Archive | September 18, 2012

ભવસાગર તરીએ….

કોની આશાએ આ ભવસાગર તરીએ રે,
નાદાન દિલ ની વ્યથા કોને કહીએ રે,

ડાહી દુનિયામાં દીવાની બની ઘૂમી રે,
ગાયું પ્રેમગીત ના તોય’ કોઈએ ચૂમી રે,

અંતરથી ખેલી છે જીવન તણી બાજી રે,
અવળી-સવળી કરી જગ આખું રાજી રે,

મોંઘી જીંદગી જીવનભર નહિ જાગી રે,
સસ્તી ક્યાં રહી મૌત? એ પણ ભાગી રે,

કર જોડી ઉભી પ્રભુજી તારે બારણે રે,
આપજે શાંતિભરી નિંદ્રા તારે આંગણે રે.
…………………………………………………………………………_આરતી

Image

ભરમ..

સળવળે સંવેદના પોકારે રોજ કલમ ને,
લખલુટ અનુભવ તો’ય મઠારે ભરમ ને..?! 

મૃગજળની નદીઓ વહેતી રહે મંઝીલમાં,
હાંફ ભરી આશાઓ હલેસે હાંકું કરમ ને..

મંદ હવાએ તો પતંગો પણ ઉડે ખેલખેલમાં,
આંધીએ સ્થિર રહી નાથું પ્રકૃતિના નિયમ ને..

દુશ્મનો ના નસીબ જીવી રહી રોજ ગેલમાં,
ભૂલથી ના છંછેડ ઝંઝાવાત ભરી ચલમ ને..

મઝધારે છોડી નાસતા દોસ્તોની મહેફિલમાં,
મૌન રહી ખુદ ખોતરી રહી તાજા જખમ ને..

નજરકેદે વિતાવી જીંદગી પુરૂષ મહેલમાં,
દિલ જીગર બાળી જીવંત રાખું સ્ત્રી ધરમ ને..

પથ્થરની પ્રાણ-પ્રતિષ્ઠા કરી નાજુક દિલમાં,
સંધ્યા ‘આરતી’ ગુંજતી રહી પ્રેમના ભરમ ને..!! _આરતી

જે વ્યક્તિ પોતાનું મૂળ નામ ન જાળવી શકે એ પોતાના દેશ માટે શું ઉકાળી લેવાનો ?!

આજે પાર્થને સવારની પહેલી ચાની સાથે લેપટોપ પર ‘ગુજરાત સમાચાર’ વાંચતા જોઈ શિવાની સમજી ગઈ કે હવે એક-બે દિ’માં પ્રશ્ન પૂછાશે જ … “ક્યારની ટીકીટ બુક કરાવું ?” વેકેશનનો સમય નજીક આવતો જાય ને આ યુગલની રૂટીન લાઈફ બદલાતી જાય. માંડ ૫-૭ મિનીટ થઈ હશે ને ઈ-પેપર વાંચતા પાર્થનો બળાપો સંભળાયો…
“સાલા’વ સુધર્યા જ નહિ…છાપું છે કે જાહેરાત/શ્રદ્ધાંજલિ/પ્રાર્થનાસભાના ચોપાનીયા…સમાચાર તો શોધવા પડે છે…”

પોતાના દેશ/વતનમાં વેકેશન ગાળવાના વિચાર માત્રથી જ હૈયું હિલ્લોળે ચડે…સંવેદનાઓ સળવળવા લાગે…સ્વપ્નીલ સિતારા ઝગમગવા લાગે…નિલેશને સ્વાદનો ચટાકો અને નૈના ફેશનનો ફટાકો..હજી તો ટીકીટ માટે “પ્રિન્ટ” કમાન્ડ પર આંગળી અડી ને પ્રિન્ટ નીકળે એ પહેલાં જ નિલેશનું સ્વપ્નીલ પ્રિન્ટર કેટકેટલાય સપનાં છાપી ગયું. પ્યારેલાલની કચોરી, લાલા કાકાના ભજીયા, સાંઈની પાણીપુરી/સેન્ડવીચ (સેન્ડવીચ તો રોજ ટીફીનમાં હોય પણ લારીની સેન્ડવીચનો સ્વાદ ન મળે!) રાજસ્થાની કુલ્ફી અને મોડી રાતે પારસનું પાન.(રાતના ૧૧ એટલે મોડી રાત જ કહેવાય. આ કંઈ રંગીલું રાજકોટ નથી, સંસ્કાર નગરી છે !!! )

આવાં સ્વાદસભર સ્વપ્ન જોયા પછી સવારની ફુદીના-આદુવાળી ચા પણ ફિક્કી લાગે. ચાની ચૂસકી સાથે સંસ્મરણો વાગોળે…નિલેશને વડોદરાની ગલીઓમાં રખડી ખુમચા/લારીમાં સ્વાદ માણવા હોય ને એના મિત્રો એને આલીશાન હોટલમાં લઇ જવા માંગતા હોય ત્યારે નિલેશ અકળાઈ જતો,
“અલ્યા’વ તમે નહિ જ હમજો..અમેરિકામાં કંઈ miss કરું છું તો આ મારા વતનના લારી-ગલ્લાં..બસ, એક વાતમાં સુધારી જાવ..ખાઈ-પીને રસ્તા પર કચરાં ન કરો, મસ્ત મજાનું પાન ખાઈ પિચકારી મારી ગંદગી ન ફેલાવો તો ભૈયો..ભૈયો…”નીનાને mall-culture સ્હેજેય ન ગમે તે છતાં’ય અમેરિકન સીટીઝન મજાથી જીવી જાણે છે. વતનમાં જવાની વાતે જ એનું અંગ્રેજી ભૂલાય જાય ને શુદ્ધ ગુજરાતી તો એવું બોલે કે આ ફેશનનો ફડાકો ખરીદી કરવા જાય તો કોઈ દુકાનદાર પકડી ન શકે કે,
“NRI બકરો આવ્યો છે !” લૂટો….
એની ભાષાની મીઠાશે ભલભલા અમદાવાદી દુકાનદાર લુંટાઈ જાય !!નીના લો-ગાર્ડન પાસે ચણીયાચોળી ખરીદવા ગઈ છે ને ફેરિયો આડેધડ ભાવ બોલી રહ્યો છે…એ સાંભળી મોટીબેનનો હાથ પકડી બોલી ઉઠે છે,
“હેન્ડ..આગળ જોઈશું…”
અચનાક મોલમાં નવી સ્કીમની જાહેરાત થતાં ચમકી ઉઠે છે ને સ્વપ્નીલ દુનિયામાંથી બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે મોટીબેનનો હાથ નહિ ટ્રોલી પકડી શાકભાજી ખરીદી રહી છે…વતન પહોંચવાની કેવી ઉતાવળ છે….!!
આવી જુગલજોડીને NRI(non reliable Indian)નું TAG કેવી રીતે આપાય ?!?

રાજકોટના અંતરિયાળ ગામડાંના પટેલ ખેડૂતનો દિકરો વિપીન ભણીને લંડન સ્થાયી થયે માંડ ૪-૫ વર્ષ થયા છે. વચ્ચે એક વખત માં-બાપને મળવાના બહાને આવ્યો ને પરણીને ગયો. અંદરની વાત કહું તો લંડનવાસી વિપીન ઉર્ફ Vipee Patelને લંડનના ગુજરાતીઓ પાછળથી “ગામડિયો  ગમાર” કહીને જ હાંસી ઉડાવે છે. વતન આવવાની વાતે જ નાકનું ટીચકું ચડી જાય, માં-બાપ નકામાં લાગે…પોતાની જાતને તો જાણે શું નું શું સમજે.. કે વાતેવાતે ભારતદેશની મજાક ઉડાવતો ફરે… આવી વ્યક્તિ કદી પોતાના વતનના સ્વપ્ન સેવી શકે ? અરે, આવી વ્યક્તિ દેશમાં રહે તો નકામો ભાર ને દેશથી દૂર રહે તો’ય જોખમ…

જે વ્યક્તિ પોતાનું મૂળ નામ ન જાળવી શકે એ પોતાના દેશ માટે શું ઉકાળી લેવાનો ?!
(NRI = not required in India નું TAG યોગ્ય જ કહેવાય ને ?!)

જ્યોતિ…પરણવાલાયક ઉંમર હતી ત્યારે NRI મુરતીયાઓથી ભાગતી ફરતી, દેશ છોડી દૂર જવાની સ્હેજેય ઈચ્છા ન હતી. પણ, નસીબ આગળ કદી કોઈનું ચાલ્યું છે ?!? લગ્ન તો ગામમાં જ થયા. પણ, સમય જતાં એના પતિને નોકરીમાં આગવી તક મળતા વિદેશની વાટ પકડવી પડી. દર વર્ષે પોતાના વતન માં-બાપ પાસે આવવા કોશિશ કરે. જીવનમાં એક સિદ્ધાંત અપનાવેલો, બચત ઓછી થશે તો ચાલશે પણ વિરહમાં માં-બાપની આંખમાં આંસુ આવે એ નહિ જ પોસાય. વતનમાં પગ મૂક્યો નથી કે જિંદગી કુટુંબ-સ્નેહીજનથી હરીભરી થઈ જાય. NRI ને માનીતું “શોપિંગ” કદી યાદ પણ ન આવે. ઘરનો રોટલો વ્હાલો…માંના હાથનો સ્વાદ જ માણવાનો..જ્યોતિને ખબર પડી કે એની ટીકીટ બુક થઈ ગઈ છે, અચાનક એનું વર્તન બદલાવા લાગ્યું. પોતાના હાથની સ્વાદિષ્ટ રસોઈ એને ફિક્કી લાગવા લાગી. backyardમાં કોઈ પક્ષીનો અવાજ સંભળાય ને ફળિયામાં કાબર-ચકલી-કબૂતરને ‘આવ..આવ..’ બોલી ચણ નાખતી નાનકી જ્યોતિબાળા જીવંત થઈ જાય. ગુલમહોર, ગરમાળો, કેસુડો યાદ આવે ને ગાલના ખંજનમાં કેસરી જાંય પાથરી જાય. પથરાં મારી ગોરસ આંબલી ખાતી નખરાળી જ્યોતિ જીવંત થાય ને ગલ્ફમાં વસતી આ ગોરાણીને રોજ રંગીન દેશી સ્વપ્ન આપતી જાય.

રોહિત-રાગિણી..થોડા પારિવારિક પ્રશ્નો અને બાળકોનો અભ્યાસ…એમ ૨ મુખ્ય કારણને લીધે વિદેશમાં સ્થાયી થયા. માં-બાપને પણ પોતાની સાથે લઇ જવા ખૂબ પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. શરૂઆતમાં VISA ન મળ્યા અને જયારે મળ્યા ત્યારે માં-બાપના શરીરે સાથ ન આપ્યો. સખત બીમારીને લીધે આટલી લાંબી મુસાફરી તેમના માટે શક્ય જ ન હતી. અંતે આ યુગલે તનતોડ મહેનત કરવાની ચાલુ કરી અને બચતમાંથી માં-બાપ માટે ૨૪ કલાકની નર્સ રાખી. વર્ષમાં મળતી શક્ય રજાઓમાં બંને જણા વારાફરતી આવે ને ઘરની બધી જ જવાબદારી ખૂબ પ્રેમથી સાંભળે. આ યુગલ માટે વતનની યાદ કહો કે વેકેશન …માત્ર ને માત્ર માં-બાપ જ … એનાથી આગળ કદી કશું વિચાર્યું જ નથી. ટીકીટ બુક કરાવે તો ઘરની સફાઈ, કરીયાણું, ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, બીજા નવા સારા ડોકટરના લીસ્ટ, દવાઓ..વગેરે જ યાદ આવે.

આવા યુગલને NRIનું TAG આપવાને બદલે નોકરી માટે એક ગામથી બીજે ગામ up-down કરતાં લોકોમાં જ ગણીએ તો વધુ યોગ્ય રહેશે.

દિપક..soft, polite, mature although 100% business minded personality.. દેશમાં હતો ત્યારથી જ..એના આ સ્વભાવને લીધે જ એણે હરણફાળે પ્રગતિ કરી. દેશ-વિદેશમાં ફરતો કર્યો. પોતાના વતન-દેશનું નામ પડે કે એનું વ્યાવસાયિક માનસ પુરજોશમાં વિચારવા લાગે, કે “દેશ માટે શું કરું ? દેશવાસીઓને કેવી રીતે મદદરૂપ થવું ? ”

ભારતદેશ આવવાની ટીકીટ બુકિંગ પહેલાં જ આ દિપકના બીઝનેસ પ્લાન થવા લાગ્યા. કેટકેટલી’ય NRI meetings.. NRI fund..investments.. એક વખત રાષ્ટ્રપતિ એવાર્ડ જીતી ચુકેલો આ માનવી પોતાની દરેક સફર પોતાના દેશની પ્રગતિ માટે જ લખી હોય તેમ સ્વપ્ન જોવા લાગ્યો..પીવા માટે સ્વચ્છ પાણી, દરેક વ્યક્તિને પોતાનું ઘર, વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે સજાગતા ને એની જાળવણી,પ્રાથમિક શિક્ષણની સગવડ… આવા તો અઢળક સ્વપ્ન સેવે અને એને પુરા કરવા અથાગ પ્રયત્ન પણ કરે.

“વ્યક્તિગત સ્વચ્છતા જાળવી પછી ઉત્તરોતર ગલી,,મહોલ્લા..ગામ..તાલુકા..જીલ્લા..રાજ્ય ને એમ દેશને સ્વચ્છ બનાવીએ..કમસેકમ પ્રાથમિક શિક્ષણ મેળવી વ્યક્તિગત વિકાસ કરી દેશનો વિકાસ કરીએ.. “
………….આ જ દિપકનો જીવનમંત્ર. બીજા શબ્દોમાં કહું તો નામ એવાં જ ગુણ.
વ્યક્તિગત સ્વપ્ન અલગ હોય પણ એક વાત ચોક્કસ કે,
વતન જવાના દિવસો નજીક આવતાં જાય એમ એક વિદેશવાસી ભારતીય માટે ગાઢ ઊંઘ ઓછી થાય અને સ્વપ્નાનું પ્રમાણ વધતું જાય..દિવસો..કલાકો ને પછી તો મિનીટે મિનીટની ગણતરી થાય ને પ્લેનમાં બેસીએ ને ચટપટી ઉપડે કે ક્યારે ઘરે પહોચીશું ?? એ વ્યક્તિ વર્ષમાં ૨ વખત આવતો હોય કે પછી ૨-૫ વર્ષે ..
સંવેદનાઓનો સળવળાટ તો બધાના દિલમાં સરખો જ હોય છે. કોઈ એ વ્યક્ત કરી જાણે છે તો કોઈ માત્ર અનુભવી જાણે છે.
………………………………………………………………………………………………………………….. _આરતી પરીખ

આ તો કામનો માણસ છે.. !!

મોબાઈલનો રીંગટોન  સંભળાયો કે તરત મનીષે બુમ પાડી, “ડીયર, નક્કી હર્ષિતભાઈ નો કોલ છે…આવી ચડ્યા તો આખા દિ’ની  રજા બગડી જ સમજો. આ વખતે કયું બહાનું કાઢવાનું છે ?” ગુજરાતના એક જ ગામના વતની, અહિ ઓસ્ટ્રેલીયા પણ સાથે જ આવ્યા હતા…!!! આવી બની ગઈ.. એમની ગાઢ દોસ્તી….!!!

આવો જ એક વધુ સંબંધ….
આનંદ/ખેડાના અંતરિયાળ ગામનો  પટેલ ..હવે અમેરિકાનો મહાનુભવ બની ગયો છે…જન્મભૂમિ પર પગ મુકે, ને ગામવાસીઓ સરભરામાં ઉભા પગે..કોઈ કસર ન  છોડે..NRI મહાશયને માથે ચડાવીને આગતાસ્વાગતા થાય..ને, જયારે ગામની  જ  કોઈ  વ્યક્તિ અમેરિકા જાય તો આ મહાનુભવ પાસે હંમેશની સમયની અછત.. (સિંઘમનો ગોટિયા યાદ કરો ને…) ભૂલથી’ય કોઈ માથે પડીને ઘરે આવી ચડે તો….??….ready-to-cook … ના પેકિંગ  સાથે frozen paratha…. એમાં પણ રોફ જમાવે કે જુઓ અમારા અમેરિકામાં તો આવું બધું મળે છે…!! બીજે દિ’ ભૂલથી રોકાઈ  ગયા તો આખા ફ્રીઝના બધા જ  ખુલ્લા/અડધા વાપરેલાં cans ખાલી થાય….ને મસ્તમજાની પાઉંભાજી બને…!!!
ભારત…ગરવી ગુજરાતની ભૂમિ છોડી નીકળ્યા ત્યારે કેવાં સીધા સાદા..સરળ.. જીવતાં’તા…!! અચાનક કોઈ ગુજરાતી મળી જાય તો આંખમાં ચમક આવી જતી, ઘરે આવે તો ખૂબ ગમતું અને  હવે ? દેશ છોડી વિદેશમાં સ્થાયી થઈ ગયા, બેંક-બેલેન્સ જોરદાર થઈ ગયું ને તેવર બદલાઈ ગયા…?!?
એક તદ્દન અલગ સંબંધ…
અમદાવાદના એક મધ્યમવર્ગી કુટુંબનો દિકરો…પાક્કો અમદાવાદી…!! ગલ્ફમાં ૨૦-૨૨ વર્ષથી સ્થાયી જીવન…આવક ખાસ નહિ પણ સુખી કુટુંબ…GCCના બધા જ ગુજરાતીબંધુઓ આ મહાશયને ઓળખે જ…એમની જન્મભૂમિ યાદ કરો તો સાથે કટિંગ ચા યાદ આવી જ જાય..પણ, આ તો તદ્દન વિરુદ્ધ જીવાત્મા….કોઈ ભારતીય તકલીફમાં છે એવી જાણ થવી જોઈએ…૭ શું ૧૦ પેઢીની ઓળખાણ શોધી લાવે ને દિલોજાનથી મદદ કરે…આખું કુટુંબ મદદ કરવા ખડે પગે….ગીનીસ બુક વર્ડ રેકોર્ડમાં જો પરોપકારી માટે એવોર્ડ અપાતો હોય તો આ મહાશયને જ મળે…
થોડા સમય પહેલાંનો એક પ્રસંગ યાદ આવી ગયો…
એક ભારતીય કારીગર હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યો. એના કુટુંબને જાણ કરી તો, ત્યાંથી મેસેજ આવી ગયો કે,
“૨૪ વર્ષથી કુટુંબથી દૂર રહ્યો તો હવે એના શબને જોઈ શું કરીશું ?! ત્યાં જ દફનાવી દો…”
આ જવાબ જે સાથી કારીગરે સાંભળ્યો, એ વ્યક્તિ તો સૂન  થઈ ગયો. સાથી કારીગરો પાસેથી જાણવા  મળ્યું કે, કુટુંબને તારવા માટે…આ વ્યક્તિએ તનતોડ મહેનત કરી હતી..દર ૨ વર્ષે રજા  મળે એ જતી કરી માબાપ માટે ઘર/ખેતર લીધા, પત્ની માટે ઘરેણાં, છોકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, અંતે જયારે નોકરી છોડી દેશ પાછા જવાનું નક્કી કર્યું તો જાણ થઈ કે પત્નીને હૃદયની બીમારી…બાઈપાસ સર્જરી કરાવવી પડશે…પોતાની  ઉંમરની દરકાર  કર્યા  વગર  આ નવી  જવાબદારી પણ પ્રેમથી નિભાવી.ઓપરેશનના  ખર્ચને પહોંચી વળવા  ઓવરટાઇમ લઇ  ખૂબ  કામ  કર્યું.દરેક જવાબદારી પ્રેમથી/દિલથી નિભાવી ને અંતે શું મેળવ્યું ??
“મારા આગમનની ના કોઈ ચાહત હતી,
ભેટની ચાહત જ એમની આદત હતી,
આજ  એ વાતની મળી દિલને દસ્તક
એટલે જ NRIની પદવી હસ્તક  હતી.”
…..વિચારે જ દિલ ધડકવાનું ભૂલી ગયું ……
એ સમયે જ Radio Voice 104.2 Bahrain પર,
“चिट्ठी आई है…वतन की मिटटी आई है…
हम को ज़िन्दा मार गया तू…
दीप नहीं जले है दिल खाली…
तुने पैसा बहोत कमाया…इस पैसे ने देश छुडाया…
पंछी पिंजरा तोड़ के आजा….
आजा उम्र बहोत है छोटी,
अपने घर मै भी है रोटी….”
કેવાં તદ્દન વિરુદ્ધ સંબંધ …!!!
~~
સંબંધ….એટલે શું ???
સીધો સાદો અર્થ વિચારીએ તો…જોડાઈ જવું….સારી રીતનું બંધન…
થોડું આગળ વિચારશો તો કેટકેટલાય અર્થ સરસે…..મિત્રતા, સગપણ, નાતો, બંધુત્વ, દોસ્તી વગેરે..વગેરે…
સમાજને જીવંત રાખવામાં સંબંધ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. માનવજીવનના સામાજીક ચક્રને ફરતું રાખવા માટે સંબંધો જરૂરી છે. માનવીના જન્મથી મૃત્યુ સુધીનું જીવનચક્ર વિચારીએ તો, એક માનવી સતત કોઈ ને કોઈ સંબંધથી બીજા માનવી સાથે જોડાયેલો રહે છે. આ સંબંધ જન્મજાત હોય કે પછી માનવીનો પોતાનો માનેલો હોય. પુત્ર/પુત્રી, પતિ/પત્ની, માતા/પિતા, દાદા/નાના, દાદી/નાની, કાકા/મામા/માસા/ફુઆ, કાકી/મામી/માસી/ફૈબા…જન્મજાત સંબંધ થયા. આ સિવાઈ મિત્ર, પાડોશી, સહપાઠી, સહાધ્યાયી, સાથી, સમ વ્યવસાયી, સહકાર્યકર, સહઅધિકારી, વ્યવસાયબંધુ, સહકારી, મદદનીશ…વિચાર્યા જ કરો…
કવિઓ જીવનને દરિયા સાથે સરખાવતાં હોય છે. હા, જીવનમાં પણ ભરતી/ઓટ આવવાના જ…સુખ/દુઃખ…માનવજીવનમાં, દરેક સંબંધમાં ઉદય..અસ્ત…ભરતી..ઓટ…જેવી કુદરતી ઘટનાઓ ઘટતી રહે છે. મહદ અંશે માનવીના મનની લાગણીઓ માનવીય સંબંધોને લીધે જ ઉદભવતી જોવા મળે છે. સંબંધમાં ઓટ કે અસ્ત તો માણસ દુઃખી-દુઃખી, હતાશ, નિરાશ…નવા સંબંધ ખીલે કે ભરતી ચડે તો સુખની હેલી..હર્ષના આંસુ..!!
માનવીની સ્વભાવગત ખાસિયત છે કે એ દરેક સંબંધ પાસેથી કોઈ ને કોઈ અપેક્ષા રાખે છે. આ અપેક્ષા/ઉપેક્ષા સાથે સુખ/દુઃખની લાગણી જોડાયેલી છે. ગુસ્સો, હતાશા, નિરાશા, એકલતા, ઈર્ષા, અભિમાન…આ બધી જ નકારાત્મક લાગણીઓ સંબંધના મૂળમાં છુપાયેલી અપેક્ષા પૂર્ણ ન થતાં ઉદભવે છે.
નવી ઓળખાણ થઈ નથી કે દિલ ખુશીથી ઝૂમવા લાગ્યું. પણ, આ “ખુશી” નું કારણ શું ?? એ સમયે સુષુપ્ત મનમાં એક ઝબકારો થયો જ હશે…”આ તો કામનો માણસ છે !!” …..સંબંધમાં ભરતી….ખુશીની લહેર…પણ, આ જ કામનો માણસ જો કામ ન આવે તો ?????? સંબંધમાં તિરાડ…અમાસી ઓટ…ગુસ્સો, હતાશા, નિરાશા…કેટકેટલી લાગણીઓની ડમરી ચડે…
કદી કહી શકીશું ?!?
કરો ઉપેક્ષા,
વ્યથા-વેદના શી’ ?!
છોડી અપેક્ષા.
અઘરું છે, પણ અશક્ય તો નથી જ.
~~
NRI = Non Resident Indian
કે,
NRI = Non Reliable Indian
કે,
NRI = Not Required (in) India
કે,
NRI = Nation’s Respected Indian
કયું TAG મળશે એ આપણાં પોતાના હાથમાં છે…આપણાં ખાટ્ટા-મીઠ્ઠા સંબંધ પર આધારિત છે.
……………………………………………………………………………………………..આરતી પરીખ (૧૬.૬.૨૦૧૨)