લગ્નવેળાએ એક પિતાનો પુત્રને પત્ર

મકરસંક્રાંતિ આવતાં કમૂરતાં ઉતર્યા અને લગ્નગાળો પુરજોશમાં…જાન્યુઆરી અને ફેબ્રુઆરી એટલે ગલીએ ગલીએ ગુંજતા ઢોલ, શરણાઈ અને પાર્ટીપ્લોટ આસપાસમાં હોય તો તો કાનના પડદા ફાડી નાખે એવાં મોટા અવાજમાં રોડની વચ્ચોવચ્ચ ટ્રાફિક જામ કરતાં ડીજે… હોય હવે..ધ્વનિ પ્રદુષણને બાદ કરતાં આવા જમાના મુજબના બદલાવની ટેવ પાડવી રહી…

ઘરમાં લગ્ન એટલે ટૂંક સમયમાં પરણનાર દીકરી પર શિખામણનો મારો ચાલુ…જો જમાનો બદલાય જ રહ્યો છે તો ચાલો, આપણે પણ બદલાવ લાવીએ. ઘરમાં દીકરાના લગ્ન લેવાયા છે. એ વેળાએ એક બાપનો  દીકરાને શિખામણ આપતો પત્ર…શું કહો છો?! અરે…રખેને એમ ન કહેતાં, ‘એવું તો હોતું હશે?! દીકરાને વળી શું કહેવાનું હોય?’ અરે…એ તો એક બાપનું દિલ જ જાણે……

વ્હાલા દીકરા,

આજથી ૨૫ વર્ષ પહેલાં તું જનમ્યો ત્યારે પણ આપણા ઘરમાં આવો જ માહોલ હતો. કુટુંબમાં આવનાર બાળક માટે દરેકના દિલમાં અત્યંત ઉત્સુકતા. બારણે તોરણ બંધાયેલાં, સગાસંબંધી તથા આડપડોશમાં પેંડા વહેચાયા હતાં. જેવી તેવી વાત ન હતી.. કુળદિપકનું આગમન હતું..

લગ્ન નક્કી થયાં ત્યારથી તારી મા હરખઘેલી થઇ છે. બેટા, એનો ઉમંગ વ્યક્ત કરવાં મારી પાસે શબ્દો ખૂટે છે. ટૂંકમાં કોશિષ કરું તો, આમતેમ હાંફતી ભાગતી ઉંચી નીચી થતી ફુવારાની સેર જેમ આનંદથી બધાને ભીંજવે છે. પણ, મને એનો જ સૌથી વધુ ડર લાગે છે. તારા આગમને મારી પત્નીનો “મા” સ્વરૂપે નવો જન્મ થતાં મે બહુ નજીકથી અનુભવ્યો છે. એ જ મા, તારા લગ્ન થતાં “સાસુમા” બનીશે. તારી નાની બહેન જે ભાભીના આગમનની તૈયારીમાં બહેનપણીઓ સાથે ઠાવકાઈથી ઠઠ્ઠા-મશ્કરી કરતી અત્યારે તો બહુ સમજદાર ને વહાલી લાગે છે પણ, “નણંદ” બનતાં સ્વચ્છંદી તો નહિ બની જાય ને?!_એનો’ય ડર મને સતાવે છે.

દીકરા, લગ્નલાયક દીકરી થઇ નથી કે, બધાં જ એને શિખામણ આપવા લાગે. પણ, બેટા, આજે મારે તને શિખામણ આપવી છે. જમાનો બદલાયો છે. એમાં આ એક દીકરાના બાપની દૃષ્ટિકોણનો બદલાવ જ સમજ.

ગોર મહારાજ “સમય વર્તે સાવધાન : કન્યા પધરાવો…” ડાયલોગ બોલ્યા નથી ને મા, સાસુમા અને બહેન, નણંદ બની જશે. આ સાવધાન શબ્દ દીકરા માત્ર ને માત્ર તારા માટે જ ઉચ્ચારાયો છે…એમ જ સમજવું. તમે મંગળફેરા ફરવાના ચાલુ કરશો કે, કન્યાની આંખોની કોર થતી દેખાશે. પાછળ ઉભી કન્યાની મા વિદાઈની ઘડીઓ નજીક જાણી આંસુઓ સારતી નિહાળીશ. કન્યાના બાપને છાતીએ ડૂમો ભરાય ગ્યો હોય એવું અનુભવીશ. પણ, એ જ સમયે તારી મા, મા મટી “ઈડરિયો ગઢ જીત્યા..” જેવાં જોમમાં આવી સાસુમા બની ગીત ઉપાડશે, “પરણ્યાં એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે…” બેટા, હું’ય એ ઘડીએ કદાચ વિચારોમાં સ્તબ્ધ થઇ જઈશ કે, “શું આ એ જ સ્ત્રી છે કે, જે ૪૫ વર્ષ પહેલાં પોતાની વિદાઈ વેળાએ છાતીફાટ રુદન કરતી હતી?!” મા માંથી સાસુમા બનેલી આ સ્ત્રીને કન્યાપક્ષનું મૂંગું રુદન નહિ જ સ્પર્શે… બેટા, આ દ્રશ્યની નવાય નથી. વર્ષોથી ભજવાય રહ્યું છે. માત્ર સ્થળ ને પાત્ર બદલાય છે.

દીકરા, આ ઘડીઓ તારી જિંદગીની સૌથી કપરી ઘડીઓ હશે. હું જાણું છું, સમજુ છું. એક તરફ મા ની આંખોમાં દીકરાના લગ્નનો ઉમંગ અને બીજી બાજુ વિદાયવેળા નજીક આવતાં આંસુઓ ભરી જીવનસંગિનીની આંખો. જીવનમાં સુખ અને દુઃખના પલ્લાને કેમ બેલેન્સ કરવું એ આ ઘડીઓ શીખવી જ દેશે. બહુ સમજદારીથી વર્તજે. એક તરફ તને જિંદગી આપનાર તારી મા છે તો બીજી તરફ જીવનપર્યત તારા જ ભરોષે જીવનારી તારી જીવનસંગિની.

બેટા, આટલા વર્ષો આપણે સંયુક્ત કુટુંબમાં રહી શક્યાં એમાં તારી મા નો ફાળો બહુ મોટો છે. પણ, અચૂક કહીશ કે, ધીરજ અને સમજદારીપૂર્વક ઘરના વડીલો સાથેનો તાલમેલ કેમ જાળવી રાખવો એ પુરૂષના હાથમાં છે. સ્ત્રી ધૂપસળી જેમ ઘરનું વાતાવરણ મઘમઘતું રાખે તો, એ સ્ત્રીના હોંઠોનું સ્મિત જાળવી રાખવાની જવાબદારી પુરૂષની છે.  મા અને પત્ની બંનેમાંથી કોઈને ખરાબ ન લાગે એ રીતે તું કપરી પરિસ્થિતિમાં પગલાં લઈશ એવી આશા. કંકાસ કે શંકાશીલ જીવનશૈલી અંતે દુઃખદાયી જ રહે છે એ ભૂલતો નહિ.

તારી મા બહુ સમજુ સ્ત્રી છે. પણ, સાસુમા બનતાં એનામાં કેવાં પરિવર્તન આવશે, એ તો કદાચ ઈશ્વર પણ જાણતો નહિ હોય. તારી મા એ તને બહુ લાડકોડથી ઉછેર્યો છે. તું એન્જીનીયર છો એનો ગર્વ એની દરેક વાતોમાં છલકે છે. આવા સમયે એને કેમ કરીને યાદ કરાવીએ કે, તારી પત્ની પણ કંઈ ઓછું ભણેલી નથી જ. કદાચ તારાથી પણ વધારે, એમ.બી.એ. થયેલી છે. એ સ્ત્રી પણ તારી જેમ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતી, ૫ આંકડાની આવક ધરાવતી સ્ત્રી છે. આજના બદલાયેલાં જમાનાની સ્ત્રી છે. એને ગરીબડી ગાય કદાપિ ન સમજવી. સાસુમા બની રોફ ઝાડવા જશે તો શું આ આવનારી સ્ત્રી સહન કરશે? આવી વિકટ પરિસ્થિતિમાં તું સમજદારીથી કામ લે જે.

દીકરા, દિલથી સાવ સાચું કહું તો, એક પુરૂષના અહંમાં જ મેં કદી ઘરકામમાં તારી મા ને મદદ કરી નથી. પણ, અમારી વાત અલગ ને અમારો જમાનો’ય અલગ હતો. તારી મા એ કે મેં પણ તને કદી ઘરકામ શીખવ્યું નથી એ અમારી બહુ ભૂલ છે. દીકરા આ ભૂલ તું સુધારજે. તમે બંને પતી-પત્ની નોકરી કરતું દંપતી બનવાના છો. જેમ તું નોકરીએથી થાક્યોપાક્યો ઘરે આવીશ એમ તારી પત્ની પણ…આવા સમયે ભારતીય એમાંય ખાસ ગુજરાતી પુરૂષ હોવાનો અહં છોડીને એને મદદ કરજે એમ નથી કહેતો પણ, બંને સહિયારીથી ઘરકામ કરજો અને બાળકો અને વડીલોની સારસંભાળ રાખજો _એમ કહીશ.  આપણે ગુજરાતી પુરૂષો દેશ છોડી વિદેશમાં વસવાટ કરીએ ત્યારે જ સીધાં થઈને પત્નીને ઘરકામમાં મદદ કરીએ છીએ. અહીં, આપણી વિચારસરણી બદલાવવાની જરૂર છે. બેટા, તું શુભ શરૂઆત કરીશ એવી આશા રાખું છું.

બેટા, આજની સ્ત્રી ઘણાં ક્ષેત્રમાં પુરૂષને પાછળ રાખી એની સક્ષમતા પુરવાર કરી રહી છે. દીકરા તારી પત્નીની આવડત, હોંશિયારીને માન આપજે. પુરૂષ સહજ અહમને આસપાસ ફરકવા દેતો નહિ. અપાર  સ્નેહની દોર અહં તળે રાખ ન થઇ જાય, સંભાળજે.

દીકરા, જમ જેવાં જમાઈનો જમાનો ગ્યો.. હવે તારે બંને મા-બાપની સારસંભાળ રાખવાની રહેશે. તારી જવાબદારીઓ ડબલ થવાની છે. તારી પત્નીના મા-બાપને સાસુ-સસરામાની જમાઈ બનવાની ભૂલ કદી કરતો નહિ કે, ઘરજમાઈ જેવો હરાખપદુડો પણ થતો નહિ, “ન ઘરનો ન ઘાટનો”_ જેવાં હાલ થશે.

દીકરા, ફૂલની સુગંધ પવનની અવળી દિશામાં જતી નથી જ. આંગણાના તુલસીકયારામાં જીવનદીપ પ્રગટાવી તારી પત્ની ઘરને મઘમઘતું કરે ત્યારે કુટુંબીઓમાં શંકાનો માળો ન બંધાય એની જવાબદારી તારી છે. શંકા એ સ્નેહનું સ્મશાનઘાટ છે એ કદી ભૂલતો નહીં.

બેટા, અંતે એટલું જ કહીશ, “સુખ ક્યાંય વેચાતું મળતું નથી અને દુઃખને કચરાપેટીમાં ફેંકી શકાતું નથી. તમારું સહજીવન સમાનતા, સહિષ્ણુતા, સમર્પણ, સંપ, સ્નેહ, વિશ્વાસના આદર્શ પર મજબુત કરજે.”

………………………………………………………………………………………….. લિ. તારો પ્રેમાળ પિતા

~ આરતી પરીખ (ખોબર, સાઉદી અરેબિયા)

Advertisements

3 thoughts on “લગ્નવેળાએ એક પિતાનો પુત્રને પત્ર

  1. સત્ય વાત કહી તમે આરતી.સમય સાથે તાલ મેળવવાની વાત પિતા કરે તો દિકરાને ગમે.સહજ વાત કરી.ખૂબ જરુરી છે પરિવર્તન.હાલમાં જ મારે બેંગ્લોર લગ્નમાં જવાનું થયુ હતું ત્યા દિકરીના પિતાએ જમાઈનો હાથ પકડી કહ્યું કે,આ ધરની ઈજ્જત તમારા હાથમાં છે,.ને દિકરીનો હાથ પકડી કહ્યું કે,તે ધરની ઈજ્જતમાં વધારો કરજે.કેટલી સુંદર-સહજ વાત દિકરીના પિતાએ બંન્ને કરી,સ્પર્શી મને.સહજતાથી કહી વાત સરાહનિય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s