સ્વસ્તિક

ઘરને આંગણે સાથિયો છે. પગ મુકતાં ખબર પડે છે, એટલે પગ કાળજીથી મુકાય. સહેજ બાજુ પર મુકાય, જેથી આકૃતિ ન બગડે, એની રેખાઓ ન ભૂંસાય. એના ઉપર નજર રાખીને અંદર જવાય. એની મંગલમયતા દિલમાં ઉતારવા દઈને એ ઘરમાં પ્રવેશ કરાય.

સ્વસ્તિક … માંગલ્યનું પ્રતિક છે.

સ્વસ્તિક … આશિર્વાદનો સંકેત છે.

જે ઘર ઉપર એ સંજ્ઞા છે એમાં વિશેષ અર્થમાં ને વિશેષ શક્તિથી ભગવાનનો વાસ હોય છે. અને તેથી વિશેષ ભાવ અને માન સાથે એમાં પ્રવેશ કરવો ઘટે. ઈશ્વરના સાનિધ્યનું ચિહ્ન છે.

આકૃતિ તો સરળ છે. એક લીટી ઉભી ને એક લીટી આડી, કાટખૂણે ચાર દિશાએ ચાર ભૂજ. સરળ ને સંમિત. સમાન ને સમતોલ. અને એનું આખું ધ્યાન ને વેગ ને વજન ને ગતિ એની મધ્યના છેદબિંદુ ઉપર કેન્દ્રિત થાય છે. એ નાભિકમળમાંથી ચારે દિશાએ સર્જક શક્તિ ફેલાય છે અને આખી સૃષ્ટિને મંગલમય બનાવે છે.

સ્વસ્તિક નાનો છે પણ વિશાળ છે. આંગણાના લીંપણ ઉપર દોરાય છે. પણ, આખા વિશ્વને આવરી લે છે. વામનનો અવતાર છે પણ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. સ્વસ્તિકમાં રક્ષણ છે, પાલનશક્તિ છે, અભયમુદ્રા છે. કારણકે, એની એ ચાર સૂક્ષ્મ રેખાઓમાં ભગવાનનો સાંકેતિક સાક્ષાત્કાર છે. સ્વસ્તિકમાં દિશાઓનું પૂજન છે, અવકાશની આરતી છે, ઈશ્વરના સામીપ્યનો સંકેત છે.

સ્વસ્તિક નાનો, પણ પ્રભાવ મોટો. રેખા ટૂંકી પણ દિશા અનંત. સ્વસ્તિકમાં એ જ રહસ્ય છે. એમાં દિશા છે, અનંતતા છે, સર્વવ્યાપકતા છે. સ્વસ્તિકમાં ગતિ છે, વેગ છે. એ કાગળના ખૂણામાં બેસી રહેતો નથી, પણ આખો કાગળ બાથમાં લે છે. તે કોઈ જડ આકૃતિ નથી, નિશ્ચેતન છાપ નથી, વહેતું ઝરણું છે. બાંધેલી હવા નથી, વા’તો પવન છે.

સ્વસ્તિકમાં વ્યાપકતાનો ગુણ છે, એની સાથે સાથે એકતાનો ગુણ પણ એમાં છે. ચારે દિશાઓ દોડવાની વૃતિ છે અને એક બિંદુએ એકત્રિત તાવનો આગ્રહ છે. ઈશ્વર બધે છે એનો સંદેશ એમાં છે અને બધું ઈશ્વરમાં છે એ બોધ પણ એમાં છે. રેખાઓ સાથે મિલનબિંદુ. દિશાઓની વચ્ચે ઉગમસ્થાન. ચાર ભુજના કેન્દ્રમાં એક હૃદય. વિશાળ ને એકાગ્ર. વિશ્વ ને બિંદુ. ડાળીઓ ને બીજ. સ્વસ્તિક વ્યાપકતાનું પ્રતિક છે અને સાથે સાથે જોડાણનું પ્રતિક પણ છે. ઊર્ધ્વ અને સમક્ષિતિજ. શાશ્વત અને ક્ષણિક. દિવ્ય ને માનવી. બધું એક કેન્દ્રમાં, એક બિંદુમાં. સ્વસ્તિકમાં બહાર તરફની ગતિ હતી, તેમાં અંદર તરફની પણ છે. દિશાઓ સુધી લઇ જનાર શક્તિ હતી ને કેન્દ્રમાં સમાવી લેનાર વૃતિ પણ છે. કેન્દ્રગામી વેગ છે. ગુરુત્વાકર્ષણ છે. અદ્વૈત છે.

માટે સ્વસ્તિક બધે કરાય, બધે પૂજાય. કાગળ ઉપર સ્વસ્તિક ને ચોપડા ઉપર સ્વસ્તિક. ઘરને આંગણે સ્વસ્તિક ને ઘરને ઉંબરે સ્વસ્તિક. નવજાત શિશુના વસ્ત્ર ઉપર સ્વસ્તિક અને વરકન્યાના અંતરપટ ઉપર સ્વસ્તિક. પૂજામાં સ્વસ્તિક ને શોભામાં સ્વસ્તિક.

હા, અને વિશેષ તો મન ઉપર સ્વસ્તિક ને હૃદય ઉપર સ્વસ્તિક. એના વિચારો ને કલ્પનાઓ ને ઉર્મિઓ ને યોજનાઓ ઉપર સ્વસ્તિકની છાપ ને પ્રેરણા ને ભાવના.

ચોપડાના પૃષ્ઠ ઉપર સ્વસ્તિક કર્યો એટલે અંદર ગમે તે ખોટો હિસાબ લખવા અભયદાન મળ્યું એમ નથી. ઊલટું, પહેલે પાને સ્વસ્તિક છે માટે હવે એની સાક્ષીએ ને એના પ્રતાપે એક-એક પાને સાચું લખાશે, પૂરું ને ચોક્કસ લખાશે. ઘરને આંગણે સાથિયો પૂર્યો એટલે ઘરને ઓરડે ગમે તે અવળું વર્તન કરવા છૂટ મળી એમ નથી. ઊલટું, બહાર સાથીયો છે માટે હવે એને શોભે ને એને છાજે એવું વર્તન અંદર રાખવાનો આગ્રહ રહેશે.

સાથીયા પૂરવાથી જવાબદારી ઓછી થતી નથી_વધે છે. ચોપડાનું પૂજન કરવાથી સાચો હિસાબ ફરજ છોડાતી નથી_બંધાય છે. અને ખૂબી એ છે કે એ આદર્શ પાળવા માટે સ્વસ્તિકમાં જ ટેકો મળશે ને શક્તિ મળશે. ભગવાનનું સાંનિધ્ય, મંગળની વ્યાપકતા, દિશાઓનો ધર્મ ને સૃષ્ટિની એકતા એ સરળ આકૃતિમાં છે અને જીવન પવિત્ર, પ્રમાણિક, શુદ્ધ ને પુણ્યમય રાખવા એ બોધમાં પ્રેરણા છે, આશીર્વચન છે.

ભગવાન બધે છે, પોતાના ચાર હાથ ( સ્વસ્તિકના ચાર ભૂજ ) લંબાવીને, વિસ્તારીને તે આખી દુનિયાને આવરી લે છે, આપણું જીવન આંબી લે છે, બાંધી લે છે, પોતાની તરફ ખેંચી લે છે_અને એ ધન્ય આલિંગનમાં આપણું શાશ્વત કલ્યાણ સર્જી આપે છે.

સ્વસ્તિકના નાભિબિંદુમાં દિશાઓની અંતિમ સાર્થકતા સિદ્ધ થાય છે.

…………………………………………………………………….. ફાધર વાલેસ (ચરણકમલ)          Image

Advertisements

One thought on “સ્વસ્તિક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s