Archive | September 15, 2012

મારા જ અંતરમાં…!!!!

સંતાયો ભલે તું અહી ક્યાંક આસપાસમાં,
હું અનુભવું તને, મારી લાગણીના આકાશમાં…
 
વાસંતી વાયરા વાયા આજ રેગીસ્તાનમાં,
વિના વાદળે ભીંજાઈ યાદોના વરસાદમાં…
 
એક પળ પણ લાગે દાયકો તારા વિરહમાં,
નિરંતર વહી રહ્યા અશ્રુ આંખોની અટારીમાં…
 
અટવાયો તું મારી યાદોના ઝંઝાવાતમાં,
ઉમટ્યું તોફાન ઉર કેરા સમંદરની ઓટમાં…
 
લોક’ ભલે પૂજે તને પત્થરની મૂર્તિમાં,
મારે તો મળવું તને મારા જ અંતરમાં….
_  આરતી પરીખ & રાજુ કોટક 
(૧૦.૨.૨૦૧૧)

સંગાથ

તારા સંગાથે જીવનમાં ફૂંટી નવી શાખ,
મનસાને મળી આજ અનેરી નવી પાંખ,
માણું છું નજરોથી ફરી આ ખુલ્લું આકાશ
આકારો નહિ લાગે હવે તપતો વૈશાખ.   _આરતી(૩૦.૮.૨૦૧૨)

Image

“હાથોહાથ”

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

નિંદા તો જીભથી ટપકી,
કૂથલીમાં કદી ન અટકી,
કપટથી જ તોડ્યાં સ્નેહીના સાથ…
કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…
બ્રહ્મજ્ઞાન ક્યાંથી આવે ?
અહંકાર તો બહુ રે ભાવે,
હાથે કરીને જ થઈ છું અનાથ…કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

ઊંચ-નીચના ક્યારા કીધા,
કામ-ક્રોધના પ્યાલા પીધા,
કળિયુગનો જ પ્રતાપ ઓ નાથ…

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

મન ભૂતતણી પેઠે ભમતું,
મોહ-માયાના કોઠે રમતું,
હરિજનનો માંગી રહી છું સંગાથ…

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,
ભીની લાગણી આપજે સાથોસાથ…

સોના ઈંઢોણી ને રૂપાલાનું બેડું,
સાચું ઘરેણું છે હરિનામનું તેડું,
વાટ નિહાળું જોડી બે હાથ,
વિનંતી કરું છું સાથોસાથ…

કોરો કાગળ આપ્યો છે હાથોહાથ,

ભીની લાગણી આપજે સાથોસાથ…  _આરતી(૬.૯.૨૦૧૨)

SAVE OUR ENVIRONMENT…..

તારલિયા ખરી રહ્યા ઉઠ્યો છે ઝંઝાવાત,
જો’ ફરીથી ના આવે ઘનઘોર અમાસી રાત.

રવિની લાલાશે ઝાંઝવા કરે છે સવાલાત,
જો’ વાદળ ફાટે ને રેગીસ્તાન શોધે છે છાત.

પર્વત કોતરાઈ રહ્યા વાદી કરે છે જાહેરાત,
જો’ પાણીની લાલચે નદીઓની ટળી છે ઘાત.

ખુદ ઉષા-સંધ્યા કરી રહી છે કબુલાત,
જો’ ઉદ્યોગોની કાળાશે નભ ભૂલ્યું છે ભાત.

નેતાની વૃક્ષારોપણની વાત છે વાહિયાત,
જો’ સંક્રમણની અસરે વૃક્ષોએ ભૂલી છે જાત.

પ્રગતિની લાલચે બ્રહ્માંડે ચાલે છે યાતાયાત,
જો’ સુનામી સર્જી કુદરતે કેવી મારી છે લાત.

સર્જનહાર ફસાયો ગોખલે માહણે છે હવાલાત,
જો’ ‘આરતી’ નાદે ગુંજે પોકળ પ્રગતિની છે વાત. _આરતી

નવા રૂપે જડી ?!?

વનવગડે વિહરતી વિચારે ચડી

શહેરે જીવતી મુજ આચારે લડી,

 

જાતને ફંફોળતી જીવવા મથતી

કરમાતી વેલી આ થડીયાને નડી,

 

વિચારોના જંગલે પાનખર બેઠી

કાગળની સફેદી કલમને નડી,

 

કાંકરીચાળો કરીને વમળો સર્જે

નદીની માસુમિયત વહેણને નડી,

 

પથરો, પથ્થર ટાંકી ‘ઈશ’ ને સર્જે ?!

‘આરતી’ ટાણે’ય રોદણું રોતી જડી !! _આરતી(૧૫.૧૦.૨૦૧૧)

NRI.. NRI

પ્રેમાળ હોવાનો હું પુરાવો આપું, 
“આવો”થી મીઠો આવકાર આપું,

બાજરીનો રોટલો ને ઓળો પીરસી 
દિલથી જન્મભૂમિનો પ્રસાર આપું,

ઉંબરે પહોંચી “આવજો” થી ટહુકી
ભાથામાં લાગણીનો આચાર આપું,

વળાવું સુખેથી, જીવનભરના પ્રવાસી
“જયશ્રી કૃષ્ણ” કહી, થોડો આધાર આપું,

NRI.. NRI સાંભળી હવે તો થાકી
ગુજરાતી હોવાનો અણસાર આપું. _આરતી

ગમ્મત

એક નવતર પ્રયોગ…..
~~~~~~~~~~~~~~~~
ગમ્મત તો મને ગમી હતી,
તેં ક્યાં દિલથી રમી હતી ?!
..

લાગણીમાં વ્યવહારિકતા રમી,
આંખોમાં એથી જ તો નમી હતી.
..
નમ્રતાથી જ દુનિયા નમી,
સમજમાં એની કમી હતી.
..
ખેલદિલીની હંમેશની કમી,
સહજતાથી જ મેં ખમી હતી.
..
નાદાની સઘળી દિલે ખમી,
દરેક રૂપે “તું” જ ગમી હતી !! _આરતી(૨.૬.૨૦૧૨)
Image

શાન

એક ઘર બાંધવું આંખ માં,
એમ નભ આંબવું શાખ માં,

છે પતનની નિશાની સદા
તો, ઈર્ષાથી હવે ઝાંખ માં,
કૂથલી તો વગોવે ઘણી
માંયલો કાદવે નાખ માં,

આખરી દાવને ખેલવા
હામ ને સાચવું પાંખ માં,

જિંદગી જીવવી શાનથી,
છે અલગ ‘આરતી’ લાખ માં.  _આરતી(૨૪.૬.૨૦૧૨)
~~
ગાલગા ગાલગા ગાલગા
~~
શાખ = આબરૂ, વિશ્વાસ, ભરોસો
શાન = ભભકો, પ્રતિષ્ઠા,
માંયલો = અંતર, હૃદય