જીવી ગયું મારું અસ્તિત્વ, યાદોને જીવંત રાખવામાં !!

image

શિર્ષક  વાંચતાં પહેલી ક્ષણે તો ‘આહાહ..’ નો ઉદગાર નીકળી જાય. પણ, પછી આપણેય વિચારોના ચકરાવે ચડી જઈએ. સાવ સીધાં અર્થમાં જોઈએ તો, યાદ કે સ્મરણ એટલે વીતી પળો ફરી મન-મગજમાં તાજ્જી થવી.

પણ, કેવી યાદો ? કોઈ યાદ મધમીઠી હોય તો કોઈ કારેલાંથી’ય કડવી, કોઈ યાદ આંખોમાં સોણલાં સ્વપ્ન ફરી જીવંત કરી દે તો કોઈ ફરી નિરાશાભરી ખાઈમાં ધકેલી દે… કોઈ યાદથી ફરી જિંદગીની જંગ લડવા જોમ મળે તો કોઈની યાદ માત્રથી હતાશાના વાદળો ઘેરાઈ વળે. બાળપણની યાદો તો કેવી નટખટ ને સશક્ત હોય.. કાગળની હોડી થકી સમંદર પાર કરવાની વાતો હોય.. તો, જવાનીની યાદો તો આહાહ… ગામના સૌથી મશહૂર ખુમચાની પાણીપુરીનો સ્વાદેય ફિક્કો પાડી દે એવી ખટમીઠ્ઠી.. તીખી.. કરારી… આપણાં જીવનમાં યાદો જાતજાતની, ભાતભાતની ને કેટકેટલીય.. કોઈ સીમા નહિ.

દેશથી, ઘર-પરિવારથી દૂર જઈ વસ્યા હોય એને ઘેર કેટકેટલીય સાહ્યબી હોય પણ, શું કામની?! એકાંતે પરિવાર અને દેશની યાદમાં મન આકુળવ્યાકુળ જ રહેતું હોય… ત્યારે કદીક એવો વિચાર પણ આવી જાય કે, ‘આવી વિદેશની સાહ્યબી શું કામની?!’

ઘર આંગણું યાદ કરી ધોધમાર વરસે,

વિદેશી હરીયાળીએ માંકડું મન તરસે.

ઘણાં લોકોને યાદો વાગોળવી બહુ ગમતી હોય છે. ઉંમર વધે એમ વર્તમાનની વાતો ખાસ યાદ ન રહે પણ, ભૂતકાળ હાલતાં ને ચાલતાં આંખ સામે ખડો થઇ જાય. એ તો ઉંમરની સાથે આવતી બીમારીઓમાંની જ એક કહો તો ચાલે. એનો કોઈ ઈલાજ પણ નથી. પણ, જે લોકો યુવાન વયે જ યાદોમાં.. ભૂતકાળમાં.. ભૂતની જેમ ભમ્યાં કરતાં હોય એનું શું?! ભૂતકાળમાં ભમ્યા કરતાં લોકો’ય કંઈ એકલદોકલ નથી. અઢળક.. ઘણાં લોકોને એકાંત મળ્યું નથી કે, વીતી ક્ષણો દુઃખદ હોય કે સુખદ બસ, ભૂતકાળને યાદ કરવાની એક આદત.

એકાંત ભાળી,

યાદોના ટોળેટોળાં,

ઉમટી પડ્યાં.

થોડીક ક્ષણો એકાંતની મળી નથી કે, પરિવારના સભ્યો, સગાં-સંબંધીઓ કે પછી મિત્રોની વાતોમાં ખોવાય જતાં લોકો વિષે વિચારો તો એમ થાય કે, ઓહોહો…યાદોના ટોળેટોળાં ઉમટી પડ્યાં…કોને પહેલાં યાદ કરીએ ને કોને પછી? કોને વધુ ને કોને ઓછું યાદ કરીએ?…. ઉફફફ… છોડોને એનાં કરતાં તો, આકાશના તારાઓ ગણવા એ સહેલું કામ !!

પલક ઝબકે ને; તું યાદ આવે,

બંધ આંખે તારું સપનું સામે આવે,

ખુલ્લી આંખે વાસ્તવિકતા કાંસતાવે ?!

પ્રેમી પંખીડાઓ પ્રેમમાં પડ્યાં નથી કે, પ્રિત સાગરમાં હોલોળા લેવાં લાગે. વાસ્તવિકતાથી સાવ પર થઇ જીવવા લાગે. જયારે, જિંદગીના કડવા સત્યોનો સામનો કરવાનો આવે ત્યારે, તેમની નાવ હાલકડોલક થવા લાગે. કારણ, આજ સુધી માત્ર કાલ્પનિક દુનિયામાં જ જીવ્યાં. વિચારવાનો સમય મળ્યો તો, એ ક્ષણો’ય વીતી પળો યાદ કરવામાં વિતાવી. કદી ભવિષ્ય માટે વિચાર કર્યો જ નહિ. અબ પસ્તાયે ક્યા ફાયદા જબ ચીડીયા ચૂગ ગઈ ખેત..

જેમ હાથની પાંચેય આંગળી સરખી નથી એમ પ્રેમીઓ પણ કેટલીય અલગ વિચારધારાવાળા હોય છે. આ દુનિયામાં એવાં’ય ઘણાં પ્રેમીઓ મળી જશે કે, જિંદગીની વાસ્તવિકતાનો સહજ સ્વીકાર કરી, ખુબજ હકારાત્મક વિચારો સાથે જીવનની દરેક ક્ષણનો સાહજીક સ્વીકાર કરતાં હોય છે. આવા પ્રેમીઓ કદી દુઃખી થતાં નથી કે કોઈને દુઃખી કરતાં પણ નથી. એમની યાદો તો જાણે.. ઘરના હીંડોળે, પૂજાની થાળીમાં, ઈશ્વરને ચરણે ચડવા આતુર એવાં નિજ બગીચાના મહેંકતાં પુષ્પો..

પ્રિત સ્મરણ,

પુષ્પ સમ ઝુલતું,

મનહિંડોળે.

યાદો.. સંસ્મરણો જો મીઠાશથી ભરેલાં હોય તો, વર્તમાનને’ય મહેકાવી જાય છે. પણ, જો યાદો દુખદ હોય તો હંમેશ યાદોના સહારે જીવતો માણસ, વર્તમાન સુખદ હોય તો પણ એ સુખદ ક્ષણોને ભોગવી શકતો નથી. બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે, એવાં લોકો મોટાભાગે નકારાત્મક વિચારધારા ધરાવતા હોય છે. પોતે તો દુઃખી થાય ને બીજાને’ય દુઃખી કરે. આખું વાતાવરણ નિરાશાજનક કરી નાખે.

યાદોની ચારણીમાં રોજ જિંદગી ચાળે,

એમ જ રાતોની રાતો ઓશીકે પલાળે,

જિંદગી કાલ્પનિક દર્દ-વ્યથામાં બાળે, વળી  

ઈચ્છે લોકપણ બે મીનીટ મૌન પાળે!! 

આવી મનોવૃત્તિવાળા લોકો પોતાની સાથે બીજાને દુઃખી થતાં જોઈ મનોમન ખુશી અનુભવતાં હોય છે. આવી પ્રકૃતિના લોકોને ખરેખર મનોચિકિત્સકની જરૂર હોય છે.  જો ખરેખર એમને યોગ્ય મનોચિકિત્સક દ્વારા સારવાર મળે તો આ જ લોકો ટૂંક સમયમાં કહેતાં થઇ જાય કે,

વિસરી રહી,

કડવી યાદો-વાતો,

નિર્દોષ ભાવે.

ઘણાં લોકોની ડાયરી લખવાની આદત વિષે તો આપણને જાણકારી છે જ. કે, જે આજના જમાનામાં આધુનિકરણ પામીને ‘બ્લોગ’ માં રૂપાંતરિત થઇ છે. બ્લોગ થકી દરેક વાત જાહેર થાય છે. જયારે, ડાયરી એટલે સાવ અંગત વાત, માત્ર ને માત્ર જે-તે વ્યક્તિ પૂરતીજ અકબંધ. આવા સંજોગોમાં, એક પ્રેમી માટે, સ્હેજ હવાની લહેરખી આવી અને ડાયરીનાં પાનાં ફફડે….કે, પ્રિત યાદમાં કેટકેટલાય લઘુકાવ્યો મનોમન રચાવા લાગે… અરે…એમ કહો કે, હવાનાં ઝોંકે ડાયરીનાં પાનાંઓમાંથી સરકવા લાગે…

હવાનાં ઝોંકે,

ડાયરીની વચ્ચેથી 

તુંજ ડોકાયો !!

~~~

વાતાવરણ 

સોહામણું, ખોરડે 

યાદ લીપણું. 

~~~

खिलखिलाती,

ये कलियाँ, वादियाँ,

प्यारी यादोँ में….. 

ને, આમ જ આંખો પ્રિત યાદમાં વરસી પડે… આહાહ.. આ અશ્રુઓ પણ પ્રીતમાં એવાં પલળ્યાં હતાં કે… એવાં તો ચમક્યાં કે.. જાણે સાચાં મોતીની માળામાંથી તૂટીને સંગેમરમરની ફર્સ પર સરી પડેલું ચમકતું મોતી !!

પાંપણ વચ્ચે,

મોતીઓનું સર્જન,

પ્રિતમ યાદે.

હતી તો એ હવાની લહેરખી માત્ર. પણ, ડાયરીના પાનાંઓ ફફડ્યા ને.. યાદો તો, વંટોળે જ ચડી ગઈ… ઉફફફ….

નાજુક દિલ

પિયુ યાદ વાયરે,

વંટોળે ચડે.

આટઆટલી યાદો…સંસ્મરણોની વાતો, કવિતાઓ પછી મનોમન એક પ્રશ્ન અચૂક થાય કે, શું બાવાઝાળાં કાઢવા ઘર ઝાપટીએ છીએ એમ મન ઝાપટવાથી યાદોથી છુટકારો મળે?  ઓહ, તો તો રોજ મનને ઝાપટતાં થઇ જવું જોઈએ. કેવું સારું ?! કંઇક અજુગતું બન્યું નથી કે, મનને ઝાપટી નાખવું. માનસપટ પરથી યાદોનો એક ઝાટકે સફાયો… આહાહ… આપણે એવું કરી શકતાં હોત તો કેવાં નસીબદાર… જીવનમાં કોઈ દુઃખનું નામોનિશાન ન રહે. પણ, એવું શક્ય નથી ને… એનું શું ?!

ઝાપટ્યું મન,

પાછો ચોંટી જાય તું‘,

કણમાં ભળી.

કદી પીંછા પસારીને થનગનતાં પંખીઓ જોયાં છે ? એકદમ આલ્હાદક દ્રશ્ય. એમનાં આ કલ્લોલ કરતાં નૃત્ય દરમિયાન એનાં કેટલાંય પીંછા ખરી જતાં હોય છે. એ જોઈ એવો વિચાર આવી જાય કે, કાશ આપણેય આમ જ કિલ્લોક કરતાં, હાથપગ પસારીને જમીન પર આળોટતાં, વીતી દુખદ ક્ષણો ભૂલી શકતાં હોત તો કેવું સારું…

પીંછા પસારી

પંખી, યાદ ખંખેરી

શકે, તો કેવું ?! 

હાં, આપણામાંના ઘણાં એવાં સમજદાર અને નસીબદાર છે કે, જેમને ગાઢ જંગલ જેવી આ યાદો વચ્ચે કેડી કંડારી જીવન જીવતાં આવડે છે.

જાંબુડી યાદોના ઊગી નીકળ્યાં ગાઢ જંગલ,

સમજદારીની કેડી કંડારી કરો જીવન મંગલ.

પાયો મજબૂત હોય તો જ ઈમારત અડીખમ રહે. એટલે જ ભૂતકાળ.. યાદો.. સંસ્મરણો… ખૂબ મહત્વના છે. પણ, આપણે વીતી પળો ક્યારે ને કઈ રીતે યાદ કરી આપણી વર્તમાનપળો જીવીએ છીએ, એનાં ઉપર આપણી ભાવી પળો આધારિત છે. કડવી યાદો વિસરી જીવતાં શીખી જઈએ તો, એથી રૂડું બીજું શું હોય શકે ?!

યાદો લપેટી સંધ્યાની જેમ ઢળવું જ કેમ ?!

વાતો સમેટી ઉષાની જેમ મળવું _છે નેમ !! 

યાદ..સ્મરણ.. એ તો આપણાં જીવનની અમૂલ્ય મૂડી છે. બસ, એને મનરૂપી લોકરમાં લોક કરી બિન્દાસ જિંદગીની સફર ખેડતાં શીખી જવાની જરૂર છે. અંતે અચૂક કહેવાનું મન થાય છે કે,

થીજેલી પળો શાને વાગોળે છે?!

સુન્હેરો અવસર આજ ભાગોળે છે.

image

………………………………………………………………………………………………….. _આરતી પરીખ

Advertisements

7 thoughts on “જીવી ગયું મારું અસ્તિત્વ, યાદોને જીવંત રાખવામાં !!

  1. …..એક-એક મણકા યાદોના આપે પરવ્યા ગધ્ય-પધ્યએ ..અને વિરહ-ની-વિહરતી યાદોની અભિલાષાનો મંડપ રચ્યો … Just Superb !! …

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s