Archive | March 26, 2014

કાગળ-પતર

 

Image શિર્ષક વાંચતાં જ મારી જેમ ચાલીસીએ પહોંચી બેતાલા આવેલાં બધાંને ટપાલીની સાઈકલની “ટ્રીન.. ટ્રીન..” ના ભણકારાં થઇ જ ગયાં હશે. હાં, આજે મને’ય બુઢા દાદીમાની જેમ “એ..ય.. ને એ અમારાં દિવસો.. કેવાં મજાનાં હતાં..” લલકારવાનું મન થઇ ગ્યું !! પલક ઝબકારમાં તો મારાં ઘરે આવતો એ ટપાલી.. એની ‘એટલાસ’ સાઈકલ.. ખભ્ભે લટકતો મેલોઘેલો, અસ્તવ્યસ્ત ટપાલોના વજનથી લચી પડેલો થેલો.. માંનો લહેકાદર અવાજ_”એ..તો તારી માસીનો જ કાગળ લાવ્યો હશે…” પાછળથી ઓવરલેપ થતો પપ્પાનો અવાજ_”એન્યુઅલ રીપોર્ટ જ હશે, લઈને સીધો પસ્તીના ઢગલામાં નાખજે..”

Image

સાલ્લું, આ મન પણ કેવું માંકડું છે !! એક “કાગળ-પતર” શબ્દે બાળપણમાં કૂદમકૂદ કરવા લાગ્યું ને હું’ય ૪૦માંથી ૪ વર્ષની બાળકી બની કપાળે આવી ચડેલી લટને શ્રીદેવીની અદાથી ફૂંક મારી ઉડાડવા લાગી, શાણપણ ગ્યું સાઇડ પર ને અલ્લડપણ.. આહાહ… ફરી પલક ઝબકીને પાંપણ નીચે કોલેજકાળ તરવરવા લાગ્યો.
“હું મઝામાં છું એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?!” _નયન દેસાઈ

ફૂલસ્કેપ ચોપડામાંથી પાછળના પાનાઓ ફાડીને મિત્રો-દોસ્તારોને સળી કરવાં આડાં-તેડાં સ્લોગનો લખી પેપર પ્લેન બનાવીએ, સાહેબ બ્લેક-બોર્ડ તરફ મુંડી ફેરવે કે તરત ૮-૧૦ પ્લેન ઉડે..

Image       Image

નાખવું હોય ક્યાંક ને પડે કોઈ બીજાને જ માથે.. એ..ય.. ને પછી તો છબરડાંઓ ચાલુ.. ટીખળ.. હાસ્યફુવારાઓ ને સાહેબ એનાં કાળાં ‘માસ્ટર છાપ’ ચશ્માં નાકે સરકાવી, તીખી નજર ફેરવે.. ક્ષણભર સન્નાટો.. જેવાં બ્લેક-બોર્ડ તરફ ફરે કે.. ક્યાંકથી તીણો.. શાયરાના ટહુકો.. સંભળાય..
“એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં  કૈ  અવતર્યું છે  એ  જ  લખવાનું  તને.” _સુરેશ ઠાકર

જાણું છું, આજે યાદો જ સળવળી છે. પણ, વર્ષો પછીય એ સમયે ચૂકી ગયેલી ધડકન અને છાતીની એ ફડક અત્યારે છાતીએ હાથ ધરીને ફરીફરીને અનુભવી. એ સમયે હું’ય જાણતી હતી કે, આ ટહુકો મારાં માટે નહિ પણ મારી બાજુમાં બેઠેલી માટે હતો. પણ, “જવાની દીવાની” કોને કે’વાય ?!! એ સમયે હું’ય ધડકન ચૂકી હતી. કાશ… મારે માથે’ય કોઈ પ્લેન આવીને પડે.. એમાંથી શાયરી સરે.. સપનાંઓ જ તો જિંદગીનું સિંચન કરે છે, જીવંત રાખે છે !!

ઘડિયાળનો કાંટો ફરે ને જીવનશૈલી ફરે છે_સ્વીકારવી જ રહી. જીવનમાં દરેક તબક્કે નવીનતાને આવકારતાં રહીશું તો જીવન સરળ રહેશે. ટપાલ.. પોસ્ટ-ઓફીસ.. તાર-ટેલીગ્રામ.. આંગડિયા.. કુરિયર.. પેજર.. મોબાઈલના SMS.. ઇ-મેઈલ.. એ પછી તો એકદમ ક્રાંતિ આવી.. ઓરકુટ.. ફેસબુક.. ટ્વિટર.. વોટ્સએપ..વોઇસમેલ.. વી-ચેટ.. ટેન્ગો.. સ્કાઇપ.. i-massage.. વગેરે.. વગેરે..અધધ ફેસીલીટી..

સમય બદલાતો ગયો ને સંદેશાવાહનનું માધ્યમ પણ બદલાતું ગયું. સ્કુલમાં ભણતાં એ સમયે “પેન-ફ્રેન્ડ” એ મોર્ડન હોવાની નિશાની ગણાતી. ને તેમાંય જો કોઈ પરદેશી મિત્ર પેન-ફ્રેન્ડ હોય તો તો “આપણી” બોલબાલા વધી જતી. મહેમાન ઘેર આવે તો વડીલો પણ, “અમારા છોકરાંવને તો જાપાની/યુરોપિયન પેન-ફ્રેન્ડ છે.” કહી ગર્વ અનુભવતાં. ને અમુક ઘરોમાં તો એવું પણ જોયું છે કે, મહેમાનો સામે વડીલો પોતાના છોકરાંવ પાસે એ પત્રોના પઠન પણ કરાવતાં. (કદાચ, આ શાણા વડીલો આવા પઠન દ્વારા અણગમતાં મહેમાનોને ભગાડવા માંગતા હોય તો’ય નવાઈ નહીં !!)

જિંદગીના અમુક યાદગાર વર્ષો મુંબઈનગરી..માયાનગરીમાં હસીખુશી વિતાવ્યા છે. એ સમયે BEST બસમાં નાની નાની બે દીકરીઓ સાથે એક સબર્બથી બીજા સબર્બની કંટાળાજનક લાંબી મુસાફરીને આનંદદાયક બનાવવા અમે રસ્તામાં આવતાં પોસ્ટ-બોક્ષની ગણતરી કરતાં…

Image    Image

ગુજરાતમાં બાળપણ વીત્યું. પરંતુ કદી’ય ગ્રીન કે બ્લ્યુ કલરના પોસ્ટ-બોક્ષ જોવા ન મળ્યાં. એ કૈક નવીનતાનો આનંદ મુંબઈનગરીમાં માણ્યો. મુંબઈમાં રહી પોસ્ટ-ઓફિસમાં ગામડેથી મજુરી કરી પેટીયું રળવા આવેલાંઓની લાંબી લાઈન જોઈ સમજાયું કે, શહેરીજનો ભલે બદલાયા પણ ગામડાઓમાં હજીય ટપાલ, મનીઓર્ડરનું મહત્વ એટલું જ છે. હજી’ય “चिठ्ठी आई है….” ગીતનું મહત્વ અકબંધ છે.

પસ્તીમાં જતાં બચી ગયેલી મારી એક માત્ર ડાયરીમાં હજી કોલેજકાળમાં વાંચેલો “બાબુભાઈ કાપડીયા” લિખીત “એક પિતાનો પત્ર” ટપકાવી રાખ્યો છે. સાસરે ગયાં પછી જયારે જયારે મારાં વ્હાલાં પપ્પાની યાદ આવે ત્યારે ડાયરી ખોલું ત્યારે મારાં જ હસ્તાક્ષરમાં સંચવાયેલી એક પિતાની લાગણીઓ મારાં ગાલ પર અચૂક સરી પડે છે..

Image

હું પણ સમય, સંજોગ મુજબ બદલાવમાં માનું છું. પણ, દિલની વાત અચૂક કહીશ. જે મઝા કાગળ-પતરમાં છે એ રોજેરોજ થતાં SMS  કે chatting માં નથી જ. પત્રમાંના એ મરોડદાર અક્ષરોને અડકવાનું મન થાય.. પંપાળવાની.. ચૂમવાની ઈચ્છા થાય ને એ ઈચ્છાપૂર્તિ પછી આપણાં આત્મજનને રૂબરૂ મળ્યાનો આનંદ માણી શકાય છે. એ આનંદ sms/chatting માં નથી ને નથી જ.

“પત્ર, ચિઠ્ઠી, તાર મોકલજે મને,
યાદ, ઠપકો, પ્યાર મોકલજે મને.”_બાબુભાઈ પટેલ

____________________________________________________________________ આરતી પરીખ