માટીની મૃદુતા..મહેંક..

ખુલ્લાં પગે…ઉઘાડાં પગે ચાલવાની એક અલગ “મજ્જા” છે.

એમાંય જો, કુદરતને ખોળે ચાલતાં હો તો…તો..આહાહ… માટીની મૃદુતા..મહેંક… રોમેરોમમાં પ્રસરી જાય…

આજે, મને એક પ્રસંગ/અનુભવ વાગોળવાની ઈચ્છા થઇ આવી….

ઓક્ટોબર ૨૦૧૨માં દેશમાં આવી ત્યારે સહકુટુંબ મથુરા-ગોકુલ-વૃંદાવન-જતીપુરાની જાત્રા કરી હતી. એ સમયે અમે સહકુટુંબ પગપાળા (ઉઘાડા પગે) ગિરિરાજની પરિક્રમા ચાલુ કરી. (અધવચ્ચે ખ્યાલ આવ્યો કે, મારાં હસબન્ડનું પાકીટ ચોરાય ગયું છે. પૈસા ગયાનો અફસોસ નહિ.પણ ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનું તાત્કાલિક સ્ટોપ પેમેન્ટ કરાવવું પડે એમ હોય બાકીની પરિક્રમા સાઈકલ રીક્ષામાં પૂરી કરી.) એ અનુભવ આલ્હાદક રહ્યો.

પરિક્રમા શરૂ કરી ત્યારથી ૨ સાઈકલ રીક્ષા ભાડે કરીને સાથે રાખેલી. મારી બંને દીકરીઓને આ સાઈકલ-રીક્ષા બહુ ગમી ગયેલી. એમને એમ કે, એમની bicycle ને આ સાઈકલ-રીક્ષામાં ખાસ કંઈ ફર્ક નથી. પણ, જયારે જાતઅનુભવ કર્યો.. એનાં પેડલ માર્યા ત્યારે સમજાયું કે, કેટલી તાકાતની જરૂર પડે છે…કેટલું જોર દઈએ ત્યારે આ માત્ર સમાન ભરેલી રીક્ષા ચાલે છે. માણસો બેઠાં હોય તો શું થાય ?! કોઈ નામ ઊંચું કે નીચું નથી_ જાતે એ કામ કરો ત્યારે જ સમજાય. હવે દીકરીઓ દરેક કામ ઉત્સાહથી શીખે છે ને કરે પણ છે. વર્ષો પહેલાં, “એ બાયડી ગાડી હંકારે…” એ શબ્દો ગામડામાં સાંભળવા મળેલાં…પણ, “એ… ઓલી છોરી રીક્ષા હાંકે સ…” સાંભળ્યું ત્યારે થોડીક ક્ષણ અચૂક ગર્વિષ્ઠ થઇ ગયાં હતાં.

આ પરિક્રમા દરમિયાન એવો નિયમ રાખ્યો હતો કે, મીસરી અને પાણી સિવાય કશું જ મોંમાં ન લેવું….શબ્દો પણ નહિ… મૌન પાળવું…. આહાહ… આપણે કેટલો ઘોંઘાટ કરતાં હોઈએ છીએ એનો અંદાજ એ દિવસે આવેલો.

ગિરિરાજની તળેટીમાં ઉઘાડા પગે ચાલ્યાં ત્યારે માટીની મૃદુતા…સુગંધ…ની કદર થઇ. ઝાડી-ઝાંખરામાંથી પક્ષીનો કલરવ સામે બોલીવુડના મનગમતાં ગીતો’ય ઘોંઘાટભાર લાગ્યાં હતાં. ક્યાંય કળા કરતો મોર દેખાયો તો ક્યાંય ગાયને વળગેલું તાજું જન્મેલું વાછરડું… દીકરીઓએ પનિહારી ચિત્રોમાં જ જોઈ હતી…એ દિવસે જાણે સાક્ષાત્કાર થયો… ( મજ્જાની વાત તો એ હતી કે, આ જાત્રા પછી સાઉદી પાછા આવી દીકરીઓ માથે તપેલી કે લોટો મૂકી પનિહારીની જેમ બેલેન્સ રાખી ચાલવાની પ્રેક્ટીસ કરતી…એ ક્ષણો માણવાની પણ અલગ મજ્જા… !!)

રસ્તામાં એક ગૌશાળામાં ગાયોને શાકભાજી ખવડાવવા ઊભાં રહ્યાં. એ દ્રશ્ય..અનુભવ..અલૌકિક. આસપાસ અસંખ્ય ગાયો ને આપણે વચ્ચોવચ ઉભા હોઈએ.. થોડાં આગળ ચાલ્યા ત્યાં એક કેળાંની લારી જોય..કેળાં વેચનારે કહ્યું કે, ‘આજકાલ યાત્રાળુઓ ઓછા થઇ ગ્યા છે તો ડુંગરના વાંદરાઓ બૌ ભૂખ્યાં રે છે…સંભાળજો..’ ને બસ, ઈચ્છા થઇ એમની પણ ભૂખ સંતોષીએ…ઉફ્ફ…હૂપાહૂપ કરતાં વાંદરાઓનું ધાડું એવું ત્રાટક્યું કે, મારાં હસબંડ તો આસપાસ ક્યાંય ફરક્યા નહિ…દીકરીઓ પણ એક ક્ષણે ભાગી ગઈ ને, હું ?! હાથમાં કેળાં લઇ……કોઈ વાંદરો મને આગળથી ચોંટે તો કોઈ ખભ્ભેથી લટકીને કેળું ખેંચે..એક સમયે એવું લાગ્યું કે મારો ડ્રેસ ફાટી ન જાય તો સારું… આપણે પણ નાનપણમાં બૌ વાનરવેડા કરેલા હોય ક્યારેક સહન કરતાં પણ શીખવું રહ્યું. પણ, એ દિવસને અંતે જીંદગીમાં ખોરાક..ભૂખ..નું મહત્વ સમજાય ગયું હતું.

શહેરી જીવનમાં દીવાલે છાણા થાપેલાં જવલ્લે જ જોવા મળે. હું રાજકોટની છું ને ઘરની નજીકમાં જ ભરવાડવાસ હોય મેં તો માથે ટોપલો/તગારું લઇ ગાય/ભેંસનું છાણ વિણતી સ્ત્રીઓ જોઈ છે. અહીં તળેટીમાં એ દ્રશ્ય અવારનવાર જોવા મળ્યું. ગાયનો પોદળો પાડ્યો નથી કે તરત જ કોઈ સ્ત્રી પૂરવેગે આવતી દેખાય. આસપાસની થોડીક માટી તાજાં પોદળા ઉપર નાખે ને ચપ્પ દઈને પોદળો ઉપાડી ટોપલામાં મૂકે. પછી માટીમાં હાથ રગદોળીને સાફ કરી માથે ટોપલો મૂકી ફરી બીજે ક્યાંય પોદળાની શોધમાં સરકી જાય…દીકરીઓને આ કામ સુગભર્યું લાગ્યું પણ જયારે રાતે ઠંડીનો ચમકારો થ્યો ને છાણા પેટાવી હાથ શેક્યા ત્યારે એ કામની સાચી કદર થઇ. સગડી કે ચુલાના રોટલાંનો ચટકો હોય એ જ એની કદર કરી શકે… ( અમને જાત્રા ફળી છે. દીકરીઓ માટીની કદર કરતી થઇ. એમને સમજાય ગયું છે કે, MITTI is one of the best sanitizer. હવે ધુળેટીમાં કે પછી પ્રોજેક્ટ-વર્ક પછી લાગેલાં પાક્કા કલરના ડાઘ નીકળે નહિ ત્યારે ગાર્ડનમાંથી માટી લેવાં દોડે છે…)

બીડી કે ચલમ ફૂંકતા તો કોઈ ગાય દોહતાં તો કોઈ પક્ષીઓને ચણ નાખતાં તો કોઈ કુલડીમાં ચાની ચુસકી ભરતાં જટાધારી બાવાઓ.. વર્ષો પછી જોયાં. ( રાતે જમતી વખતે દીકરીઓને “સૂઈ જાઓ નહિ તો બાવો આવશે..” કહી અમને ડરાવતાં અમારાં વડીલોની વાતો કરી ખૂબ હસાવી.)

વિચારોને રોકી શકાય?! હા…જો દ્રઢ નિર્ણય કરો તો વિચારોને’ય રોકી શકાય… “શ્રી કૃષ્ણ શરણં મમઃ” મનોમન સતત જાપ ચાલુ રાખવો એ નિયમ પાળ્યો… આપોઆપ આડાંઅવળાં બધાં જ વિચારો ઉપર અંકુશ આવી ગ્યો.. મંત્રજાપ પણ એક પ્રકારનું ધ્યાન..મેડીટેશન જ છે_એનો પણ લાહવો લીધો. હાં… લાહવો લીધો…કારણકે એ ઘડી…પળ.. ને રોમેરોમથી માણી હતી. સહકુટુંબ ચાલતાં હતાં પણ દરેક વ્યક્તિ પોતાની અલગ દુનિયામાં ખોવાયેલી હતી… કોઈ ઈશ્વરના નામના જાપ સાથે ઈશ્વરમાં લીન થવા કોશિષમય હતી તો, કોઈ કુદરતના નઝારા નિહાળવામાં મશગુલ…કોઈ આસપાસની ગ્રામ્ય-સંસ્કૃતિને સમજવાની કોશિષમાં…

એવું ન હતું કે જાણે અમારું જ કુટુંબ ઉઘાડા પગે પરિક્રમા કરતું હતું. મોટાભાગના જાત્રાળુઓ ઉઘાડા પગે જ ફરતાં દેખાયાં. ગિરિરાજની પરિક્રમા કરતાં ખ્યાલ આવ્યો કે, આપણે જાત્રાળુઓ જ ત્યાં કેટલી ગંદકી કરીએ છીએ. રસ્તામાં મીનરલ-વોટરની બોટલ, કોલ્ડ-ડ્રીંકના કેન, વેફર્સના રેપર્સ…. અધધ.. કચરો… સ્થાનિક ગ્રામીણજન પણ જાત્રાળુઓની આ ગંદકીથી કંટાળતા જ હશે. ( અમે વર્ષો પહેલાં નાથદ્વારા જતાં ત્યારે એ જાત્રા દરમિયાન ઉઘાડા પગે જ ફરવાનું રાખતાં. પરંતુ, હવે એ ગંદકીભર્યા રસ્તાઓ ઉપર ઉઘાડા પગે ચાલવું સુગભર્યું લાગે છે. )

________________________________________________________ આરતી પરીખ ૧૫.૧૦.૨૦૧૪

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s