Archive | September 11, 2012

Experience the Power of Soul

આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,મનથી મનને મેળવવું છે,
પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે. _આરતી(૨૨.૧.૨૦૧૨)Image

અલ્લડ અદા

નમણી નાજુક નારની જુઓ અલ્લડ અદા,
કમખે ઉભરાતાં કામણે આખું ગામ ફિદા……

રૂપની રાણી ને, સ્વભાવે તરલિકા,
જુવાન હૈયાની છે, સ્વપ્નિલ મલ્લિકા,

બોખલો બુઢ્ઢો’ય ઝંખે, એવી એ માશુકા !!
નમણી નાજુક નારની જુઓ અલ્લડ અદા……સૂર્ય પ્રકાશે ઝળહળે, એના અંગની ધરા,
ઝાકળબુંદ સ્પર્શે, માદકતાથી મલકી જરા,
આખા ગામના હૈયે, ભોંકાયા સો-સો છરા !!
નમણી નાજુક નારની જુઓ અલ્લડ અદા……….. _આરતીImage

“સજનવા, તું એવો છે સરસ….”

એક પળની જ હતી એ મુલાકાત,
ક્ષણમાં જ દિલે કરી’તી કબુલાત,
સજનવા, તું એવો છે સરસ…..
રોજ રોજ મળીયે તો’ય મળવાની તરસ,
સાચું કહું ?! મિતવા, તું એવો છે સરસ……
~~
જીવને ભાન નથી રાત-દિવસનું,
નામ-ઠામ શોધું છું તારા ગામનું,
તારા વિના લાગે છે જીવન નિરસ,
સજનવા, તું એવો છે સરસ….
રોજ મળીયે તો’ય મળવાની તરસ,
ફરી કહું, મિતવા, તું એવો છે સરસ….
~~
ઓઢવી છે મારે પ્રીતની ચુંદડી,
રમવી છે ભીની લાગણીની ફૂદડી,
તારી સાદગી જ છે મારી જણસ,
સજનવા, તું એવો છે સરસ…..
રોજ મળીયે તો’ય મળવાની તરસ,
ફરીથી કહું છું, મિતવા, તું એવો છે સરસ….
~~
વિરહમાં’ય હસતી રહી કરું આરાધના,
પિયુ નામ જ છે મારા દિલની પ્રાર્થના,
તારા આગમને હટશે જીવનના તમસ,
સજનવા, તું એવો છે સરસ….
રોજ મળીયે તો’ય મળવાની તરસ,
દિલથી કહું છું,મિતવા, તું એવો છે સરસ…………આરતી(૧.૫.૨૦૧૨)

“એક હતો દેવદાસ, આ સાલ્લો…MOON-દાસ……… !! “

Image
આજ, ચાંદ પણ ચાલુ થઇ ગયો,
વાદળીનો લહેરાતો પલ્લુ થઇ ગયો….આજ, ચાંદ પણ ચાલુ થઈ ગયો….
..

ચબરાક ચાંદનીએ નઝારો કર્યો click,
ભૈયા સમીરને MMS કર્યો leak,
technology નો timely ઉપયોગ થઈ ગયો….આજ, ચાંદ પણ ચાલુ થઈ ગયો…
..
ધૂંધવાતો સમીર storm બની આવ્યો,
શાણી વાદળીએ shower વરસાવ્યો,
nature નો totally દુરુપયોગ થઈ ગયો….આજ, ચાંદ પણ ચાલુ થઈ ગયો…
..
દાદા સૂરજના આગમને ચાંદ ઝંખવાયો,
ચાંદનીના મુખ પર હવે હાશકારો છાયો,
બધો નશો immediately ફોગ થઇ ગયો…આજ, ચાંદ પણ ચાલુ થઇ ગયો,
..
સંધ્યાની મદહોશીએ જામની પ્યાલી છલકાતી,
દાદા વિરામે ને નિત નવી વાદળી ભટકતી,
platonic-love નામે silly રોગ થઇ ગયો…આજ, ચાંદ પણ ચાલુ થઇ ગયો,
..
વાદળીની મસ્તીનો ચસકો ચાંદને ચડતો,
ચાંદનીના દિલમાં પ્રેમનો દિપક જલતો,
marriage-lifeમાંથી પ્રેમનો વિયોગ થઈ ગયો…આજ, ચાંદ પણ ચાલુ થઈ ગયો…
..
વાદળીની મસ્તીના નશામાં ચાંદ લથડતો,
ને, રોજ સવારે સૂરજ આવી ચાંદને વઢતો,
એક ચોમાસે દાદાને પણ infection લગાવી ગયો…..હવે ???… now, સૂરજ પણ ચાલુ થઈ ગયો..
..
સાલ્લો, ચાંદ સાવ રખડેલ થયો,
સૂરજ-દાદુ પણ બગડેલ ઠર્યો…….!!?!!
બસ,……….
આમ જ ચાંદ-ચાંદનીની જિંદગી વહે છે,
અમાસે બંને ફક્ત એકમેકમાં ખોવાઈને રહે છે.
…………………………………………_આરતી પરીખ(૨૫.૧.૨૦૧૨)

મારો સાહ્યબો સાંવરિયો…

મારો સાહ્યબો સાંવરિયો…

યાદ તો જાણે ગાંડો ઓલ્યો બાવળિયો,
સપને સતાવે મારો સાહ્યબો સાંવરિયો….

વાત ચર્ચાય છે તારલિયાની નાતમાં,
ચાંદની મીઠું મલકી છે અડધી રાતમાં,
કાળું ધાબું દેખાય છે ચંદ્રમાની ભાતમાં,
રોમેરોમ અગન જગાવે રે.. ઓલ્યો ચાંદલિયો…
સપને સતાવે મારો સાહ્યબો સાંવરિયો….

યાદ તો જાણે ગાંડો ઓલ્યો બાવળિયો,
સપને સતાવે મારો સાહ્યબો સાંવરિયો….

કામણગારી રાત આળસ મરડે,
કમખે વીંછી ક્યારે આવી કરડે ?!
ચાદરે સળ પાડી રાતરાણી તરફડે,
તડપતો વાયો રે.. ઓલ્યો વંટોળિયો,
સપને સતાવે મારો સાહ્યબો સાંવરિયો….

યાદ તો જાણે ગાંડો ઓલ્યો બાવળિયો,
સપને સતાવે મારો સાહ્યબો સાંવરિયો….

શ્વાસોચ્છવાસની અંગીઠી કરું,
જોબનીયું પાથરી ચાદર ધરું,
છો’ને વાયો રે.. ઓલ્યો પાખંડી પવનિયો,
ટાઢે નહિ ધ્રુજે રે મારો સાહ્યબો સાંવરિયો…

દિલનો ભોળો છે મારો સાહ્યબો સાંવરિયો,
મન મોજીલો છે મારો સાહ્યબો બાવરિયો,
સપને સતાવે રે.. મારો સાહ્યબો સાંવરિયો………._આરતી(૧૧.૯.૨૦૧૨)