Archive | September 25, 2012

જિંદગી

‘શું કરું ?’ વિસામણમાં વિહરતી રહી જિંદગી,

‘શું કહેશે ?’ સવાલમાં સલવાતી રહી જિંદગી,

પ્રશ્નાવલીથી અલિપ્ત જીવી હોત જો જિંદગી,

..કાશ, મહેકતું જીવન બની હોત આ જિંદગી.

                                                                                       _આરતી(૨૫.૬.૨૦૧૧)

~~~~~

વિસામણ = વિસામો લેવો એ, થાક ખાવાની ક્રિયા,આરામ લેવાપણું; વિસામો.

Image

મીમાંસા

નિહાળી નિજ

કદરૂપતા, રૂડી

લાગી દુનિયા.

               _આરતી(૧૧.૧.૨૦૧૨)
~~~~~
જયારે માણસ પોતાના અવગુણ ઓળખી તેને દૂર કરવા તત્પર બને છે ત્યારે આખું વિશ્વ એને સુંદર દેખાવા લાગે છે.

કુદરત/દુનિયાની સુંદરતા ત્યારે જ માણી શકીએ જયારે પોતાના અવગુણથી સભાન હોઈએ.

“પ્રીત” …..દ્વિતીય હાઇકુ~માળા

છો’ મૃગજળ

પી ગયા પ્રીત પ્યાલે,

જિંદગી ખીલી.

~~~~~

શ્વસી પ્રીત, તો

મૃગજળ બનતું

અમૃતજળ.

~~~~~

વિષના પ્યાલા

પ્રીતના વિશ્વાસથી

અમૃત બને.

~~~~~

પ્રીત ન જાણે

અપેક્ષા કે ઉપેક્ષા,

નિશ્ચિંત જીવ.

~~~~~

પ્રીત ટહુકે

મેઘ મલ્હાર ગુંજે

હૃદયકુંજે.

~~~~~

પ્રિતે પલાળી

માટી, લોક સમજે

ચોમાસું બેઠું.

…..
અહીં,
માટી = દેહ, શરીર

~~~~~

પ્રેમથી પણ

પ્રેમાળ ‘તું’, જયારે

મૌન સેવું ‘હું’.

~~~~~

પ્રેમ પ્રતાપે

મિલન કે વિરહ

વૃષ્ટિ જરૂર.

~~~~~

છો’ હારી દિલ

વસાહત બનાવી

પ્રિતમ હૈયે.

~~~~~

પ્રીત વરસી

રોમાંચ છે વર્ષાનો

રેગિસ્તાને.

~~~~~

પ્રીત વીસરી

ઘર ઓળખાય છે

મકાન નામે.

……………………..
_ આરતી (૧૬.૧.૨૦૧૨)

Image

દિલ

રિસાય પણ

કોનાથી ?! એ તો જુઓ,

એનું જ દિલ.

………………………………….. _આરતી

Image