યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની છાયા ગુજરાતી સાહિત્ય પર પડેલી જોવામાં આવે છે. સાહિત્ય ક્ષેત્રે યોગદાન જોતાં, ખરા અર્થે તો, અર્વાચીન યુગ એટલે નર્મદ યુગ. નર્મદાશંકર કે જેમણે ગુજરાતી સાહિત્યને ગદ્યનો ખરા અર્થે પરિચય કરાવી ગુજરાતી ભાષાને એક નવા જ શિખરે પહોંચાડી.
તબક્કાવાર આપણે આ દરેક યુગ વિષે વાતો કરીશું જ. વચ્ચેવચ્ચે સાહિત્યની સાથોસાથ રાજકીય ઉથલપાથલ પર નકારી શકાય નહિ જ. કારણકે, ગુજરાતના ઇતિહાસમાં ઘટેલી મહત્વની રાજકીય ઘટનાનોમાં સાહિત્યનો ફાળો અમૂલ્ય રહ્યો છે. આજે આપણે ગુજરાતના રાજકીય અને સાહિત્યિક ઇતિહાસમાં નારી શક્તિ વિષે જાણીએ.
ઈ.સ. ૧૦૯૬થી સોલંકી વંશના પ્રતિભાશાળી રાજા સિદ્ધરાજ જયસિંહએ પાટણની રાજગાદી સંભાળી. સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતની પ્રજા પણ તેના શાસન તળે સુખશાંતિ અને સમૃદ્ધિ પામી. કહે છે કે, ઇ.સ. ૧૧૧૪માં જયસિંહે જૂનાગઢ પર ચડાઇ કરી. કારણ માત્ર એક રૂપાળી તેજીલી સ્ત્રી રાણક.
સિંધમાં ત્યજાયેલી કન્યા રાણકને જૂનાગઢના મજેવડી ગામના કુંભારે પાળી-પોષીને મોટી કરી. એક વખત સિદ્ધરાજના દરબારીઓ ફરવા નિકળ્યા ને આ કુંભારને ત્યાં રાત રોકાયા. સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પરંપરા હતી કે, કોઇ અજાણ્યો વટેમાર્ગુને ગામમાં રાતવાસો કરવો હોય ને જો ગામમાં કોઇ તેને જાણતું ના હોય તો કુંભારના ઘરમાં તો આશરો મળે જ મળે!! દરબારીઓએ રાજાને રૂપવતી ગુણિયલ રાણકની વાત કરતાં રાજા તરફથી ‘માગુ’ નખાય એ પહેલાં જ પહેલી નજરે પ્રેમ થતાં રાણકના જૂનાગઢના રાજા રા’ખેંગાર સાથે ઘડિયા લગ્ન લેવાયા. લોકવાયકા છે કે, એકતરફી પ્રેમભગ્ન જયસિંહે જૂનાગઢ સર કરી રા’ખેંગાર અને તેના બંને પુત્રોનો વધ કરી, રાણકને બળજબરીથી ખેંચવા લાગ્યો ત્યારે, રાણકે મદદે આવવા ગિરનાર પર્વતને સંબોધન કર્યું,
ઊંચો ગઢ ગિરનાર,
વાદળથી વાતું કરે
મરતા રા‘ખેંગાર
રંડાયો રાણકદેવીને,
ગોઝારા ગિરનાર
વળામણ વેરીને થયો,
મરતાં રા‘ખેંગાર
ખરેડી ખાંગો નવ થિયો?
આ સાંભળી ગિરનારની શીલાઓ ધસમસવા લાગી ત્યારે વિનાશ રોકવા ફરી રાણકે કહ્યું,
મા પડ મારા આધાર
ચોસલાં કોણ ચડાવશે?
ગયા ચડાવણહાર,
જીવતાં જાતર આવશે!
ગિરનાર પર ટ્રેકિંગ માટે જઈએ તો ‘રાણકનો થાપો‘ નામે જાણીતી, એક જગ્યા એવી આવે છે કે જ્યાં વિશાળ શિલા અધ્ધર માંડમાંડ લટકેલી છે !! આ વીરાંગનાની વાત અહીં અટકતી નથી. જયસિંહને તાબે થવાને બદલે તેણે વઢવાણમાં ભોગાવાને પાદર અગનજ્વાળાની વચ્ચે બલિદાન આપ્યું તે પહેલાં સિદ્ધરાજ જયસિંહને તેણે કહ્યું હતું, ‘મને પામવાની લાલસા છે ને? તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇજા. કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે.‘ સ્ત્રીનાં ‘સતિ‘ થવાની સાથે પુરૂષના ‘સતા‘ થવાનું આવું આહ્વાન કરનારી ખરા અર્થે સોરઠી વીરાંગના રાણકદેવીને સત સત વંદન.
લોકવાયકા એવી પણ છે કે, અગ્નિચિતા પર તે ચઢી ત્યારે રાણકદેવીએ ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું : ”જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે; તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે: આપણે બન્ને એક સરખા છીએં..” ને, હંમેશ સુક્કીભઠ્ઠ રહી ભોગાવો નદી રાણકદેવીના બલીદાનની સાક્ષી પુરાવે છે.
હવે, લોકસાહિત્યમાં તેજસ્વિની તરીકે અમર થઇ ગયેલી રાણકદેવી ઉત્તમ કવયિત્રી હતી કે પછી તેનાથી પ્રભાવિત થઇને લોકકવિઓએ પ્રખ્યાત દુહાઓનું સર્જન કર્યું એ તો વણઉકેલ્યો કોયડો જ રહ્યો છે.
ઇતિહાસ તપાસતાં જણાશે કે, ગુજરાતના રાજકીય કે સાહિત્ય ક્ષેત્રે સ્ત્રીઓનો ફાળો આદિકાળથી જ અમૂલ્ય રહ્યો છે. આજે તો શું ભૂતકાળમાં પણ સ્ત્રીઓના ઉમદા શિક્ષણ, ઘડતર અને સુરક્ષામાં ગુજરાત અવ્વલ નંબરે રહેલું છે. સાલ ૧૫૬૪ની આસપાસમાં જ ગુજરાતના વડનગર ગામમાં જન્મેલી બે બહેનો તાના અને રીરીની સંગીત સાધના ઈતિહાસની અભૂતપૂર્વ ઘટનાનોમાં સ્થાન પામી છે.
લોકવાયકા છે કે, તાનસેનની સંગીત નિપુણતાની ઈર્ષા ધરાવતા અમુક ખાસ લોકોની ચડામણીથી અકબરે તાનસેનને દીપક રાગ ગાવાની આજ્ઞા કરી. દીપક રાગના ગાનથી તાનસેનનું શરીર અગન જ્વાળાથી પીડાવા લાગ્યું અને તાનસેનની આ અગનજ્વાળા નિવારણ માટે અકબરની સેનાના મુખ્ય અધિકારી એવાં અમજદખાન સમગ્ર ભારતમાં ફરતાં ફરતાં ગુજરાત આવતાં, તાના-રીરીની સંગીત સાધના વિષે જાણકારી મળી.
આ સમયે, સમાજમાં સ્ત્રીઓને મંદિરમાં ઈશ્વરની મૂર્તિ સમક્ષ જ સંગીત સાધનાની અનુમતિ હતી. તેમછતાં આ બંને બહેનોએ અકબરના દરબારમાં તાનસેન સમક્ષ રાગ મેઘમલ્હારના સુર રેલાવી, મેઘરાજાને વરસવા મજબૂર કરી તાનસેનને પીડાથી મુક્તિ અપાવી સંગીત ક્ષેત્રે તો પોતાની નિપુણતા પુરવાર કરી જ પણ, સાથોસાથ વખતે સમાજના જડ બંધનો તોડવાની સાહસિકતા પણ દાખવી_જે પ્રસંશનીય છે. કે’વાય છે કે, આ ઘટનાથી વડનગરના રહેવાસીઓમાં અંદરોઅંદર લડાય જેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી. સમાજના જડ નિયમોથી ઉભી થયેલી આ વિકટ પરિસ્થિતિને કારણે જ બંને બહેનોએ કૂવામાં કુદી આત્મહત્યા કરી. રાજા અકબરને આ ઘટનાની જાણ થતાં તેમણે તાના-રીરીના પિતાની માફી માંગી અને તાનસેનને ‘તાનારીરી’ નામે એક નવા રાગનું સર્જન કરવાનો આદેશ કર્યો.
તાના-રીરીની સ્મૃતિમાં ગુજરાતમાં દરવર્ષે તાનારીરી મ્યુઝીક ફેસ્ટીવલનું આયોજન થાય છે. વળી, ગુજરાતી સંગીત ક્ષેત્રે તાનારીરી મ્યુઝીક અવોર્ડસનું સ્થાન હંમેશ ઉચ્ચ કક્ષાનું રહેવાં પામ્યું છે.
વધુ આવતાં અંકે..
_આરતી પરીખ