કાચી કેરી જેવું ખાટુંમીઠું બાળપણ

વાર્ષિક પરીક્ષાઓ પૂરી થઇ નથી કે બધાં ઘરોમાં મહેમાનોનો રાફડો ફાટે. “મામાનું ઘર કેટલે…?” મામા ન હોય કે બહુ દૂર રહેતાં હોય એ બધાં દાદાજી/મોટાબાપા/નાનાજીના ઘરની વાત પકડે. કાં’ તો આપણે કોઈકના ઘરે મે’માન થઇ ગુડાણા હોઈએ કાં’ કોઈકે આપણે ઘેર ધામા નાખ્યાં હોય… એ’ય આપણા માટે તો મોજ્જા એ મોજ્જા ના દિવસો..

ઘરઘર, પાંચીકા, ઇસ્ટો, કેરમ, સતરંજ, ચોપાટ, લખોટી, ભમરડાં, સાતતાળી, આંધળોપાટો, સંતાકુકડી, નાગોલ/સતોડિયું, લંગડી…આહાહ… કેટકેટલી રમતો…

ને,
ગરમી લાગે એટલે જીભની સાથોસાથ, રોજ સવારસાંજ આપણી શેરીમાંથી જ નીકળતી માટલાં કુલ્ફી ને બરફગોળાની લારીની ઘંટડીનો અવાજ સાંભળવા કાન પણ તરસવા લાગે…. ને, ધીરજ ખૂટે…બરફગોળા વાળા ચાચાને આંખોના ભવા ચડાવતાં મોટામાણાના ઠાઠથી વહેલાં આવવા ટકોર પણ કરીએ…

એકબાજુ ઘરમાં મે’માનનો રાફડો ફાટેલો હોય, મમ્મી, કાકી/મામી/માસી/ફૈબા બા,નાનીમા બધાં જ આખો દિ’ રસોડામાંથી ઊંચા જ ન આવતાં હોય. વરાની રસોઈ હોય એમ સવારસાંજ થોકબંધ રોટલી/ભાખરી/થેપલાં/પૂરી…. એમાંય આ તો ઉનાળું રજાઓ… કેસર ને હાફુસ કેરીની સીઝન.. બૌ તોફાને ચડીએ ત્યારે બ/નાનીમા થોડીવાર હડીયાપટ્ટી ઓછી કરવાં આખી ફોજને ઓસરીમાં લાઈનબંધ બેસાડી દે. એમાંય, ચિલ્લરપાર્ટીને તો જાંગીયાભેર જ…કેરીઓ ઘોળાતી જાય ને એકએકના હાથમાં અપાતી જાય…

આહાહ…કેરી ઘોળતાં જાવ ને ચૂસતાં જાવ… કોઈની કોણીથી રસ ટપકે..તો કોઈની ડૂંટીએ રસ અટકે…. શું આપણું બાળપણ હતું…..

ને પાછી આ તોફાની ટોળી બપોર પડ્યે દાદીમા/નાનીમાની સોડમાં એવી જ શાંતિથી પોઢી જાય….હાશશશશ્……

ને, ઠામડા મંજાય જતાં ઘરની સ્ત્રીઓ આ તોફાનીઓ ત્રાટકે એ પહેલાં અથાણાંના કામમાં પરોવાય. મીઠું-હળદર ચોળીને રાખેલી થાનની બરણીને માથે બાંધેલું કપડું ખૂલે… ઓસરીમાં જૂનો સાડલો પથરાય…ને, પીઠી ચોળી નીકળ્યાં હોય એમ મીઠું-હળદર દીધેલાં કાચી કેરીના ટુકડાં સાડલામાં’ય પીળી ભાત પાડવા ગોઠવવા લાગે….

આહાહ…. શું એ ખાટ્ટીમીઠ્ઠી સુગંધ….આખા ઘરમાં પ્રસરવા લાગે… આખો દિ’ માટલાં કુલ્ફી ને બરફગોળા ખાઈને સાવ સુન્ન થયેલું શરદીથી સૂડસૂડ થતું એકાદ નાક આ ખાટ્ટી સુગંધથી ખુલી જાય…ને…..એવાં શેડા ચડાવે કે, દાદીમાની સોડમાં સુતેલી આખી ફોજ ચોક્કની થઇ જાય… મામી/કાકી/મામી ઓસરીમાંથી જાય એની જ રાજ જોવાતી હોય…ઊંઘવાનો તો ડોળ માત્ર હોય…

હળવેકથી જોયું કે,
દાદીમા/નાનીમાના નસકોરાં બોલે છે….એય્ય્ય્ય્ય……..ભાગો સીધાં ઓસરીમાં…ચપોચપ બે-ચાર-પાંચ કેરીના કટકા ઉપાડતાં જાવ ને ભાગતાં જાવ…સીધાં ચોકમાં…. કાકી/મામી/ફૈબાની રાડ પડે…

“એ મારાં રોયાં…ઉભારોરોરોરો…….અલ્યાવ આખા વરહનું અથાણું બગાડશો મારાં રોયાવ….”

વડીલો’ય જાણતાં જ હોય કે અડધોઅડધ તો છોકરાવ જ આરોગી જવાના છે એટલે એ પાક્કી ગણતરી સાથે જ કેરીઓ ઘરમાં આવી હોય…. 🙂

બસ, મીઠાં સંભારણાઓ….
હવે ઓસરી’ય નથી કે… નાનીમાનો સાડલો’ય નથી… કે ફૈબા/મામી/કાકીની મીઠી ટકોર પણ નથી… ને, “મામાનું ઘર કેટલે?!”_ય નથી…

પણ,
બાળપણના એ મીઠાં સંભારણા યાદ કરતાં હજી’ય અચૂક અથાણાં બનાવું છું… નસીબના ખેલ કે વિદેશમાં રહીએ છીએ પણ, દેશી રહેવું કે નહિ_એ તો આપણાં હાથમાં જ છે…. smile emoticon

~ આરતી પરીખ  ૧૧.૬.૨૦૧૫

( આ ફોટામાં જેટલી ખાલી જગ્યા દેખાય છે એ બધાં જ ટુકડાઓ હું’ય કોઈકને ને કોઈકને દિલથી યાદ કરી એકાદ ડૂસકું ભરતાં આંસુઓ રોકતી… આરોગી ગઈ છું…  હા, પતિદેવએ અચૂક ટકોર કરી હતી …. “બસ, કર…. સોજાં ચડી જશે…” પણ, આ બંદા માને ખરા ?!! )

2 thoughts on “કાચી કેરી જેવું ખાટુંમીઠું બાળપણ

Leave a comment