Archive | March 10, 2014

સાઉદી અરેબિયાની ધરતી પરથી “ફેસબુક પારાયણ”

લગભગ સાડા ત્રણ વર્ષથી ફેસબુકમાં એકાઉન્ટ બનાવ્યું છે. એ પહેલાં “ફેસબુક..ફેસબુક…” બહુ સાંભળેલું પણ જ્યાં કોમ્પ્યુટર વિષે જ કંઈ ગતાગમ ન હોય, ઈન્ટરનેટ કનેક્શન, ઇ-મેલ.. વગેરે વિષે કોઈ ખાસ જ્ઞાન ન હોય ત્યાં આ “ફેસબુક” વિષે કંઈ ન જાણતાં હોઈએ એ સ્વાભાવિક છે. ઇન્ડિયા બહાર સ્થાયી થયાં પછી જીવનમાં એક સમય એવો આવ્યો કે, “અરે…તું ફેસબુક પર નથી?!” … _આ પ્રશ્નનો સામનો અવારનવાર કરવો પડ્યો. NRI મિત્રો પીઠ પાછળ “સાવ દેશી” … “ગમાર” કહી મને સંબોધવા લાગ્યાં હતાં…

 

હું, હિંદુ ભારતીય ગૃહિણી અને એ પણ સાઉદી અરેબિયાના રહેવાસી બન્યાં પછી શરૂ શરૂમાં તો ભારતની બહાર પહેલવહેલો પગ મૂક્યો હોય ઉત્સુકતાથી દરેક પળને વધાવી લીધી પણ પછી…સમય જતાં…. ઘરની ચાર દીવાલોમાં ગૂંગળામણ અનુભવવા લાગી. અહીં, ગૃહિણીઓ માટે કોઈ ખાસ પ્રવૃત્તિ નહિ. સાઉદીમાં, સ્ત્રીઓ ઉપર ઘણી પાબંદીઓ મુકવામાં આવી છે….એમાંની એક છોડીને દરેકને સહર્ષ  સ્વીકારી લીધી…..ન સ્વીકારી શકી તો એ..”LADIES CAN NOT DRIVE VEHICLE.”

 

…..સંપૂર્ણપણે ‘પતિદેવ’ પર પરાધીન જીંદગી…

 

પરાધીનતા બિલકુલ પસંદ નથી. પણ શું કરીએ?!  માથે આવી પડેલી પરિસ્થિતિ સ્વીકારવી જ રહી. એટલે હવે સમય જતાં આ કપરી પરિસ્થિતિ વિષે મજાકમાં કહીએ છીએ…

 

“આઈ…હાઈ…કેવી મજાની જીંદગી?!

મોટે ઉપાડે ‘પતિ બની પતી ગયો’_ના જીવઉકાળા કરો છો

તો,

હવે અમને’ય માંડ લાગ મળ્યો છે….

આ સાઉદીમાં પૂરેપૂરાં પતી જ જાવ…

પતિદેવ બન્યાં છો તો સઘળી જવાબદારી નિભાવો..

શાકભાજી લાવી આપો….લોટ લાવી આપો…

તો રસોઈ થશે..

બાકી આ કંઈ અમેરિકા કે લંડન નથી કે ઇન્ડિયન ફૂડ નજીકમાં ન મળે.અહીં તો, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હાલતાં ને ચાલતાં મળી જશે…”

 

સમય જતાં ઘરમાં કંટાળો આવવા લાગ્યો. ‘હોમ-સિકનેસ’ ને એ બધાનું પરિણામ ભયંકર આવે એ પહેલાં જ આ ‘ફેસબુક’માં એકાઉન્ટ ખુલી ગયું. જે થયું એ સારું થયું. ઘરસંસારમાં મોટી આફત આવતાં આવતાં રહી ગઈ…

 

ફ્રેન્ડ-લીસ્ટનું ઉદઘાટન ફેમીલી મેમ્બર્સથી થયું. પછી ધીમે ધીમે નજીક-દૂરના મિત્રો સંબંધીઓ ઉમેરાતાં ગયાં. એકાદ મહિના પછી અજાણ્યાં ચહેરાઓ પણ…. એમ કરતાં મિત્ર-વર્તૂળ વધતું ગયું.

 

સ્કુલ છોડી ત્યારથી ગુજરાતીમાં લખવાનો વારો બહુ જ ઓછો આવે. વાર-તહેવારે સગાં-સંબંધીઓને કાગળ/કંકોતરી/રાખડી બસ…એ સિવાય ગુજરાતી લખવાનું સાવ ભૂલી જ ગયેલાં. પણ, આ ફેસબુકને લીધે વર્ષો પછી ફરી ગુજરાતી વાંચતી ને સમય જતાં લખતી પણ થઇ.

 

‘ફેસબુકીયા લેખક/કવિ’ …….હા હા હા હા હા…..

 

સમય જતાં અહીં, જાતજાતનાં ને ભાતભાતનાં અનુભવો થયાં. ને, ક્યારેક તો હવે એવું પણ લાગે છે કે, ફેસબુકની વોલ પર કોઈ આક્રમક વિચાર સાથે લખવું એ મોટી મુસીબત નોતરવાં જેવું છે.

 

“આ બેલ મુઝે માર..”

 

વોલ પર કે કોઈ કોમેન્ટમાં સ્હેજ આક્રમક વિચારધારા લાગી કે, તરત મદદ માંગવાવાળાની લાઈન લાગે. મેસેજનો ઢગલો થઇ જાય. જાણે અહીં, આ સોશિયલ મીડિયામાં સમાજ સેવા ચાલુ કરી હોય…’દાદીગીરી” ….LOL !!

 

સાલ ૨૦૧૨ ની શરૂઆતના  ૨-૪ અનુભવ હજી પણ યાદ છે. એક-બે વખત ભૂલથી જ ચેટ-બોક્ષમાં “લીલી” બત્તી ચાલુ રહી ગઈ. અને પછી તો…..

 

ટીંગ..

“કેમ છો ?”…..

 

ટીંગ..

“કઈ નાતના?”…..

 

ટીંગ…

“ક્યા ગામના?”…..

 

વગેરે વગેરે પંચાત ચાલુ…………..

 

કોઈક ને જવાબ આપ્યાં, ને ઘણાં બધાને ટાળ્યાં. અરે, ૧૦-૧૫ મિનિટમાં તો એવો મેસેજનો ઢગલો કે, ફટાફટ “લીલી બત્તી” બંધ કરવાની ફરજ પડી જ. પણ, જે થયું એ સારું થયું. આ ત્રાસથી બચવા ગણતરીની મિનિટોમાં જ ફેસબુકના ઘણાં બધાં સેટિંગ્સ વગર કોઈ મદદે આવડી ગયા. (કોમ્પુટર વિષે ખાસ કંઈ જ નોલેજ નહિ, ફેસબુકના માધ્યમ થકી જ મિત્રો સાથે ચેટ-બોક્ષમાં જ ઘણું શીખવા મળ્યું.) અને અંતે હાશકારો લેતાં પૂર્વે, હું ખૂબ જ ખડખડાટ હસી હતી. _એ હજી પણ યાદ છે.

 

એ સમયે આવી પંચાત કરનાર મોટાભાગના પુરૂષ-મિત્રો જ હતાં, ને આજે ૨ વર્ષ પછી પણ કંઈ ફર્ક પડ્યો નથી. કુટુંબ કે પત્ની માટે સમય મળે કે ન મળે પણ, આ પુરૂષોને સોશિયલ-મીડિયામાં પંચાત કરવાનો સમય અચૂક મળી રહે છે.

 

જયારે ને ત્યારે “સ્ત્રી” ની પંચાત વિષે લાંબા લેક્ચર આપનાર, જોક્સ બનાવનાર પુરૂષ જ સૌથી વધુ પંચાતિયો જીવ છે_એની સાબિતી આ ફેસબુકમાં ઓનલાઈન રહી સાવ નકામા મેસેજ કરતાં પુરુષોએ જ એમના હાથે જ આપી દીધી હતી.

 

ધીમે ધીમે મિત્રવર્તુળ વધતું ગયું. અને અવનવાં અનુભવો…

જાતજાતનાં ને ભાતભાતનાં મેસેજનો પણ ઉમેરો થ્યો…..

 

“Hi sexy…” …… “Hi Janeman…”….. “U r looking so HOT in profile pic” ….. “U r tempting my LAV…..” …. “I ❤ U” …..”Xxx…”

 

etc etc… યુવાન કરતાં પણ મોટી ઉંમરના ને સમાજમાં ખૂબ આગવું સ્થાન ધરાવતાં પુરૂષો પાસેથી આવા મેસેજ આવે તો શરૂમાં ખૂબ નવાઈ લાગે…ક્યારેક શોક/આંચકો પણ લાગે. પણ, સમય જતાં ટેવાઈ જઈએ.  

 

રસ્તે હાલતાં ને ચાલતાં છેડતી થતી જ હોય છે. તો,  આ “ફેસબુક” તો આખી દુનિયાને જોડે એવો રસ્તો છે. “કુતરા નું કામ ભસવાનું…” આપણું કામ ખસીને આપણો  રસ્તો માપવાનું. _જયારે, આ રીત આવડી જાય ત્યારે, અહીં બધું જ સરળ થઇ જાય. કોઈ પ્રોબ્લેમ ન નડે. પણ, સમયસર એ સમજાવું ને આવડવું જરૂરી છે. જે સ્ત્રીઓ આ આવડત કેળવી શકતી નથી. એ આ સોશિયલ મીડિયાનો ભોગ બને જ છે.

 

બીજા પણ મજાનાં અનુભવ. ખાસ પરિણીત સ્ત્રીઓ વિષે….

 

સોશિયલ મીડિયામાં ભારતીય પરિણીત સ્ત્રી_”સન્નારી” જેટલી બિન્દાસ છે એટલો ભારતીય પુરૂષ નથી જ. ભારતીય સંસ્કૃતિને  મને-કમને અપનાવીને જીવવા મથતી ભારતીય નારી આ સોશિયલ મીડિયામાં એકદમ બિન્દાસ છે. એમાં પણ જો એ ટીનેજર કે ઉંમરમાં “યંગ” હોય… ઈંગ્લીશ મીડીયમમાં ભણેલી હોય તો તો… એનાં ચેટ-બોક્ષમાં  “fuck U” …. “fuck up” ….. “fuck in” “Xxx (_) xxX” ને એવી ઘણી સંજ્ઞાઓ વાંચવા મળી જાય છે.

 

અહીં ફેસબુકની દીવાલે, સ્ત્રી દર ૨-૪ દિવસે પ્રોફાઈલ પિક્ચર બદલી, મોડેલિંગનો શોખ પૂરો કરે છે. ને એમનાં આ નખરાળાં પર્સનલ ફોટાઓ પર ‘લાઈક’ કે ‘કોમેન્ટ્સ’ પણ ધડાધડ ને ઢગલાબંધ આવે છે. અપરણિત કરતાં પણ પરણિત સ્ત્રીઓ ખૂબ જ બિન્દાસ છે એવું અનુભવ્યું છે. મનોમન જે સ્વપ્ન સેવ્યાં હોય ને પતિ કે સંકુચિત માનસ ધરાવતાં સાસરિયાઓ વચ્ચે જે પરિપૂર્ણ ન થઇ શકે એ બધાં જ કોડ અહીં પૂરાં કરવાની ભરપૂર કોશિષ…

 

બીજી એક ખાસ વાત બહુ વિચિત્ર લાગે છે. નજીકના પુરૂષ-મિત્રો ચેટ-બોક્ષમાં અચૂક વાતો કરે છે. એમની સાથે રહી રોજ નવું નવું શીખવા પણ મળે છે. દુનિયાભરની વાતો જાણવાં મળે છે. જયારે, નજીકની સ્ત્રી-મિત્રો હોય તો પણ કામ વગર કદી ચેટ-બોક્ષમાં ટપકતી નથી !!  બે સ્ત્રી-મિત્રો ભાગ્યેજ ચેટ-બોક્ષમાં મળતી હોય છે. આવું કેમ?!

 

મારાં અનુભવે એટલું અચૂક કહીશ કે, જો સોશિયલ સાઈટનો ઉપયોગ કરી જાણીએ તો જીવનમાં ઘણું નવું શીખવા મળે છે. ઘેર બેઠાં આખી દુનિયાનાં સંપર્કમાં રહી શકો છો. દુનિયાનાં કોઈપણ ખૂણે ભમી શકો છો. એકલતા કદી સતાવતી નથી. આપણી અંદર છૂપી શક્તિઓને નિખારી શકીએ છીએ.

 

સાલ ૨૦૧૧ના અંતમાં પ્રેમાળ પતિદેવએ એક અમૂલ્ય ભેટ આપી….”હાઈ-સ્પીડ અનલિમિટેડ ઈન્ટરનેટ કનેક્શન” !! ને, પછી તો મોજ્જા એ મોજ્જા….વ્હાલી દીકરીઓ સાથે હું પણ કોમ્યુટર વિષે નવું નવું ઘેરબેઠાં જ શીખવા લાગી. જે ન સમજાય તે મારી દીકરીઓ એમની કોમ્યુટર-ટીચરને પૂછીને આવે ને મને શીખવાડે.

 

પતિદેવ મલ્ટીનેશનલ કંપનીમાં અને વર્કલોડ અતિશય હોવાને કારણે મોટાભાગે રાત્રે ઘરે મોડાં આવે. એમની રાહ જોતાં ફેસબુક પર સમય પસાર કરતી. એ સમય પસાર કરતાં કરતાં ક્યારે હું મિત્ર રાજુ કોટક અને મનીષ દેસાઈ સાથે ‘હાઇકુ’ લખતી થઇ ગઈ એ મને’ય ખબર ન પડી !! સ્કુલમાં ભણતી ત્યારે હું “હાઇકુ ના હથોડા” બોલતી….એ ‘હું’ જ હવે હાઇકુને ખૂબ પસંદ કરતી થઇ ગઈ. સમય જતાં ફેસબુક પર “હાઇકુ” પેજ પણ શરૂ કર્યું. મિત્ર અશ્વિન ચૌધરીએ ફેસબુક પર હુલામણું નામ આપ્યું… “રણમાં ખીલ્યું ફૂલ” તો બહેન ખ્યાતિ શાહએ “હાઇકુ ક્વિન” કહી સતત માથે ચડાવી અને એને સાથ આપ્યો પ્રિય સખી જુઈ ઉપાધ્યાયએ.

 

૨૦૧૨માં એક વખત ચેટ-બોક્ષમાં મિત્ર અમીત ભરવાડ તરફથી ઓસ્ટ્રેલીયાથી પ્રકાશિત થતાં ‘સત્ય ટાઈમ્સ’ માં લખવા માટે આમંત્રણ અને પ્રોત્સાહન મળ્યું. અને મારી સંવેદનાને..કલમને.. એક નવું નામ મળ્યું.. “સંવેદનાનો સળવળાટ”.

 

ઘણાં મિત્રો સમજાવતાં કે, ‘તમારો પોતાનો બ્લોગ બનાવો.’ કદી એ બાબતે ખાસ ધ્યાન આપ્યું નહિ. પણ, મિત્ર રાજેશ પટેલની જિદ્દ સામે મારું શું ગજું?!  ને, રાજેશભાઈ એ જ મારો બ્લોગ ડિઝાઈન કરી આપ્યો. હજી એક વર્ષ પહેલાં કોપ્યુટરનો ‘ક’ પણ આવડતો ન હતો એવી આ આરતી પરીખએ સપ્ટેમ્બર ૨૦૧૨ માં બ્લોગ-જગતમાં પગ મૂક્યો !!

 

માર્ચ ૨૦૧૩માં મિત્ર સંકેત જોશી સાથે જોડાઈ www.syahee.com ની શરૂઆત. મે, ૨૦૧૩મા સાઉદીની ધરતી પર બેઠાં-બેઠાં દર વર્ષે અમદાવાદ ખાતે યોજાતાં, સાત દિવસ ચાલતાં  ‘નેશનલ બુક ફેર”નું લાઈવ ટેલીકાસ્ટ_મારાં જીવનનો અવિસ્મરણીય અનુભવ એ બદલ હંમેશ સંકેતની આભારી રહીશ. સંકેતના સતત પ્રોત્સાહન થકી મારો આત્મવિશ્વાસ દ્રઢ બન્યો, જીવનને નવો દ્રષ્ટિકોણ મળ્યો. ને એ પછી સાલ ૨૦૧૩ના અંત પહેલાં જ મિત્ર પાર્થ નાણાવટી સાથે “પગરવ” ઇ-મેગેઝીનની શરૂઆત કરી. વેબ-જગતના અવનવાં અનુભવો….. અને હવે ટૂંક સમયમાં જ એપ્રિલ ૨૦૧૪માં પગરવનો દ્વિતીય અંક લાવી રહ્યાં છીએ.

 

મારી પ્રગતિ પાછળ એક નહિ પણ અનેક પુરુષોનો ફાળો છે. એમાં પણ જયારે મારું લખેલું વાંચી, મારી પ્રગતિનો આનંદ માણતાં, મારાં પપ્પાની આંખો ચમકે… ને એ વાતો..વર્ણન.. મારી બહેન મને સ્કાઈપ-કૉલમાં કહી સંભળાવે ત્યારે એ વર્ણન સામે મારાં હૃદયનાં “I love U Pappa” શબ્દો બહુ વામણાં લાગે.

 

મને સોશિયલ મીડિયામાં ખૂંપેલી જોઈ..એ સમયે ભલે નાક ચડાવે પણ, એ જ પતિદેવ જયારે મારી ઓળખ એક રાઈટર તરીકે આપે કે કોઈને મારાં બ્લોગની લીંક ઉમળકાભેર આપે ત્યારે એમની આંખો..વાતોમાં.. મારી પ્રગતિ ચમકી ઉઠે !!

 

મમ્મીનો અખૂટ વિશ્વાસ કે, “મારી દીકરી એક દિવસ તો સફળ થશે જ…” હંમેશ મને સમજાવતી, “એજ્યુકેશનનો અર્થ નોકરી કરવી નથી. આપણાં વ્યવહાર, વાણી, સંસ્કાર, વિચાર, વર્તન અને ઘરની રહેણીકરણીમાં આપણું એજ્યુકેશન પ્રગટ થવું જોઈએ.” મમ્મી બી.એ. વિથ ઇકોનોમિક્સ ને હું નાની હતી ત્યારે મમ્મીને પૂછતી, “હવે ઘરમાં જ બેસવાનું હોય તો ઇકોનોમિક્સ ભણ્યાં નો ફાયદો શું?” ત્યારે મમ્મી કહેતી, “મેં ઇકોનોમિક્સ ઘરમાં જ એપ્લાય કર્યું છે.” આ વાક્યનો ગૂઢ અર્થ જયારે મેં કારકિર્દી છોડી ગૃહિણી બનવાનો નિર્ણય લીધો ત્યારે છેક સમજાયો હતો !!

 

આ પારાયણને ટૂંકાવતા એટલું જ કહીશ કે,

જિંદગીના દરેક વણાંકને સહર્ષ ઉત્સુકતાથી આવકારીએ…સ્વીકારીએ….

મોજથી જીવીએ ને જીવવા દઈએ…..

 

……………………………………………………………………………… આરતી બિમલ પરીખ (૧૦.૩.૨૦૧૪)